મૂર્તિ બુક કરાવનારા અનેક ભક્તો મુશ્કેલીમાં મુકાયા
મૂર્તિકાર અડધું કામ છોડીને નાસી ગયા પછીનું કારખાનું.
ડોમ્બિવલી-વેસ્ટમાં મહાત્મા ફુલે રોડ પર ચિનાર મેદાન નજીક આનંદી કલા કેન્દ્ર નામે ગણેશમૂર્તિ વેચવાનો વ્યવસાય કરતો પ્રફુલ તાંબડે ગઈ કાલે સવારે કારખાનું રામભરોસે છોડીને નાસી ગયો હતો. આ મામલે વિષ્ણુનગર પોલીસે મૂર્તિકાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ગણેશોત્સવના માત્ર એક દિવસ પહેલાં અડધી તૈયાર થયેલી મૂર્તિઓ છોડીને નાસી ગયેલા મૂર્તિકારને કારણે ૧૦૦થી વધારે ગણેશભક્તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગઈ કાલે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે મહાત્મા ફુલે રોડ પર બંદોબસ્તમાં વધારો કર્યો હતો અને આસપાસના મૂર્તિકારોની મદદ લઈને અડધી તૈયાર થયેલી મૂર્તિઓને પૂરી કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામચંદ્ર ચોપડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોમ્બિવલી-વેસ્ટમાં રહેતા ભગવાન પવારે આનંદી કલા કેન્દ્રના મૂર્તિકાર પ્રફુલ તાંબડે પાસે જુલાઈની શરૂઆતમાં સાડાત્રણ હજાર રૂપિયા આપીને બાપ્પાની દોઢ ફુટની મૂર્તિ બુક કરાવી હતી. બાપ્પાના આગમન પહેલાં તેણે બુક કરાવેલી મૂર્તિના કલર અનુસાર ઘરમાં ડેકોરેશન પણ તૈયાર કરી દીધું હતું. મંગળવારે સાંજે બાપ્પાને વાજતેગાજતે લઈ જતાં પહેલાં સોમવારે મોડી રાતે તે કારખાનામાં બુક કરેલી મૂર્તિ જોવા ગયો હતો. જોકે એ સમયે કારખાનું ખાલીખમ હતું. ત્યાર બાદ તેણે ગઈ કાલે સવારે આવીને તપાસ કરતાં પ્રફુલ તમામ મૂર્તિઓનાં અધૂરાં કામ છોડીને નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. મૂર્તિકાર નાસી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરતાં મોટા પ્રમાણમાં બાપ્પાની મૂર્તિ બુક કરાવનાર ભક્તો કારખાને આવી પહોંચતાં હોબાળો મચી ગયો હતો. અંતે મામલાની જાણ અમારી ટીમને થતાં એ બાબતને કન્ટ્રોલમાં લેવામાં આવી હતી. આ મામલે મૂર્તિકાર સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પણ આરોપીની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ૧૦૦થી વધારે એવા લોકો છે જેમની મૂર્તિનાં કામ અડધા કરતાં વધારે બાકી છે. એ કામ પૂરાં કરવા માટે બીજા મૂર્તિકારોની મદદ લેવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
મારી મૂર્તિનું કામ ૮૦ ટકા બાકી
મૂર્તિકાર પ્રફુલ પાસે મૂર્તિ બુક કરનાર હર્ષતા ગાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે બે મહિના પહેલાં સાડાછ હજાર રૂપિયા આપી મેં બાપ્પાની મૂર્તિ બુક કરાવી હતી. બાપ્પાના આગમન માટેનો અમારા ઘરમાં ખૂબ ઉત્સાહ હોવાથી બાપ્પાની જે કલરની મૂર્તિ હતી એના જેવા કલરનું ડેકોરેશન તૈયાર કર્યું હતું, પણ ગઈ કાલે સવારે મૂર્તિકારના કારખાનામાં આવીને જોતાં મારી મૂર્તિનું કામ ૮૦ ટકા બાકી હતું. એ જોઈને હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું. મારા ઘરની પરિસ્થિતિ મુજબ બીજા કોઈ મૂર્તિકાર બાપ્પાની મૂર્તિ બનાવી આપવા તૈયાર નથી. ખબર નહીં, આ વખતે શું થશે.’
મૂર્તિકાર પાસે મૂર્તિ બુક કરનાર સંદીપ મ્હાડિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે જ્યારે હું મૂર્તિના કારખાને પહોંચ્યો ત્યારે મારી બુક કરેલી મૂર્તિ મળી જ નહોતી. અંતે મારે બીજી જગ્યાએ તાત્કાલિક મૂર્તિ બુક કરાવવી પડી હતી.’

