હોમિયોપૅથી ડૉક્ટરોને ઍલોપથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની છૂટ આપવાનો વિરોધ
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ના મહારાષ્ટ્ર ચૅપ્ટરના આશરે ૧.૮ લાખ ડૉક્ટરોએ આજે હડતાળ પર ઊતરવાની તૈયારી બતાવી છે. હોમિયોપથી ડૉક્ટરોને ઍલોપથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની છૂટ આપવાના વિરોધમાં સવારે ૮ વાગ્યાથી રાજ્યભરના ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરશે. બધા જ ડૉક્ટરો તથા સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ આ હડતાળમાં ભાગ લેશે. માત્ર ઇમર્જન્સી સર્વિસ ચાલુ રહેશે. જે ડૉક્ટરો હડતાળમાં ભાગ નહીં લઈ શકે તેઓ કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવશે.
IMAના મહારાષ્ટ્ર ચૅપ્ટરના અધ્યક્ષ ડૉ. સંતોષ કદમે કહ્યું હતું કે ‘મૉડર્ન ફાર્મકોલૉજીમાં એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરનાર હોમિયોપથી ડૉક્ટરોને ઍલોપથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની છૂટ આપવા માટે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)એ બુધવારથી રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. રાજ્ય સરકારે રજિસ્ટ્રેશન કરવાનો આદેશ આપતું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) પાંચમી સપ્ટેમ્બરે બહાર પાડ્યું હતું. એ પાછું ખેંચાય એ માગણી સાથે મહારાષ્ટ્રના ડૉક્ટરો હડતાળ પર ઊતરશે.’
ADVERTISEMENT
બુધવારે IMAના પ્રતિનિધિઓએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને પોતાની માગણી રજૂ કરી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને સરકારી મેડિકલ કૉલેજના રેસિડન્ટ ડૉક્ટરો તથા મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સના સેન્ટ્રલ અને BMCના વિભાગના ડૉક્ટરોએ પણ GRનો વિરોધ કરીને હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે. જો હોમિયોપૅથ ડૉક્ટરોને ઍલોપથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની છૂટ આપવામાં આવે તો દરદીઓ માટે જોખમ ઊભું થઈ શકે એમ જણાવીને GR પાછું ખેંચવાની માગણી થઈ રહી છે.

