અન્ડર-19 એશિયા કપમાં પાકિસ્તાનને જબરદસ્ત પછડાટ આપનારી ટીમ ઇન્ડિયામાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ હતા:આક્રમક બૅટિંગ કરી રહેલા પાકિસ્તાનીઓને પહેલો ઝટકો આપ્યો હતો અમદાવાદના પેસ બોલર કાવ્ય પટેલે, કુલ ૪ વિકેટ લઈને બન્યો ગેમચેન્જર
કાવ્ય પટેલ.
ઓમાનના મસ્કતમાં શનિવારે રમાયેલી અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઇનલ મૅચમાં પાકિસ્તાનના ચાર ખેલાડીઓને પૅવિલિયન ભેગા કરનાર અમદાવાદમાં રહેતા ભારતીય ટીમના પેસ બોલર કાવ્ય પટેલે ‘મિડ-ડે’ સાથે જીતની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ફાઇનલ મૅચમાં સામેની ટીમને બને એટલું ઓછું ટોટલ કરવા દેવાનો અમારો પ્લાન કામ કરી ગયો હતો. ટીમ ઇન્ડિયા ચૅમ્પિયન બની એ ટીમમાં હું પણ હતો એનું બહુ જ પ્રાઉડ ફીલ થાય છે.’
કાવ્ય પટેલે પાકિસ્તાનની ચાર વિકેટ ઝડપી હતી એમાં સૌથી વધુ મહત્ત્વની વિકેટ કાવ્ય પટેલની દૃષ્ટિએ પહેલી વિકેટ હતી. આ વિશે વાત કરતાં કાવ્ય પટેલે કહ્યું હતું કે ‘સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રેક-થ્રૂ તો પહેલી વિકેટનો હતો, કેમ કે પાવરપ્લેમાં સારી પાર્ટનરશિપ થતી હતી. એ લોકો અટૅકિંગ રમતા હતા. એટલે પહેલો બ્રેક-થ્રૂ બહુ ઇમ્પોર્ટન્ટ હતો ટીમ માટે.`
પાકિસ્તાની બૅટરો સતત રન કરતા હતા, પરંતુ અંતિમ ઓવરોમાં રન કંટ્રોલ કરવા માટે ભારતીય બોલરોએ અસરકારક બોલિંગ કરી હતી. આ મુદ્દે કાવ્ય પટેલે કહ્યું હતું કે ‘અમારો એ પ્લાન હતો કે જેટલું બને એટલું ઓછા ટોટલમાં એ લોકોને રિસ્ટ્રિકટ કરવા છે, કેમ કે એ લોકોને સ્ટાર્ટ સારો મળ્યો હતો. એટલે લાસ્ટ ઓવરમાં એમને જેટલા બને એટલા ઓછામાં રિસ્ટ્રિક્ટ કરવા હતા. અમારો પ્લાન એક્ઝિક્યુટ કર્યો અને અમારાથી આ પ્લાન એક્ઝિક્યુટ પણ સારો થયો. બોલિંગ કરતી વખતે મારા મનમાં એવું ચાલતું હતું કે ટીમ માટે સારું પર્ફોર્મ કરવું છે. મારા પ્લાન છે એટલામાં રહું અને એ જ એક્ઝિક્યુટ કરવાની ટ્રાય કરું જેથી ટીમને બેનિફિટ થાય.’
કાવ્ય પટેલે જીતની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું પહેલી વાર એશિયા કપમાં રમ્યો અને જીત્યા એનાથી બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે ઇન્ડિયન ટીમને જિતાડી છે અને આખું ઇન્ડિયા પ્રાઉડ ફીલ કરે છે. આ જીત પછી સાચું કહું તો મિત્રોના કાલથી અભિનંદનના ફોન-કૉલ્સ અને મેસેજિસ આવી રહ્યા છે. બહુ સારું લાગે છે કે હું ટીમનો પાર્ટ હતો અને જીતમાં મેં પણ કન્ટ્રિબ્યુશન કર્યું હતું. એટલે બહુ સારું લાગે છે.’
ગુજરાતના ૩ ક્રિકેટરોએ ફાઇનલમાં બતાવ્યું કૌવત
ઓમાનના મસ્કતમાં શનિવારે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઇનલ મૅચમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ મેદાનમાં ઊતર્યા હતા. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરનો અને હાલ રાજકોટમાં રહેતો ઑલરાઉન્ડર મોહિત ઉલ્વા, અમદાવાદનો પેસ બોલર કાવ્ય પટેલ અને મોરબીનો સ્પિનર આર્યન સવસાણી મેચમાં રમ્યા હતા. ફાઇનલ મૅચમાં આર્યન સવસાણીએ કરકસરયુક્ત બોલિંગ કરી હતી અને તેણે ૭ ઓવરમાં માત્ર ૩૬ રન આપ્યા હતા.
