કૉન્ગ્રેસના રાજ્યસભાના સદસ્ય ચંદ્રકાંત હંડોરેના પુત્રની ધરપકડ
ગણેશ હંડોરે
ચેમ્બુરમાં શુક્રવારે રાત્રે કારમાં ગોવંડીની દિશામાં જઈ રહેલા કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય ચંદ્રકાંત હંડોરેના પુત્ર ગણેશ હંડોરેએ રસ્તામાં આગળ જઈ રહેલી મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ ચલાવી રહેલા ગોપાલ આરોટે નામના યુવકને ઈજા થઈ હતી. ચેમ્બુરની આચાર્ય મરાઠે કૉલેજ પાસેની ઘટનામાં અકસ્માત કર્યા બાદ મદદ કરવાને બદલે ગણેશ હંડોરેએ કાર ભગાવી મૂકી હતી અને પલાયન થઈ ગયો હતો. ગોવંડી પોલીસે ગણેશ હંડોરે સામે અકસ્માત કરીને પલાયન થવાનો ગુનો નોંધીને ગઈ કાલે બપોરના તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગણેશ હંડોરે તેના કેટલાક મિત્ર સાથે જૂસ પીવા માટે કારમાં નીકળ્યો હતો અને પાછા ફરતી વખતે મોટરસાઇકલને અડફેટે લીધી હતી. ગણેશ હંડોરેની ગઈ કાલે ધરપકડ કર્યા બાદ તેની બ્લડશુગર વધી જતાં જેજે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.