ખારઘરમાં બે દિવસ ઊજવાશે હિન્દ-દી-ચાદર શ્રી ગુરુ તેગ બહાદુરનો ૩૫૦મો શહીદી દિવસ
બાંદરા-વરલી સી-લિન્ક પર હિન્દ-દી-ચાદરને અંજલિ.
‘હિન્દ-દી-ચાદર’ એટલે કે ભારતની ઢાલ તરીકે ઓળખાતા શ્રી ગુરુ તેગ બહાદુરના ૩૫૦મા શહીદ દિન નિમિત્તે નવી મુંબઈના ખારઘરમાં ૨૮ ફેબ્રુઆરીએ અને પહેલી માર્ચે વિશાળ પાયે શહીદી સમાગમ કાર્યક્રમ યોજાશે.
પહેલી માર્ચે આ કાર્યક્રમમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખારઘર પહોંચશે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મુખ્ય પ્રધાનો, ત્રણ રાજ્યપાલો સહિત ટોચના રાષ્ટ્રીય નેતાઓ અને આધ્યાત્મિક હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ બેદિવસીય કાર્યક્રમમાં દેશભરમાંથી ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે એવી અપેક્ષા છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવાર બન્ને દિવસે કાર્યક્રમમાં હાજરી આપશે. મહેમાનોની યાદીમાં તામિલનાડુના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈ, યોગગુરુ બાબા રામદેવ અને સ્પિરિચ્યુઅલ લીડર ધીરેન્દ્ર શાસ્ત્રીનો પણ સમાવેશ થાય છે.
કાર્યક્રમના કો-ઑર્ડિનેટર રામેશ્વર નાઈકે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવા પેઢીને ગુરુ તેગ બહાદુરની શહીદીના ઐતિહાસિક મહત્ત્વ અને ધાર્મિક સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય જેવાં મૂલ્યો સાથેના તેમના ગહન વિચારો વિશે જણાવવાનો છે.
`હિન્દ-દી-ચાદર’ શહીદી સમાગમ મુખ્ય કાર્યક્રમની શરૂઆતરૂપે શુક્રવારે બેલાપુરથી ખારઘર સુધી નગરકીર્તનનું આયોજન કરવામાં આવશે, જેમાં લગભગ ૫૦,૦૦૦ ભક્તો ભાગ લેશે. આધ્યાત્મિક પ્રવચનો, જાગરણો, કીર્તનો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પરંપરાગત તલવારબાજી પણ કરવામાં આવશે.
૨૦ લાખ મુલાકાતીઓ માટે કેવી સગવડ ઊભી કરાઈ છે?
લંગરનું સેટ-અપ
૧૦૦૦થી વધુ મોબાઇલ ટૉઇલેટ્સ
૩૦૦૦ પોલીસ ફરજ પર તહેનાત રહેશે
૧૦૦ વૉટર-ટૅન્કર અને ઓરલ રીહાઇડ્રેશન સપ્લિમેન્ટ (ORS) ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર
૨૦૦૦થી વધુ સ્વયંસેવકો
૩૦૦થી વધુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)
કાર્ડિઍક યુનિટ સાથે ૨૦ ઍમ્બ્યુલન્સ
૧૦ ટેમ્પરરી હેલ્થ-કૅમ્પ
પાર્કિંગ ઝોન અને હેલિપૅડ
મુલાકાતીઓને માર્ગદર્શન મળી રહે એ માટે ખાસ ઍપ પણ બનાવવામાં આવશે
