ઓપન સ્પેસમાં આવેલાં ૨૦૦૦ સંવેદનશીલ મતદાનકેન્દ્રો માટે વધારાની સુરક્ષા-વ્યવસ્થા, રાયટ કન્ટ્રોલ યુનિટ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની સિક્યૉરિટી ફોર્સ પણ રહેશે તહેનાત
ગઈ કાલે મુંબઈભરમાં પોલીસે ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શનને પગલે મુંબઈમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ૧૫ જાન્યુઆરીએ યોજાનારા મતદાન માટે શહેરમાં પાંચ ઍડિશનલ પોલીસ-કમિશનર, ૨૦ ડેપ્યુટી પોલીસ-કમિશનર, ૨૦૦૦ કરતાં પણ વધુ પોલીસ-ઑફિસર્સ અને ૨૫,૦૦૦ કરતાં વધુ પોલીસ-કર્મચારીઓ ઑન-ડ્યુટી તહેનાત રહેવાના છે. ત્રણ રાયટ-કન્ટ્રોલ પ્લૅટૂન્સને પણ તહેનાત રાખવામાં આવશે.

ADVERTISEMENT
BMC ઇલેક્શન પહેલાં મુંબઈમાં ઠેર-ઠેર ચુસ્ત પોલીસબંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, મહત્ત્વના રસ્તાઓ અને જંક્શન્સ પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગઈ કાલે બોરીવલી-વેસ્ટમાં આવેલા એફ. એમ. કરિઅપ્પા ફ્લાયઓવર પાસે વાહનોનું ચેકિંગ કરતી પોલીસ. તસવીરઃ સતેજ શિંદે
આ ઉપરાંત બંદોબસ્ત-ડ્યુટી માટે ટ્રાફિક-પોલીસ દ્વારા પણ ૧૪૪ ઑફિસર્સ અને ૧૦૦૦ કર્મચારીઓ ફરજ પર મૂકવામાં આવશે. શહેરભરમાં ૪૦૦૦થી વધારે હોમગાર્ડ્સ પણ ડિપ્લૉય કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સેન્ટ્રલ સિક્યૉરિટી ફોર્સ અને સ્ટેટ સિક્યૉરિટી ફોર્સનાં ૨૬ યુનિટ તહેનાત રહેશે.
મુંબઈનાં ૧૦,૨૩૧ મતદાનકેન્દ્રોમાંથી ૨૦૦૦થી વધુ ઓપન સ્પેસમાં હશે. આવાં ઓપન પોલિંગ-સ્ટેશન્સ માટે વધારાની સુરક્ષા ગોઠવવામાં આવશે. પોલીસ-ઑફિસર્સ પાસેથી મળેલી માહિતી પ્રમાણે મુંબઈમાં અત્યારે ક્યાંય ધર્મ કે જાતિના આધારે ઘર્ષણ સર્જાય એવી ટેન્શનની સ્થિતિ નથી. પોલીસ-સ્ટેશનના ૧૦૦ મીટરના રેડિયસમાં આવવા-જવા પર ચુસ્ત પ્રતિબંધો મૂકવામાં આવશે. માત્ર મતદારો અને ઇલેક્શન કમિશનના ઑફિસર્સને જ આ એરિયામાં ફરવાની છૂટ હશે.
- અનિશ પાટીલ


