° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


કરે કોઈ, ભરે કોઈ

25 June, 2021 10:20 AM IST | Mumbai | Rohit Parikh

નવી મુંબઈ ઍરપોર્ટના નામના મુદ્દે સ્થાનિક લોકોએ ગઈ કાલે કરેલા ઉગ્ર આંદોલનને લીધે ચક્કાજામ થઈ જતાં એપીએમસીના વેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો અને તેમને વિના વાંકે ફટકો પડ્યો

ટ્રકો વગર ગઈ કાલે સાવ સૂમસામ દેખાતી એપીએમસી માર્કેટની દાણાબજાર

ટ્રકો વગર ગઈ કાલે સાવ સૂમસામ દેખાતી એપીએમસી માર્કેટની દાણાબજાર

નવી મુંબઈ ઍરપોર્ટને ભૂમિપુત્ર ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી સાથે ગઈ કાલે હજારોની સંખ્યામાં સ્થાનિક લોકોએ સિડકો ભવનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હોવાથી પોલીસ તરફથી ટ્રક અને કન્ટેનરો જેવાં હેવી વેહિકલ્સને નવી મુંબઈમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો તેમ જ બીજા અનેક રૂટોને ડાઇવર્ટ કર્યા હોવાથી નવી મુંબઈની એપીએમસી માર્કેટના વ્યાપાર પર જબરી અસર પહોંચી હતી અને વ્યાપાર ઑલમોસ્ટ બંધ રહ્યો હતો. એને પરિણામે વેપારીઓમાં ભયંકર આક્રોશ ફેલાયો હતો. વેપારીઓ કહે છે કે કોવિડકાળમાં ઑલરેડી અમે લોકો આર્થિક મુસીબતોનો સામનો કરી રહ્યા છીએ ત્યારે ઍરપોર્ટના નામના સંદર્ભે નવી મુંબઈને બૅનમાં રાખવું એ અમારી મુસીબતોમાં વધારો કરવા સમાન છે.

આ બાબતની માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે નામકરણના વિવાદને કારણે નવી મુંબઈમાં આંદોલન થવાનું હોવાથી ટ્રાફિક વિભાગે વહેલી સવારથી જ કેટલાંક ડાઇવર્ઝન કર્યાં હતાં. એને કારણે નવી મુંબઈના અનેક માર્ગો પર ટ્રાફિક જૅમ થયો હતો. હું સવારે પુણે જવા નીકળ્યો હતો. મને ઘાટકોપરથી વાશી ક્રૉસ કર્યા પછી થાણે-બેલાપુર રોડથી વાશીથી મ્હાપે અને ત્યાંથી શિલફાટા સુધી પહોંચવામાં બેથી અઢી કલાક લાગ્યા હતા. મારા જેવી જ હાલત હજારો લોકોની હતી. અનેક વેપારીઓ અને કર્મચારીઓ રોડ બંધ હોવાથી ગઈ કાલે તેમની દુકાનો સુધી પહોંચી શક્યા નહોતા. બહારગામથી માલ લઈને આવનારી અને જનારી બધી ટ્રકોને બજારમાં પ્રવેશ ન આપવાના હોવાથી બજારનું કામ ખોરવાઈ ગયું હતું.’

અમારી બજારમાં ટ્રકો બુધવારે રાતના જ આવી ગઈ હતી એમ જણાવતાં કાંદા-બટાટા બજારના હોલસેલના વેપારી કેતન જસાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે નાનાં વેહિકલ્સ સિવાયનાં વેહિકલ્સને પરવાનગી આપવામાં આવી નહોતી. વેપારીઓને અગાઉથી જાણ હોવાથી તેમણે તેમનો માલ આગલા દિવસે રાતના જ મગાવી લીધો હતો. વેપારીઓ અને કર્મચારીઓ નાનાં વેહિકલ્સને છૂટ હોવાથી ગમે એમ કરીને ફરી-ફરીને માર્કેટમાં પહોંચ્યા હતા, પરંતુ અમારા ગ્રાહકોએ માર્કેટમાં આવવાનું ટાળ્યું હતું. જેમણે ફોન પર માલ ઑર્ડર કર્યા હતો એના સિવાયના ગ્રાહકો ન આવવાથી અમારા બિઝનેસ પર આંદોલનની અસર થઈ હતી.’

ડ્રાયફ્રૂટ્સ માર્કેટમાં બહારગામના માલની અવરજવર બંધ રહી હતી એમ જણાવતાં નવી મુંબઈ ડ્રાયફ્રૂટ્સ માર્કેટ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ વિજય ભૂતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રકોને માર્કેટમાં પ્રવેશબંધી હોવાથી માલની અવરજવર નહીંવત્ હતી. અમારા ખારઘરથી આવતા વેપારીઓ રસ્તામાં આંદોલન ચાલુ હોવાથી માર્કેટ સુધી પહોંચી શક્યા નહોતા. જે વેપારીઓ માર્કેટમાં આવ્યા હતા તેઓ પણ માલની ડિલિવરી કરી શક્યા નહોતા.’

એક કૉર્પોરેટ કંપનીમાં કામ કરતી પ્રિયા મહાજનને દોઢ કલાકની હેરાનગતિ ભોગવ્યા પછી ઑફિસ જવાને બદલે વર્ક ફ્રૉમ હોમ કરવું પડ્યું હતું. આ માહિતી આપતાં પ્રિયા મહાજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે હું ૮.૩૦ વાગ્યે પનવેલથી બાંદરા ઑફિસ જવા વેહિકલમાં નીકળી હતી. અમારું શરૂઆતનું ટ્રાવેલિંગ તો કોઈ જાતની તકલીફ વગર થયું હતું, પરંતુ ખારઘર પહોંચીએ એ પહેલાં જ હાઇવે પર સેંકડોની સંખ્યામાં આંદોલનકર્તા હોવાથી અમે આગળ જઈ શક્યા નહોતા. આમ છતાં અમે એક કલાક સુધી ટ્રાફિક હટે એની રાહ જોઈ હતી. આખરે અમને પોલીસે કહ્યું હતું કે અમે આગળ જઈ શકીશું નહીં અને જવું જ હોય તો અમારે થાણે-ઐરોલી રૂટ પરથી જવું પડશે જે અમારા માટે શક્ય નહોતું. એને પરિણામે અમારે નાછૂટકે ઑફિસમાં ઇન્ફર્મેશન આપીને પાછા પનવેલ જવું પડ્યું હતું. પાછા ફરતાં અમને અડધો કલાક લાગી ગયો હતો. આમ અમે દોઢ કલાકની હેરાનગતિ ભોગવીને પાછા ફર્યા હતા.’

વિશ્વનું સૌથી મોટું ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ

નવી મુંબઈમાં આકાર પામી રહેલા ઍરપોર્ટને વિશ્વનું સૌથી મોટું ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ ગણવામાં આવે છે. એની પાછળ ૧૬,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઍરપોર્ટમાં ૩૭૦૦ મીટરના બે સમાંતર રનવે અને ૧૫૦૦ મીટરની લંબાઈવાળો એક ટૅક્સીવે બનશે. પ્રથમ તબક્કામાં બે રનવેમાંથી એકને સંચાલિત કરવામાં આવશે.

વિવાદ શું છે?

આ ઍરપોર્ટનું બાંધકામ પૂરું થાય એ પહેલાં જ એના નામકરણનો જબરદસ્ત વિવાદ શરૂ થયો છે. શિવસેના ઍરપોર્ટનું નામ પાર્ટીના સ્થાપક બાળ ઠાકરેના નામ પરથી રાખવા માગે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો અને જમીનમાલિકોનું નેતૃત્વ કરનારા સ્થાનિક પૉલિશટિશ્યન ડી. બી. પાટીલનું નામ આપવા સ્થાનિક રહેવાસીઓને સમર્થન આપી રહી છે. આ બન્ને પાર્ટીઓથી સાવ જ અલગ ડિમાન્ડ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની છે. આ પાર્ટી ઍરપોર્ટને છત્રપતિ શિવાજી મહારાજનું નામ આપવાની તરફેણ કરી રહી છે. આની વચ્ચે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાના સાથી પક્ષો કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે આજ સુધી આ મુદ્દે મૌન સેવ્યું છે. નામકરણના આ વિવાદને પગલે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક રહેવાસીઓ સિડકો (સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલમેન્ટ કૉર્પોરેશન)ની ઑફિસ સામે આંદોલન પર ઊતર્યા હતા.

25 June, 2021 10:20 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બે પોલીસ લાંચ લેતી વખતે પકડાયા

સિનિયર ઇન્સ્પેક્ટર જયરાજ છપારિયા અને કૉન્સ્ટેબલ ઇકબાલ શેખની પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ધરપકડ કરાઈ હોવાનું એસીબીએ યાદીમાં જણાવ્યું હતું.

31 July, 2021 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મહિલા આઇપીએસ અધિકારી મફતમાં બિરયાની મગાવતાં હોવાની ક્લિપ વાઇરલ થતાં હોબાળો

ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે કમિશનરને તપાસ કરીને રિપાર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો : મહિલા અધિકારીએ તેમની ખિલાફ કાતવરું હોવાનો દાવો કર્યો

31 July, 2021 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

100 crore recovery case: ક્યાં છે અનિલ દેશમુખ? ઈડી દ્વારા દેશમુખને ચોથું સમન્સ

100 કરોડ વસુલી મામલે ઈડીએ ચોથી વખત અનિલ દેશમુખને અને તેના પુત્રમે સમન્સ પાઠવ્યું છે. આ અગાઉ ત્રણ વાર સમન્સ પાઠવવામાં આવ્યું હોવા છતાં અનિલ દેશમુખ એખ વાર પર ઈડી સમક્ષ હાજર થયા નથી.

31 July, 2021 12:44 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK