પોલીસે બંધ કર્યો કેસ- પોલીસે ૧૦૦ કરતાં વધારે CCTV કૅમેરાનાં કુટેજ ચેક કર્યાં એમાં કંઈ ન મળ્યું એને પગલે ભેદ ખૂલ્યો
ગુરુવારે સવારે જ્યારે ઘટના થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો ત્યારે તપાસ માટે સોસાયટીમાં પહોંચેલી પોલીસની ટીમ.
પૈસા ગુમાવ્યા શૅરબજારમાં, પણ સ્ટોરી ઊભી કરી કે સાડીમાં આવેલો કોઈ માણસ હિપ્નૉટાઇઝ કરીને મને લૂંટી ગયો : સ્થાનિક પોલીસને જ નહીં, ક્રાઇમ બ્રાન્ચને પણ દોડતી કરી દીધી : પોલીસે ૧૦૦ કરતાં વધારે CCTV કૅમેરાનાં કુટેજ ચેક કર્યાં એમાં કંઈ ન મળ્યું એને પગલે ભેદ ખૂલ્યો
ઘાટકોપર-ઈસ્ટના ઓડિયન મૉલ નજીક એક સોસાયટીમાં રહેતી ૪૬ વર્ષની ગુજરાતી ગૃહિણીને કોઈએ હિપ્નોટાઇઝ કરીને લાખો રૂપિયાના દાગીના અને રોકડ પડાવી લીધા હોવાની માહિતી ગયા અઠવાડિયે સવારે સામે આવી હતી. એને પગલે આખા ઘાટકોપરમાં ભયનો માહોલ સર્જાયો હતો. પંતનગર પોલીસે પ્રાથમિક માહિતીના આધારે તાત્કાલિક ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. એ ઉપરાંત હિપ્નૉટાઇઝ કરવાની ઘટના પ્રકાશમાં આવતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ જૉઇન્ટ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ-અધિકારીઓ દ્વારા ૧૦૦થી વધારે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજો ભેગાં કરી તપાસવામાં આવ્યાં હતાં. જોકે આટલાં ફુટેજની ચકાસણી પછી પણ મહિલાએ દાવો કર્યો એવી કોઈ વ્યક્તિ ન દેખાઈ આવતાં પોલીસને મહિલા પર જ શંકા ગઈ હતી એટલે તેની જ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે મહિલાએ ખોટી માહિતી આપી હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, મહિલાએ શૅરબજારમાં પૈસા ગુમાવી દેતાં આવું ષડ્યંત્ર રચ્યું હોવાની પણ માહિતી આપી હતી. પોલીસે હાલ આ કેસની તપાસ બંધ કરી દીધી છે.
ADVERTISEMENT
ગુરુવારે સવારે સાડાસાત વાગ્યે ઘરના દરવાજે આવેલા યુવાને હિપ્નૉટાઇઝ કરીને ઘરમાં રાખેલા દાગીના અને પૈસા પડાવી લીધા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો હતો એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ફરિયાદમાં શું લખાવવામાં આવ્યું હતું એના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઓડિયન મૉલ નજીક આવેલી એક સોસાયટીના ગ્રાઉન્ડફ્લોર પર રહેતી ૪૬ વર્ષની ગૃહિણી ગુરુવારે સવારે સાડાસાત વાગ્યાની આસપાસ ઘરનો ઉંબરો સાફ કરી રહી હતી એ સમયે ૩૫થી ૪૦ વર્ષનો યુવાન સાડી પહેરીને તેના ઘરના દરવાજે આવ્યો હતો. તેણે મહિલાની આંખથી આંખ મિલાવી હતી જેમાં મહિલા હિપ્નૉટાઇઝ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આવેલા યુવાને ‘ઘર મેં જો ભી હૈ વો સબ લાઓ’ એમ કહેતાં મહિલાએ પોતાના પર્સમાં રાખેલા આશરે ૩૫૦૦ રૂપિયા, પોતાના પતિના ખિસ્સામાં રાખેલા ૮૦૦૦ રૂપિયા તેમ જ પતિ જે પતપેઢીમાં નોકરી કરે છે એ પતપેઢીના ૪,૩૨,૫૦૦ રૂપિયા આવેલા યુવાનના હાથમાં આપી દીધા હતા. એટલું જ નહીં, તેણે પહેરેલી બે સોનાની વીંટી પણ આવેલા યુવાનને આપી દીધી હતી. ત્યાર બાદ આવેલો યુવાન ત્યાંથી નીકળી ગયો હતો અને એ ગયા પછી મહિલા થોડી વાર બેભાન થઈ ગઈ હતી. જ્યારે મહિલાને થોડો હોશ આવ્યો ત્યારે તેણે બેડરૂમમાં સૂતા પોતાના પતિને અવાજ આપીને જગાડ્યા હતા અને પોતાની સાથે થયેલી ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ તાત્કાલિક મહિલાને ઇલાજ માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ મહિલાને સારું લાગતાં ઘટનાની જાણ અમને કરવામાં આવી હતી.’
CCTV કૅમેરાએ મહિલાનો ભેદ ખોલ્યો
હિપ્નૉટાઇઝ કરીને લૂંટવાની ઘટનાઓ નોંધાતી હોય છે, પણ આ ઘટનામાં ઘણુંબધું વિચિત્ર હતું એમ જણાવતાં પંતનગર પોલસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિપ્નૉટાઇઝ કરીને મહિલા પાસેથી ૪,૮૪,૦૦૦ રૂપિયાની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાતાં અમારી ડૉગ સ્ક્વૉડ, ડિટેક્શન સ્ક્વૉડ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તપાસ માટે લાગી ગયાં હતાં. એટલું જ નહીં, આવી ગંભીર ઘટનાને ઉકેલવા માટે અમારી ત્રણ ટીમ અલગ-અલગ ઍન્ગલ પર કામ કરી હતી. તેમણે ઓડિયન મૉલ નજીકથી ઘાટકોપરના અનેક વિસ્તારના ૧૦૦ કરતાં વધારે CCTV કૅમેરાનાં ફુટેજ કબજે કર્યાં હતાં. એટલું જ નહીં, નજીકનાં પોલીસ-સ્ટેશનોમાં મહિલાએ દાવો કરેલી વ્યક્તિની પણ તપાસ કરવા માટે માહિતી આપી દીધી હતી. એ દરમ્યાન જે CCTV કૅમેરાનાં ફુટેજો અમે ભેગાં કર્યાં હતાં એમાં મહિલાએ દાવો કરેલી વ્યક્તિ ક્યાંય દેખાઈ નહોતી. મહિલા જે સોસાયટીમાં રહે છે એ સોસાયટીમાં CCTV કૅમેરા નથી એટલે અમને એમ હતું કે દાગીના પડાવી જનાર વ્યક્તિએ આગળ જઈને પોતાની સાડી બદલી કરી લીધી હશે. એટલે અમે મહિલાને CCTV કૅમેરાનાં ફુટેજો દેખાડીને આરોપીની શોધ શરૂ કરી હતી. જોકે મહિલાએ દરેક ફુટેજમાં આરોપી ન હોવાની માહિતી આપી હતી. એ ઉપરાંત મહિલાની બૉડી-લૅન્ગ્વેજ પણ કંઈક અલગ બોલી રહી હતી એટલે અમને મહિલા પર શંકા આવતાં અમે મહિલાની જ પૂછપરછ હાથ ધરી હતી ત્યારે તેણે કબૂલ કર્યું હતું કે તેને શૅરબજારમાં મોટો લૉસ થયો હતો અને તેણે કેટલાક લોકો પાસેથી પૈસા પણ ઉધાર લીધા હતા. જે લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા તેઓ મહિલા પાસેથી સતત પૈસા માગી રહ્યા હતા એટલે તેણે આવું ષડ્યંત્ર રચ્યું હતું. આ માહિતી સામે આવતાં અમે હાલમાં આ કેસ બંધ કરી દીધો છે.’

