ડૉગ-બાઇટના બનાવો અને શ્વાનોની વસ્તીને કાબૂમાં લેવા BMCએ ૨૩.૩૧ કરોડ રૂપિયાના પ્લાનને આપી મંજૂરી
પ્રતીકાત્મક તસવીર
BMCની સ્ટૅન્ડિંગ કમિટીએ મુંબઈમાં રખડતા શ્વાનોની વસ્તી પર અંકુશ મેળવવા માટે શ્વાનના ખસીકરણના પ્લાનને મંજૂરી આપી છે. BMCના ઍનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) પ્રોગ્રામ હેઠળ આગામી ૩ વર્ષમાં અંદાજે ૩૩,૬૭૧ રખડતા શ્વાનનું ખસીકરણ (સ્ટરિલાઇઝેશન) કરવા માટે ૨૩.૩૧ કરોડ રૂપિયાના ખર્ચના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
BMCના ડેટા મુજબ ૨૦૧૭થી અત્યાર સુધીમાં મુંબઈમાં ૧.૫૩ લાખથી વધુ રખડતા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં હાથ ધરાયેલી ગણતરી મુજબ કુલ સર્વે માટે લેવાયેલા ૯૦,૭૫૭ શ્વાનમાંથી ૩૩,૬૭૧ રખડતા શ્વાનનું ખસીકરણ થયું નહોતું. એમાં ૨૨,૪૪૭ નર અને ૧૧,૨૨૪ માદા હતા. એને પગલે ૨૦૩૩ સુધીમાં રખડતા શ્વાનની વસ્તી ૪.૪૮ લાખ થવાની શક્યતા છે. શ્વાનોનો આ વસ્તીવધારો અને ડૉગ-બાઇટના બનાવોને કાબૂમાં લેવા માટે BMCએ ખસીકરણના પ્લાનને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
રખડતા ૩૦૦૦ શ્વાનોનું શેલ્ટર બનાવવા માટે NGOનો સંપર્ક
BMCએ રખડતા શ્વાનની લાઇફટાઇમ કૅર કરવા માટે શેલ્ટર બનાવવાની યોજના રજૂ કરી છે. ૨૦૨૫ના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી શ્વાનોને આ શેલ્ટરમાં મોકલવામાં આવશે. ગુરુવારે BMCએ ઍનિમલ વેલ્ફેર માટે કામ કરતા નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ને ૩૦૦૦ શ્વાનોને રાખી શકે એવું શેલ્ટર બનાવવાનો અને સંચાલન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. આ શેલ્ટર જે ૩૦૦૦ ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવશે એ જગ્યા BMC પૂરી પાડવા તૈયાર છે. શેલ્ટરમાં એમને ફૂડ અને મેડિકલ ટ્રીટમેન્ટ અપાશે. પકડાયેલા કૂતરાઓનું ખસીકરણ અને હડકવાવિરોધી રસીકરણ થશે. ગલૂડિયાંનો અલગ વૉર્ડ પણ હશે.
