નીતિન ગડકરીએ આવું વિવાદાસ્પદ નિવેદન કરીને ચોંકાવ્યા, પણ પછી કહ્યું કે હું કંઈ તેમની પ્રવૃત્તિઓનું સમર્થન નથી કરતો
નીતિન ગડકરી
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ ૬ સપ્ટેમ્બરે નાગપુરમાં યોજાયેલી મીડિયા કૉન્ક્લેવ 2026માં પોતાના સંબોધન દરમ્યાન નાગપુરનું ૯૯ ટકા અન્ડરવર્લ્ડ તથા રેડ લાઇટ એરિયા તેમનું સમર્થન કરતાં હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જોકે તેમના તરફથી મળતા સમર્થનનો અર્થ એવો નથી કે હું તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓને ટેકો આપું છું એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. તેમણે કહ્યું હતું કે મારી પ્રાથમિકતા લોકશાહીનાં મૂલ્યો, લોકોમાં જાગરૂકતા અને વિકાસ છે. નીતિન ગડકરીએ નાગપુરમાં પોતાને મળતા મતો વિશે બોલતાં કહ્યું હતું કે ‘હું ખૂબ જ સિદ્ધાંતવાદી માણસ છું. શિક્ષિત વર્ગમાંથી મને ૭૦-૭૫ ટકા મત મળ્યા હતા, જ્યારે શહેરના અન્ડરવર્લ્ડ તથા રેડ લાઇટ વિસ્તારોમાંથી ૯૨ ટકા મત મળ્યા હતા. જોકે સમાજના વિવિધ ઘટકો પાસેથી મળતા સમર્થનનો એ અર્થ ન લેવો જોઈએ કે હું ગેરકાયદે પ્રવૃત્તિઓનું સમર્થન કરું છું. મને મળતું સમર્થન નાગપુરમાં રસ્તાના બાંધકામ, અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કાર્યો જેવાં વિકાસકાર્યોના કારણે છે.’
નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રાથમિકતા નાગરિકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાની હોવી જોઈએ, પછી ભલે તેમનું બૅકગ્રાઉન્ડ કે સામાજિક પરિસ્થિતિ ગમે એ હોય.
