Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પર્સ ચોરવા માટે ગઠિયાએ ચાલતી ટ્રેનમાંથી ગુજરાતી મહિલાને ફેંકી દીધી

પર્સ ચોરવા માટે ગઠિયાએ ચાલતી ટ્રેનમાંથી ગુજરાતી મહિલાને ફેંકી દીધી

Published : 17 November, 2026 07:37 AM | IST | Palghar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં કાર્યક્રમ માટે આવેલાં અમદાવાદનાં શર્મિલા પટેલનાં મોબાઇલ, ઘડિયાળ અને રોકડ ચોરાયાં

શર્મિલાબહેનનો ફ્રૅક્ચર થયેલો પગ.

શર્મિલાબહેનનો ફ્રૅક્ચર થયેલો પગ.


ગુજરાત મેલમાં બોરીવલીથી અમદાવાદ મુસાફરી કરી રહેલાં ૫૯ વર્ષનાં શર્મિલા પટેલ સાથે શુક્રવારે અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ક્વૉર્ટર્સ નજીક રહેતાં શર્મિલાબહેન શુક્રવારે રાત્રે બોરીવલી રેલવે-સ્ટેશનથી ગુજરાત મેલમાં અમદાવાદ જવા રવાના થયાં હતાં. એ દરમ્યાન પાલઘર સ્ટેશન પહોંચતાં પહેલાં એક યુવકે તેમની સીટ પાસે આવીને તેમના પગ પાસે રહેલી હૅન્ડબૅગ બળજબરીથી ખેંચી હતી. એ સમયે હૅન્ડબૅગ બચાવવા યુવકની પાછળ દરવાજા સુધી ગયેલાં શર્મિલાબહેનને આરોપીએ ચાલતી ટ્રેનમાંથી નીચે ધકેલી દીધાં હતાં. ટ્રેન થોડી ધીમી હોવાથી ચોર બીજી બાજુના દરવાજાથી ઊતરીને ભાગી ગયો હતો. ટ્રેનમાંથી નીચે પટકાતાં શર્મિલાબહેનને ગંભીર ઈજાઓ પહોંચી છે અને આ કેસમાં પાલઘર ગવર્નમેન્ટ રેલવે પોલીસે (GRP) ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

શર્મિલાબહેનના પતિ રમેશ પટેલે વિગતવાર માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને શર્મિલા એક પ્રોગ્રામ માટે મુંબઈ આવ્યાં હતાં, એ પતાવીને શુક્રવારે અમે બન્ને અમદાવાદ પાછાં જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. ઘટના બનતાંની સાથે જ મેં તાત્કાલિક ટ્રેનની ચેઇન ખેંચીને ગાડી ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે ટ્રેન ઊભી રહી ત્યારે આઠથી ૧૦ ડબ્બા આગળ નીકળી ગઈ હતી. એ સમયે ટ્રેનમાં સવાર બે યુવકો તેમની મદદ માટે દોડી ગયા હતા અને તેમણે શર્મિલાને રેલવે ગાર્ડના આગળના ડબ્બામાં બેસાડી હતી. ત્યાર બાદ ટ્રેન સફાળે રેલવે-સ્ટેશન પાસે ઊભી રહી ત્યારે ફરજ પરના પોલીસને આ ગંભીર ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી શર્મિલાનો મોબાઇલ, રોકડ, ઘડિયાળ, ઘરની ચાવીઓ, ચાર્જર અને જરૂરી દસ્તાવેજો મળીને કુલ ૨૪,૫૦૦ રૂપિયાની કિંમતની મતા ચોરી કરી ગયો છે. આ હુમલા અને ટ્રેનમાંથી નીચે ફેંકવાની ઘટનામાં શર્મિલાને આખા શરીરે નાની-મોટી ઈજા થઈ છે અને ખાસ કરીને તેના જમણા પગમાં ગંભીર ફ્રૅક્ચર આવ્યું છે જેથી ડૉક્ટરોએ એક મહિના સુધી પ્લાસ્ટર બાંધવાની સલાહ આપી છે.’



પાલઘર GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીની ઓળખ કરવા માટે ખબરી પાસેથી પણ વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 07:37 AM IST | Palghar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK