શુક્રવારે મોડી રાતે અજગર ઘરમાં આવ્યો એ સમયે પાળેલી બિલાડીએ ઘરમાં રહેતા લોકોને નખ મારીને ઉઠાડ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદરમાં ન્યુ હોરાઇઝન સ્કૂલ નજીક આવેલી પચીસ માળની ઇમારતના એકવીસમા માળે અજગર જોવા મળતાં રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. ઘરમાં પાળેલી બિલાડીની સતર્કતાને કારણે આ ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. મળતી માહિતી મુજબ ગઈ કાલે સર્પમિત્ર અતુલ ઉબાળેએ બાલ્કનીની બહાર બેઠેલા અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. નિષ્ણાતોના અનુમાન મુજબ આ અજગર ડ્રેનેજ-પાઇપના સહારે ઇમારતના એકવીસમા માળ સુધી પહોંચ્યો હોઈ શકે છે. સર્પમિત્ર અતુલ ઉબાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સોસાયટીના સિક્યૉરિટી દ્વારા અજગર વિશેની માહિતી આપવામાં આવતાં હું અને મારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં. ફ્લૅટ નંબર ૨૧૦૪માં તપાસ શરૂ કરી ત્યારે અજગર બાલ્કનીમાં હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ શાંતિપૂર્વક પરિસ્થિતિ સંભાળી અને યોગ્ય આયોજન સાથે અજગરને સુરક્ષિત પકડી લેવામાં આવ્યો હતો અને વન વિભાગના માર્ગદર્શન હેઠળ એને કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યો છે. શુક્રવારે મોડી રાતે અજગર ઘરમાં આવ્યો એ સમયે પાળેલી બિલાડીએ ઘરમાં રહેતા લોકોને નખ મારીને ઉઠાડ્યા હતા ત્યારે ઘરમાં રહેતા લોકોને અજગર હોવાની જાણ થઈ હતી.’
