રિશિતા મહેતાએ ઉમેર્યું હતું કે ‘રિટર્નમાં પ્લાન બદલવો પડ્યો. સૌથી પહેલાં તો અમે સાગા આવ્યા. ત્યાંથી કોદારી બૉર્ડર ક્રૉસ કરવાની હતી. ભીડને લીધે બૉર્ડર પર જવાની પરમિટ ન મળતાં એક રાત સાગામાં રોકાવું પડ્યું
રસુવા-તિમુરે બૉર્ડર પર, જે જળપ્રલયમાં ધોવાઈ ગઈ. મુંબઈ ઍરપોર્ટ પર રિશિતા મહેતા
ગયા વર્ષે વીઝા ન મળતાં આ વર્ષે એકલાં જ કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલાં ઘાટકોપરનાં ૪૪ વર્ષનાં રિશિતા મહેતાએ રસુવા-તિમુરે બૉર્ડરથી એન્ટ્રી લીધી હતી જે જળપ્રલયમાં ધોવાઈ જતાં પ્લાન બદલવો પડ્યો અને રિટર્નમાં કોદારી-ઝામ્બુ બૉર્ડર આવવું પડ્યું. અહીં એટલી ભીડ હતી કે એક્ઝિટ લેવામાં ૭ કલાક લાગ્યા. કાઠમાંડુ પહોંચતાં સુધીમાં બાવીસ કલાક થઈ ગયા અને ગઈ કાલે સાંજના હેમખેમ મુંબઈ આવી ગયાં
નેપાલ-તિબેટ સરહદે ગ્લેશિયર તૂટવાથી સર્જાયેલી ભયાનક પૂર અને ભૂસ્ખલનની હોનારત વચ્ચે મુંબઈના ઘાટકોપરમાં રહેતાં ૪૪ વર્ષનાં રિશિતા મહેતા રવિવારે સાંજે ૫.૪૦ વાગ્યે કાઠમાંડુથી ફ્લાઇટ પકડીને સહીસલામત મુંબઈ પાછાં ફર્યાં છે. ગયા વર્ષે વીઝા સમયસર ન મળવાને કારણે કૈલાસયાત્રા ચૂકી ગયેલાં રિશિતાબહેન આ વર્ષે એકલાં જ યાત્રાએ નીકળ્યાં હતાં. પરિક્રમાના બીજા દિવસે રાત્રે તેઓ ગૌરીકુંડ પહોંચ્યાં ત્યારે તેમને ખબર પડી કે તેઓ બે દિવસ પહેલાં જે સ્થળેથી પસાર થયાં હતાં એ આખી બૉર્ડર અને રસ્તો પૂરના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યાં છે.
પોતાનો ભયાનક અનુભવ શૅર કરતાં રિશિતા મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે ગયા વર્ષે જ જવું હતું, પણ મારો પાસપોર્ટ કોઈ કારણસર સમયસર દિલ્હી પહોંચ્યો નહીં એમાં પરમિટ મેળવવાનું ચૂકી ગઈ. આ વર્ષે હું એકલી જ આ યાત્રા પર ગઈ હતી. અમારા ગ્રુપે શાંતિથી ફ્રેન્ડશિપ બ્રિજ પાર કરી લીધો હતો. કૈલાસ પરિક્રમાના બીજા દિવસે રાત્રે અમે નીચે ઊતરીને ગૌરીકુંડ આવ્યા ત્યારે આ ભયાનક ટ્રૅજેડીની ખબર પડી. જે બ્રિજ પરથી અમે બે દિવસ પહેલાં ક્રૉસ થયાં હતાં એ અને ઇમિગ્રેશન ઑફિસ સહિત આખી બૉર્ડર ગાયબ થઈ ગઈ એ સાંભળીને એક ક્ષણ માટે તો પગ નીચેથી જમીન સરકી ગઈ અને મનમાં ભારે ભય પેસી ગયો. જોકે ત્યાર બાદ હિંમત એકઠી કરીને અમારું આખું ગ્રુપ ઍક્શન મોડમાં આવી ગયું. ગમે એમ કરીને હવે સુરક્ષિત ઘરે પહોંચવું છે એ એકમાત્ર ટાસ્ક હતો.’
ADVERTISEMENT
પ્લાન બદલવો પડ્યો
હોનારતને કારણે આઇડિયલી જે રૂટ પરથી એન્ટ્રી કરી હતી ત્યાંથી પાછા ફરવું અશક્ય હતું એમ જણાવતાં રિશિતા મહેતાએ ઉમેર્યું હતું કે ‘રિટર્નમાં પ્લાન બદલવો પડ્યો. સૌથી પહેલાં તો અમે સાગા આવ્યા. ત્યાંથી કોદારી બૉર્ડર ક્રૉસ કરવાની હતી. ભીડને લીધે બૉર્ડર પર જવાની પરમિટ ન મળતાં એક રાત સાગામાં રોકાવું પડ્યું. ચાઇનીઝ અને નેપાલી ઇમિગ્રેશન કેન્દ્ર પર ભારે અફરાતફરીનો માહોલ હતો. આપત્તિને કારણે સેંકડો પ્રવાસીઓ એકસાથે બૉર્ડર તરફ આવી રહ્યા હતા. તિબેટમાં ઇમિગ્રેશન ક્લિયર કરવામાં અમને બે કલાકથી વધુ સમય લાગ્યો. નેપાલ સાઇડ પર તો સ્થિતિ વધુ ખરાબ હતી. ત્યાં માત્ર એક જ નાનો રૂમ હતો અને આખા કૅમ્પસમાં ભારે ક્રાઉડ જમા થઈ ગયું હતું. કેટલાંય ગ્રુપ લાઇનમાં ઊભાં હતાં. દરેક વ્યક્તિ ગભરાયેલી હતી અને બધાને ગમે એમ કરીને બસ પોતાના ઘરે પહોંચવું હતું. અમને નેપાલ સાઇડથી એક્ઝિટ લેવામાં લગભગ પાંચ કલાકનો સમય લાગી ગયો. સરદહ ઓળંગ્યા પછી બસમાં કાઠમાંડુ આવવાનું હતું. એક્ઝિટ લીધા પછી પણ અમારી મુસીબતનો અંત નહોતો આવ્યો. બૉર્ડર પર રસ્તાઓ કાદવ-કીચડવાળા હતા. લૅન્ડસ્લાઇડ થયું હતું. આખું ગ્રુપ આ ઉબડખાબડ રસ્તાઓ પર બે કિલોમીટર જેટલું પગપાળા ચાલ્યું એ પછી માંડ બસ સુધી પહોંચી શકાયું. ત્યાંથી બસ દ્વારા બીજા ૭ કલાકની મુસાફરી કરીને કાઠમાંડુ પહોંચ્યા. સાગાથી નીકળ્યા પછી કાઠમાંડુ પહોંચવામાં જ સળંગ બાવીસ કલાકનો સમય લાગી ગયો હતો, જેને કારણે શનિવારે મોડી રાત્રે કાઠમાંડુમાં જ રોકાવું પડ્યું. બીજા દિવસે રવિવારે બપોરે ૩ વાગ્યાની કાઠમાંડુની ફ્લાઇટ પકડીને સાંજે ૫.૪૦ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ ઊતરી ત્યારે હાશકારો થયો.’
બધા સલામત
રિશિતાના ગ્રુપમાં ૪૩ શ્રદ્ધાળુઓ સહિત કુલ ૫૧ જણ હતા. એમાંથી ૧૦ NRI અને બીજા ભારતનાં અલગ-અલગ રાજ્યોના હતા. આ આફત દરમ્યાન રિશિતા માટે સૌથી મોટી રાહતની વાત એ હતી કે તે સતત પરિવારનો સંપર્ક જાળવી રાખવામાં સફળ રહ્યાં. તેમણે પહેલેથી ઇન્ટરનૅશનલ રોમિંગ કરાવી રાખ્યું હતું, જે વરદાન સાબિત થયું. બૉર્ડરના વિસ્તાર સિવાય લગભગ બધે જ નેટવર્ક પકડાતું હતું. હોનારત પહેલાં તેમણે બૉર્ડર ક્રૉસ કરી લીધી હતી એની પરિવારને જાણ હોવાથી ચિંતા ઓછી થઈ ગઈ. કસોટીમાંથી પાર ઊતરીને આખરે રવિવારે સાંજે તે મુંબઈ પોતાના ઘરે હેમખેમ પાછાં ફર્યાં ત્યારે પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.
