બિગ બીના બંગલા જલસાની બહાર ૧૯થી ૨૭ નવેમ્બર વચ્ચે ખાલિસ્તાની જલસા આંદોલન કરવાનું આહ્વાન, ૧૧ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું
અમિતાભ બચ્ચન અને ગુરપતવંત સિંહ પન્નુ
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના જલસા બંગલા બહાર ગોળીબાર કરવાનું ષડ્યંત્ર રચવા સંદર્ભે ગોલ્ડી ઢિલ્લોંની ગૅન્ગના દીપક સિંહ ઉર્ફ દીપને થાણેમાંથી અને વિકાસ ઠાકુર ઉર્ફ વિકીને દિલ્હીમાંથી ઝડપી લેવાયા બાદ સોમવારે ગોલ્ડી ઢિલ્લોં તરફથી ધમકીભરી પોસ્ટ શૅર કરવામાં આવી હતી. ત્યાર બાદ ગઈ કાલે ફરી એક વાર અમિતાભ બચ્ચનને ધમકી મળી હતી. આ વખતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ધમકી આપી હતી. ગુરપતવંત સિંહ પન્નુએ સોશ્યલ મીડિયા અકાઉન્ટ સિખ્સ ફૉર જસ્ટિસ (SFJ) પર પોસ્ટમાં અમિતાભ બચ્ચનની સોમવારની પોસ્ટ ‘બચ ગએ’નો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે ‘બચ ગએ કી ફસ ગએ’. અમિતાભ બચ્ચને ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રમખાણ વખતે પ્રતિક્રિયા આપી હતી કે ‘ખૂન કા બદલા ખૂન’. એથી ગુરપતવંત સિંહ પન્નુએ ખાલિસ્તાનના સમર્થકોને જલસાની બહાર વિરોધ-પ્રદર્શન કરવાની હાકલ કરી છે.
૧૯૮૪માં થયેલા સિખવિરોધી રમખાણોનો ઉલ્લેખ કરીને ગુરપતવંત સિંહ પન્નુએ અમિતાભને આ ધમકી આપી હતી. તેણે એવું પણ જાહેર કર્યું છે કે અમિતાભના બંગલા જલસા સામે ૧૯થી ૨૭ નવેમ્બર વચ્ચે ખાલિસ્તાની જલસા આંદોલન જે કરશે તેને ૧૧ લાખનું ઇનામ આપવામાં આવશે. અમિતાભ બચ્ચનને ઉપરાઉપરી ધમકીઓ મળતાં તેમની પોલીસ-સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ADVERTISEMENT

ખાલિસ્તાનવાદી ટેરરિસ્ટ નેતા ગુરપતવંત સિંહે કરેલી ધમકી ભરેલી પોસ્ટ
ગુરપતવંત સિંહને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે
ગુરપતવંત સિંહ એક અમેરિકન અને કૅનેડિયન વકીલ છે જે ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી જૂથ સિખ્સ ફૉર જસ્ટિસ (SFJ) માટે મુખ્ય કાયદાકીય સલાહકાર અને મુખ્ય પ્રવક્તા તરીકે કામ કરે છે. ભારતના પંજાબમાં જન્મેલા પન્નુને ભારત સરકાર દ્વારા ૨૦૨૦થી વ્યક્તિગત આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ૨૦૧૯માં ભારતે સિખ્સ ફૉર જસ્ટિસ (SFJ) પર ગેરકાયદે સંગઠન તરીકે પ્રતિબંધ મૂક્યો હતો.
