મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત મતદારયાદીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત મતદારયાદીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા દરમ્યાન યોગ્ય દસ્તાવેજી પુરાવા ન આપી શકવાને કારણે રાજ્યના આશરે ૬૧ લાખ જેટલા મતદારોનાં નામ યાદીમાંથી ઓછાં થવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત મૃત્યુ પામેલાં, સ્થળાંતરિત થયેલાં, ગેરહાજર અથવા એકથી વધુ સ્થળે નોંધાયેલાં ૨.૦૭ કરોડ અપ્રાપ્ય નામો પણ ૩૧ ઑગસ્ટે પ્રકાશિત થનારા ડ્રાફ્ટ રોલ લિસ્ટમાંથી દૂર કરવામાં આવશે. આ સાથે રદ થયેલાં કુલ નામોનો આંકડો ૨.૫ કરોડથી વધારે થઈ શકે છે. આ જ પ્રક્રિયા દરમ્યાન આશરે ૩૦ લાખ નવા લાયક મતદારોનો યાદીમાં સમાવેશ થાય એવી શક્યતા છે. ચૂંટણીપંચના અધિકારીઓના જણાવ્યા મુજબ નાગરિકતા સાબિત કરવા માટે ૨૦૦૪ના SIR રેકૉર્ડને મુખ્ય આધાર ગણવામાં આવ્યો છે, જે મુજબની પ્રક્રિયા પૂરી કરવા માટે ૬૧ લાખ લોકો અસમર્થ રહ્યા છે. આગામી તબક્કામાં આ મતદારોએ પોતાના કે પોતાનાં માતા-પિતાના ૨૦૦૪ કે એ પહેલાંના દસ્તાવેજો રજૂ કરીને નાગરિકતાનો દાવો સાબિત કરવો પડશે. જોકે ચૂંટણીપંચના અધિકારીઓનું માનવું છે કે એમાંથી મોટા ભાગના લોકો આ દસ્તાવેજો રજૂ કરી શકશે નહીં.
