ભારત અને ચીન જેવા નરક સમાન દેશમાંથી મહિલા અમેરિકા આવીને બાળકને જન્મ આપે એ પછી આવી જાય છે તેનો આખો પરિવાર
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના ફરી વાર પ્રેસિડન્ટ બન્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકામાં જન્મ લેતાં બાળકોને મળતી અમેરિકાની નાગરિકતા સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે અને તેઓ એના સખત વિરોધમાં છે. તેમણે આ મુદ્દે ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેમની સોશ્યલ મીડિયા પોસ્ટમાં ભારત અને ચીનને નરક જેવા દેશ કહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર પ્રખ્યાત લેખક અને રેડિયોહોસ્ટ માઇકલ સેવેજનો એક જૂનો લેટર શૅર કર્યો છે. આ લેટરમાં ભારત અને ચીન જેવા દેશોનું વર્ણન કરવા માટે નરક જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માઇકલ સેવેજ અમેરિકાના જન્મજાત નાગરિકતા કાયદાના આકરા ટીકાકાર છે.
આ પોસ્ટમાં ટ્રમ્પ લખે છે કે ‘૯ મહિનાની પ્રેગ્નન્ટ મહિલા અમેરિકા આવી જાય અને અહીં આવીને તે બાળકને જન્મ આપે એટલે આ બાળકનો આખો પરિવાર ચીન, ભારત અથવા અન્ય કોઈ નરક જેવા દેશમાંથી અમેરિકા આવી જાય છે. ભારતીય અને ચીની ઇમિગ્રન્ટ્સ અમેરિકા પ્રત્યે વફાદાર નથી. જન્મજાત નાગરિકતા રહેવા દેવાથી અમેરિકા ઓળખી ન શકાય એવા સેસપૂલમાં ફેરવાઈ જશે.’
