પનવેલમાં કર્નાળા સ્પોર્ટ્સ એકૅડેમી નજીક અન્ડરકન્સ્ટ્રક્શન ફ્લાયઓવર પરથી પટકાયેલા ટીનેજરને ફાયરબ્રિગેડે ઉગાર્યો
બૉડી-હાર્નેસ અને રોપની મદદથી ટીનેજરને બહાર કાઢવામાં આવ્યો હતો.
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ તરફ જતા માર્ગ પર કર્નાળા સ્પોર્ટ્સ અૅકૅડેમી નજીક બની રહેલા ફ્લાયઓવર પરથી આશરે ૮૦ ફુટ ઊંડે પટકાયેલા ૧૬ વર્ષના ટીનેજરને પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢ્યો હતો.
આ ઘટના ૧૦ નવેમ્બરે રાત્રે ૧૦.૨૫ વાગ્યે બની હતી. ઓલ્ડ પનવેલમાં રહેતો ૧૬ વર્ષનો ટીનેજર નિર્માણાધીન ફ્લાયઓવર પર ફટાકડા ફોડવા ગયો હતો. એ દરમ્યાન તે અકસ્માતે ઊંચા સ્ટ્રક્ચર પરથી નીચે એક ખાડામાં ખાબક્યો હતો.
ADVERTISEMENT
ટીનેજર જ્યાં પડ્યો એ ખાડામાંથી તેને બહાર કાઢવો કપરું કામ હતું. અંદાજે ૮૦ ફુટ જેટલો નીચે પટકાયો હોવાનું જણાતાં બચાવ-કામગીરી અત્યંત પડકારજનક બની હતી. કન્સ્ટ્રક્શન સાઇટ હોવાને કારણે ખોદકામ વગેરે હોવાથી ટીનેજર સુધી પહોંચવા માટે બે ફાયર-ફાઇટરને આશરે દોઢ કિલોમીટર જેટલું ચાલીને ત્યાં સુધી પહોંચવું પડ્યું હતું.
ત્યાર બાદ રેસ્ક્યુ ટીમે ત્રણ દોરડાં, બૉડી-હાર્નેસ, હેલ્મેટ અને ત્રણ ટૉર્ચની મદદથી ઑપરેશન પાર પાડ્યું હતું. ટીનેજરને બૉડી-હાર્નેસ અને રોપથી સુરક્ષિત બાંધીને ધીમે-ધીમે ખેંચીને ઉપર સલામત સ્થળે લવાયો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક ઍમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
