Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડના ટીનેજરની ૧૦૮ દિવસ પછી ઘરવાપસી

મુલુંડના ટીનેજરની ૧૦૮ દિવસ પછી ઘરવાપસી

Published : 05 February, 2026 07:02 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

ઘર છોડીને જતો રહેલો મુલુંડનો ૧૯ વર્ષનો ગુજરાતી ટીનેજર સહીસલામત પાછો ફર્યો- ૧૦૮ દિવસ પછી ઘરવાપસી

ગઈ કાલે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં સ્ટેટમેન્ટ આપવા પિતા સાથે આવેલો હિમેશ બોરખતરિયા પોલીસ-અધિકારીઓ સાથે.

ગઈ કાલે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં સ્ટેટમેન્ટ આપવા પિતા સાથે આવેલો હિમેશ બોરખતરિયા પોલીસ-અધિકારીઓ સાથે.


પિતાએ ઠપકો આપ્યા પછી બોગસ બાબાના ચક્કરમાં આવીને ઘર છોડ્યું હતું, પનવેલ જઈને એક હોટેલમાં ૧૦,૦૦૦ રૂપિયાના પગારવાળી નોકરી પર લાગી ગયો હતો : બાબાની હકીકત સમજાઈ એ પછી મિત્રની સમજાવટથી ઘરે આવી ગયો

મુલુંડ-વેસ્ટના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રોડ પર આવેલી ગણેશ સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષનો હિમેશ બોરખતરિયા ગુમ થયાના ૧૦૮ દિવસ પછી એટલે કે મંગળવાર રાત્રે પોતાના ઘરે સુખરૂપ પાછો ફર્યો હતો. ૨૦ ઑક્ટોબરે પિતાના નાના ઠપકા બાદ હિમેશે ઘર છોડ્યું હતું જેના પગલે મુલુંડ પોલીસે તેની મિસિંગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. હિમેશ સોશ્યલ મીડિયા પર સંપર્કમાં આવેલા એક બોગસ બાબાના ભ્રમમાં આવીને પૈસાની વ્યવસ્થા કરવા માટે ઘર છોડીને ગયો હોવાની માહિતી તાજેતરમાં પ્રકાશમાં આવી છે. હિમેશ ઘરે પાછો આવ્યા બાદ ગઈ કાલે સવારે પોલીસે તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું તેમ જ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન કરે એ માટે તેને યોગ્ય રીતે સમજાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં હિમેશને ઘરે પાછા ફરવા માટે પ્રેરિત કરવામાં તેના મિત્ર અંકિત ભટ્ટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.



હિમેશે મારી જાણ બહાર કેટલાક સંબંધીઓ પાસેથી પરચૂરણ રકમ ઉધાર લીધી હતી એમ જણાવીને તેના પપ્પા કમલેશ બોરખતરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતની જાણ થતાં ૨૦ ઑક્ટોબરે મેં તેને શાંતિપૂર્વક સમજાવીને એ રકમ શા માટે લીધી એની પૂછપરછ કરી હતી અને જો કોઈ જરૂર હોય તો સીધી રીતે પાસે પૈસા માગવા કહ્યું હતું. જોકે હિમેશ શા માટે પૈસા લીધા હતા એની કોઈ માહિતી આપ્યા વિના પોતાનો મોબાઇલ ઘરમાં મૂકીને બિલ્ડિંગની નીચે ઊતરી ઘર છોડીને નીકળી ગયો હતો. ત્યારે મને લાગ્યું હતું કે થોડા સમય બાદ ગુસ્સો શાંત થતાં તે ઘરે પાછો ફરશે, પરંતુ બીજા દિવસ સુધી પણ હિમેશ ઘરે પાછો ન ફરતાં અંતે તેની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે હિમેશને શોધવા માટે ૧૦૦ કરતાં વધુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં તેમ જ તેના કેટલાક મિત્રોની પૂછપરછ કરી હતી. એમ છતાં કોઈ ચોક્કસ માહિતી ન મળતાં અમે ચિંતામાં મુકાયા હતા એટલું જ નહીં; છેલ્લા કેટલાક મહિનાથી હું રોજ એક વાર પોલીસ-સ્ટેશને જઈને હિમેશ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ લાંબા સમય સુધી તેના કોઈ ખબર મળ્યા નહોતા.’


બોગસ બાબાના ચક્કરમાં ફસાયો હોવાનો ખુલાસો

લાંબા સમય બાદ હિમેશ ૧૦૮મા દિવસે એટલે કે મંગળવારે રાત્રે ૯ વાગ્યે પોતે જ ઘરે પાછો ફર્યો હતો એમ જણાવીને કમલેશ બોરખતરિયાએ કહ્યું હતું કે ‘ઘરે આવ્યા બાદ તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ પર તેની એક બાબા સાથે ઓળખાણ થઈ હતી. રોજિંદા જીવનમાં ચાલતી સમસ્યાઓ અંગે વાતચીત દરમ્યાન બાબાએ તમામ મુશ્કેલીઓ ઉકેલવાના નામે તેની પાસે પૈસાની માગણી કરી હતી. આથી હિમેશે ગુમ થવા પહેલાં કેટલાક લોકો પાસેથી પરચૂરણ રકમ ઉધાર લઈને બાબાને આપી હતી. ત્યાર બાદ પણ બાબા દ્વારા વધુ પૈસાની માગણી કરવામાં આવતાં હિમેશ પોતાના અને અમારા ભવિષ્યને સુધારવાની ભાવનાથી બાબાને વધુ રકમ આપવા તૈયાર થયો હતો. વધુ પૈસા કમાવા અને ઘરેથી પૈસા ન માગવા પડે એ માટે અંતે તેણે ઘર છોડવાનો નિર્ણય લીધો હતો.’


પનવેલમાં હોટેલમાં નોકરી કરીને ગુજરાન ચલાવ્યું

૨૦ ઑક્ટોબરે રાત્રે લગભગ ૯ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ હિમેશ મુલુંડ-ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક આવેલા એક મંદિરમાં પહોંચ્યો હતો જ્યાં તેણે રાત વિતાવી હતી એમ જણાવીને કમલેશ બોરખતરિયાએ વધુમાં કહ્યું હતું કે ‘બીજા દિવસે સવારે તેની પાસે પૈસા ન હોવાથી તે એક મોટરસાઇકલવાળાની મદદ લઈને ઐરોલી ટોલનાકા પહોંચ્યો હતો. ત્યાંથી એક ટ્રકચાલકની મદદથી બેલાપુર પહોંચ્યો હતો અને ત્યાર બાદ પનવેલ ગયો હતો. પનવેલ પહોંચ્યા બાદ હિમેશે એક હોટેલમાં નોકરી શરૂ કરી હતી. ત્યાં તેને રહેવા અને ખાવાની સુવિધા સાથે ૧૦,૦૦૦ રૂપિયા પગાર મળતો હતો. આ દરમ્યાન પણ તેનો બાબા સાથે સંપર્ક ચાલુ હતો. જોકે થોડા સમય બાદ હિમેશને સમજાયું કે બાબા બોગસ છે અને તે માત્ર પૈસા પડાવવા માટે તેને ભ્રમિત કરી રહ્યો હતો.’

મિત્રની સમજદારીથી મન બદલાયું, ઘરે પાછો ફર્યો

સ્વામીનારાયણ સંપ્રદાયની સભામાં આવતા તેના મિત્ર અંકિત ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં હિમેશે ઇન્સ્ટાગ્રામ મારફત તેના અને મારા એક કૉમન મિત્રનો સંપર્ક કર્યો હતો. તે મિત્ર પાસેથી તેણે મારો મોબાઇલ-નંબર મેળવીને મારી સાથે વાત કરી હતી. વાતચીત દરમ્યાન મેં હિમેશને માતા-પિતાનું મહત્ત્વ, તેમનું ઋણ તથા તેના ઘર છોડ્યા બાદ પરિવાર પર શું વીતી રહી છે એ વિશે સમજાવ્યું હતું. ત્યાર બાદ હિમેશે મને પનવેલ આવવા કહ્યું હતું, પરંતુ મેં તેને મુલુંડ મળવા માટે તૈયાર કર્યો હતો. મંગળવારે રાતે ૮ વાગ્યે મુલુંડમાં અમે મળ્યા બાદ હિમેશને ફરી એક વાર યોગ્ય રીતે સમજાવીને ઘરે લઈ ગયો હતો.’

પોલીસે સ્ટેટમેન્ટ લઈને મિસિંગ કેસ બંધ કર્યો

હિમેશ ઘરે પાછો આવ્યા બાદ ગઈ કાલે મુલુંડ પોલીસે તેનું સ્ટેટમેન્ટ લીધું હતું. ત્યાર બાદ પોલીસે તેને સમજાવીને ભવિષ્યમાં આવા કોઈ ખોટા ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી હતી. હિમેશ સલામત રીતે મળી આવતાં મુલુંડ પોલીસે મિસિંગ કેસની ફાઇલ બંધ કરી દીધી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 07:02 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK