વન ટાઇમ પાસવર્ડ વગર જ બૅન્કમાંથી ૨૭.૦૧ લાખ ઊપડી ગયા
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-ઈસ્ટના શેર-એ-પંજાબ વિસ્તારના વતની અને હાલ અમેરિકાના ન્યૂ યૉર્ક ખાતે સ્થાયી થયેલા ૭૨ વર્ષના ગુજરાતી રિસર્ચ ડિરેક્ટરે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ૨૭,૦૧,૦૦૦ રૂપિયા સાઇબર ફ્રૉડમાં ગુમાવ્યા હોવાની ફરિયાદ વેસ્ટ રીજન સાઇબર સેલમાં ગઈ કાલે નોંધાઈ છે. અમેરિકાસ્થિત પોતાના બૅન્ક ઑફ અમેરિકાના ખાતામાં ફન્ડ ટ્રાન્સફર કરવા માટે ડેબિટ કાર્ડ પાછળ આપેલા કસ્ટમર કૅર નંબર પર સંપર્ક કરતાં બૅન્ક અધિકારી તરીકે ઓળખ આપનાર અજાણ્યા ઠગે કસ્ટમર આઇડી મેળવી વિશ્વાસમાં લીધા હતા; ત્યાર બાદ કોઈ પણ વન ટાઇમ પાસવર્ડ (OTP) કે પાસવર્ડ વિના બૅન્ક ખાતામાંથી ૨૭,૦૧,૦૦૦ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા એ શંકાસ્પદ વ્યવહાર વિશે સાઇબર ટીમ તપાસના કામે લાગી છે.
શું હતો ઘટનાક્રમ?
મૂળ અંધેરી-ઈસ્ટમાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી ન્યુ યૉર્કમાં ગ્રૅન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં રિસર્ચ ડિરેક્ટર તરીકે કાર્યરત ૭૨ વર્ષના ગુજરાતી ફરિયાદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ન્યુ યૉર્ક ખાતેથી પોતાની પત્નીના બૅન્ક ખાતામાંથી બૅન્ક ઑફ અમેરિકાના ખાતામાં પૈસા મોકલવાની પ્રક્રિયા જાણવા માટે તેમણે ડેબિટ કાર્ડ પાછળ આપેલા અધિકૃત કસ્ટમર હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો.
કસ્ટમર કૅર પર ફોન અટેન્ડ કરનાર વ્યક્તિએ પોતાનું નામ વિશાલ બતાવ્યું હતું. તેણે પ્રક્રિયા પૂરી કરી આપવાનું કહીને પોતાનો અંગત વૉટ્સઍપ નંબર આપ્યો હતો અને ત્યાર બાદ દંપતી પાસેથી બૅન્કનો કસ્ટમર આઇડી મેળવ્યો હતો.
દંપતીએ કોઈને પણ પૈસા મોકલવા કહ્યું નહોતું તેમ જ કોઈ OTP, પાસવર્ડ કે ગુપ્ત માહિતી શૅર કરી નહોતી છતાં, ૯ અને ૧૦ સપ્ટેમ્બરના ફરિયાદીનાં પત્નીના અકાઉન્ટમાંથી ૧૧ લાખ રૂપિયા અને ૧.૪૨ લાખ રૂપિયા તેમ જ ફરિયાદી અને તેમનાં પત્નીના બૅન્ક-ખાતામાંથી ૧૪.૫૯ લાખ રૂપિયા એમ કુલ મળીને ૨૭,૦૧,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા.
શંકા જતાં ફરિયાદીએ પોતાની અમદાવાદની હોમ બ્રાન્ચના મૅનેજરનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આ રકમ બે અલગ-અલગ ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ વિશે ઠગ વિશાલનો સંપર્ક કરતાં તેણે ખાતાં ફ્રીઝ થઈ ગયાં હોવાનું કહીને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ ફ્રૉડ વિશે ફરિયાદીએ સૌપ્રથમ નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોઝિટરી (NCCR) પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ શનિવારે મુંબઈ આવી વેસ્ટ રીજન સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
