Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જળગાવની બૅન્કમાંથી ૨૭ કિલો સોનું અને રોકડ લૂંટવામાં સસ્પેન્ડેડ પોલીસ-અધિકારી પણ હતો, ચારની ધરપકડ

જળગાવની બૅન્કમાંથી ૨૭ કિલો સોનું અને રોકડ લૂંટવામાં સસ્પેન્ડેડ પોલીસ-અધિકારી પણ હતો, ચારની ધરપકડ

Published : 03 November, 2026 09:22 AM | Modified : 03 November, 2026 09:23 AM | IST | jalgaon
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના જળગાવ જિલ્લામાં એક સસ્પેન્ડેડ પોલીસ-અધિકારી અને તેના સાથીદારોએ એક બૅન્કમાં લૂંટ ચલાવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના જળગાવ જિલ્લામાં એક સસ્પેન્ડેડ પોલીસ-અધિકારી અને તેના સાથીદારોએ એક બૅન્કમાં લૂંટ ચલાવી હતી. તેઓ ૨૭ કિલો સોનું અને ૧૨.૫૦ લાખ રૂપિયા રોકડા લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાને કારણે તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું.

ધરણગાવ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘શનિવારે બપોરે સશસ્ત્ર લૂંટારાઓની એક ટોળકી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની ભોકર શાખામાં ઘૂસી ગઈ હતી. તેમણે કર્મચારીઓને બંદૂકની અણીએ બંદી બનાવ્યા હતા અને સોનાના દાગીના તથા રોકડ ભરેલી પાંચ થેલીઓ લઈને ટૂ-વ્હીલર પર ફરાર થઈ ગયા હતા. બૅન્કના કર્મચારીઓએ ઇમર્જન્સી અલાર્મ વગાડ્યું હતું અને માહિતી અન્ય સાથે શૅર કરી હતી. એને પગલે નજીકનાં ગામડાંઓના યુવાનોએ મોટરસાઇકલ પર શંકાસ્પદ લોકોનો પીછો કર્યો હતો અને ટ્રૅક્ટર-ટ્રૉલી વડે તેમનો ભાગવાનો રસ્તો રોકી દીધો હતો.’



પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગ્રામજનોએ ઝપાઝપી બાદ એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડી હતી, જ્યારે અન્ય લોકો નજીકનાં ખેતરોમાં ભાગી ગયા હતા. જોકે એમાંથી ૩ લોકોને પકડી લેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ શંકર જસક નામની વ્યક્તિને પકડી પાડ્યો હતો. તે એક પોલીસ-અધિકારી છે અને તેને ૨૦૨૩માં સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે શંકર જસકે બૅન્કમાં સફાઈ-કામદાર તરીકે કામ કરતા તેના એક સંબંધીની મદદથી લૂંટનું કાવતરું ઘડ્યું હતું.’


ધરણગાવ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઉમાકાંત ગાયકવાડે કહ્યું હતું કે ‘અમે લૂંટાયેલો તમામ મુદ્દામાલ જેમાં ૨૭ કિલો સોનું અને ૧૨.૫૦ લાખ રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે એ જપ્ત કરી લીધો છે. અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગજાનન પવાર, અંકુશ તુલસીરામ ચવાણ અને અંકુશ શ્રવણ ચવાણ તરીકે થઈ છે. લૂંટમાં સામેલ અન્ય શંકાસ્પદ લોકોને શોધવા તથા તેમની ધરપકડ કરવા માટે પોલીસ-ટીમો તહેનાત કરવામાં આવી છે.’ 

લૂંટના એક અન્ય સમાચાર : કોલ્હાપુર જતી મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનને રોકીને લૂંટ ચલાવવામાં આવી


મુંબઈથી કોલ્હાપુર જતી મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનમાં રવિવારે મધરાત બાદ લૂંટની ઘટના બની હતી. મધરાત બાદ સાતારા પાસેના સાલેપ સ્ટેશન પાસે ટ્રેન પહોંચી ત્યારે સિગ્નલ ન મળતાં ૧૫ મિનિટ સુધી ઊભી રહી ગઈ હતી. ત્યારે આરોપીઓએ બારીમાંથી હાથ નાખીને ભરઊંઘમાં સૂતેલી બે મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી લીધાં હતાં. એ પછી તેમણે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો અને નાસી ગયા હતા.  સિગ્નલ સિસ્ટમમાં વાયર કાપી નાખીને ફૉલ્ટ ઊભો કરવામાં આવ્યો હતો એમ પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. એથી એ વાયર આ ચોરોએ જ કાપ્યા હતા કે કેમ એની તપાસ લોણંદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કરી રહી છે. મંગળસૂત્રની ચોરીના કેસ સંદર્ભે મિરજ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ગુનો નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે. આ લૂંટની ઘટનાને ઉકેલવા પોલીસ સ્નીફર ડૉગ અને ફૉરેન્સિક ટીમની મદદ લઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 09:23 AM IST | jalgaon | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK