મરાઠી ન બોલ્યો એટલે માર ખાધો અને પછી જીવ આપી દીધો ૧૯ વર્ષના ટીનેજરે
આત્મહત્યા કરનાર અર્ણવ ખૈરે.
થોડા આગે જાઓ, ધક્કા લગ રહા હૈ એ વાત મરાઠીમાં ન બોલવાને કારણે ટ્રેનમાં કૉલેજ જતા કલ્યાણના અર્ણવ ખૈરે ચાર-પાંચ મુસાફરોએ ભેગા મળીને માર્યો, વ્યથિત થયેલા ટીનેજરે ઘરે જઈને આત્મહત્યા કરી લીધી
મુંબઈની લોકલ ટ્રેનમાં હિન્દી-મરાઠી ભાષા પર થયેલી દલીલ અને મારપીટને લીધે ૧૯ વર્ષના ટીનેજરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે. મરાઠી બોલતાં નથી આવડતું એમ પૂછીને ચારથી પાંચ મુસાફરોએ ભેગા મળીને ટીનેજર પર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે વ્યથિત થયેલા ટીનેજરે ઘરે જઈને આત્મહત્યા કરી હોવાનો દાવો કરીને તેના પપ્પાએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ટીનેજરના પપ્પાએ પોલીસને આપેલી માહિતી મુજબ કલ્યાણ-ઈસ્ટમાં રહેતો અર્ણવ ખૈરે મુલુંડ કૉલેજ જવા ટ્રેનમાં ચડ્યો ત્યારે ભીડ હોવાને લીધે તેણે આગળ ઊભેલા મુસાફરોને ‘થોડા આગે હો જાઓ, ધક્કા લગ રહા હૈ’ એમ હિન્દીમાં કહ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા એક મુસાફરે તેને મરાઠી બોલતાં આવડતું નથી કે મરાઠી બોલતાં શરમ આવે છે એવું કહીને તેની સાથે વિવાદ ચાલુ કરી દીધો. એટલેથી ન અટકતાં ચાર-પાંચ મુસાફરોએ અર્ણવ સાથે મારપીટ કરી હતી. તેમનાથી બચવા માટે અર્ણવ થાણે સ્ટેશને જ ઊતરી ગયો હતો. બીજી ટ્રેનમાં કૉલેજ પહોંચ્યા બાદ અર્ણવ કૉલેજથી પણ વહેલો ઘરે આવી ગયો હતો. રસ્તામાંથી તેણે તેના પપ્પાને ફોન કરીને આખી વિગત જણાવી હતી. સાંજે જ્યારે તેના પપ્પા ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.
પાડોશીઓની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે ઘરમાં અર્ણવને બેડરૂમમાં પંખા પર ગળેફાંસો ખાઈને લટકેલો જોઈ હેબતાઈ ગયા હતાં. અર્ણવને તાત્કાલિક કલ્યાણની રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં રાત્રે ૯ વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અર્ણવના પપ્પાએ શું કહ્યું?
અર્ણવના પપ્પાએ કલ્યાણ-ઈસ્ટના કોલશેવાડી પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ‘અર્ણવ સાથે બનાવ બન્યો ત્યાર બાદ ફોન પર વાત કરતી વખતે તે ખૂબ જ દુખી જણાઈ રહ્યો હતો. માનસિક તનાવમાં આવીને તેણે આ પગલું ભર્યું છે.’ એના પગલે ટ્રેનના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો વગેરે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


