Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ સાઇકિયાટ્રિસ્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર બન્યા ૮૧ વર્ષની ઉંમરે

આ સાઇકિયાટ્રિસ્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર બન્યા ૮૧ વર્ષની ઉંમરે

Published : 04 August, 2026 12:51 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મુંબઈના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠે હાલમાં બ્રેઇન મેક્સ મ્યુઝિક નામની પહેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત મગજ પર કઈ રીતે અસર કરે છે એના વિશે લોકોને જાગૃત કરવા આ ફિલ્મ બનાવી

ડૉ. અશિત શેઠ

People Live

ડૉ. અશિત શેઠ


જો તમે તમારી જાતને ઉંમરના દાયરામાં કેદ નથી કરતા તો ચોક્કસપણે જીવનને સંપૂર્ણ રીતે જીવી શકવા માટે સમર્થ છો. સમાજમાં નજર કરીએ તો આ વાક્યને સિદ્ધ કરનારા ઘણા લોકો મળી રહે. એમાંના એક એટલે મુંબઈના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ, જે હાલમાં ૮૧ વર્ષના છે. અઠવાડિયાના પાંચ દિવસ તેમના ક્લિનિક ‘અનલિમિટેડ પોટેન્શ્યલિટી’માં સાઇકિયાટ્રીની પ્રૅક્ટિસ કરે છે. આ ઉંમરે તેમણે કામ ચાલુ રાખ્યું છે એ વાત જ પૂરતી છે તેમનાથી પ્રભાવિત થવા માટે, પણ એનાથી આગળ તેમણે હાલમાં જ ‘બ્રેઇન મેક્સ મ્યુઝિક’ નામની એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. એ ફિલ્મ તેમણે યુટ્યુબ પર લૉન્ચ કરી છે.

ઊંડાણપૂર્વકનું રિસર્ચ



મ્યુઝિક અને એની માનવમગજ પર અસર એ પહેલેથી મારા રસનો વિષય રહ્યો છે એમ જણાવીને ડૉ. અશિત શેઠ કહે છે, ‘મેં જોયું કે જગત પાસે મ્યુઝિક કઈ રીતે મગજ પર કામ કરે છે એનું ઘણું વિવરણ છે, પણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની વાત ભાગ્યે જ કોઈ કરે છે. આપણું શાસ્ત્રીય સંગીત અને એની બનાવટ એટલી બધી રીતે મગજ પર કામ કરે છે કે એના વિશે મને લોકોને જાગૃત કરવાની ઘણી ઇચ્છા હતી. એટલે એ માટેનું રિસર્ચ મેં શરૂ કર્યું. એક સાઇકિયાટ્રિસ્ટ તરીકે મને આદત છે મૂળ સુધી પહોંચવાની, પછી એ રોગ હોય કે વિષય. એટલે ઊંડાણપૂર્વકના રિસર્ચ પછી મેં એક સ્ક્રિપ્ટ તૈયાર કરી.’


વિઝ્યુઅલ આર્ટમાં રસ

આ ડૉક્યુમેન્ટરીમાં વિષય, એનું રિસર્ચ અને સ્ક્રિપ્ટ સિવાય પણ વિઝ્યુઅલ્સ કેવાં હોવાં જોઈએ એના પર તેમણે ઘણું કામ કર્યું છે. એ વિશે જણાવતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘મને વિઝ્યુઅલ આર્ટમાં પહેલેથી રસ છે. હું એક સારી કક્ષાનો ફોટોગ્રાફર છું એમ કહી શકું. મને વસ્તુઓની નહીં, માણસોની ફોટોગ્રાફીમાં રસ છે. થોડાં વર્ષો પહેલાં હું તિબેટ ગયેલો. ત્યાં મેં કરેલી ફોટોગ્રાફીનું એક્ઝિબિશન મુંબઈની માઉન્ટેનિયરિંગ ક્લબમાં થયું હતું. એટલે આ ડૉક્યુમેન્ટરીમાં કેવાં વિઝ્યુઅલ્સ મને જોઈએ છે એની પસંદગી મેં કરેલી. મેં અને અતુલ મર્ચન્ટે ભેગા મળીને આ ડૉક્યુમેન્ટરી બનાવી છે. અતુલનું મુખ્ય કામ એડિટિંગનું અને આ આખા વિષયને સિનેમૅટિક બનાવવાનું હતું.’


ફિલ્મોના ચાહક

અચાનક ફિલ્મમેકિંગ કરવાની ઇચ્છા કઈ રીતે જાગી? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘હું પહેલેથી ફિલ્મોનો ચાહક રહ્યો છું. હું MBBSમાં હતો ત્યારે મને એવું હતું કે મારે ફિલ્મો બનાવવી છે, પણ મેડિસિન છોડવાનું તો શક્ય નહોતું અને એ કરતાં-કરતાં સાથે એ કામ કરવું અઘરું હતું. એ સમયે મારા એક શિક્ષક હતા ડૉ. દિનશૉ રુસ્તમ ડુંગાજી. તેમની પ્રેરણાથી અમે લોકોએ એ સમયે ૪ પ્રોફેશનલ વિડિયો બનાવ્યા હતા : એક ડિપ્રેશન, બીજો એપિલેપ્સી, ત્રીજો ડિપ્રેશન અને ચોથો એપિલેપ્સી પર. આ વિડિયો ઉપરાંત અમે એક વિડિયો પેઇન પર બનાવેલો, જેનાં વખાણ એક ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં ભરપૂર થયાં હતાં. એ ક્ષણ મારા મનમાં ઘર કરી ગયેલી. મારા મનના એક ખૂણે એમ હતું કે આ કામ મારે કરવું છે, જે હમણાં શક્ય બન્યું. આજે ડૉ. ડુંગાજી નથી, નહીંતર તેમને મેં મારું કામ પહેલાં બતાવવા માગ્યું હોત.’

મજા આવી રહી છે

મ્યુઝિક અને બ્રેઇન પર આ ડૉક્યુમેન્ટરી બનાવ્યા પછી વધુ એક વિષય પર તેઓ કામ કરી રહ્યા છે, જે છે ADHD એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર. એના પર પણ નજીકના ભવિષ્યમાં તેઓ ડૉક્યુમેન્ટરી બનાવશે. આ વિશે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘અમારા ડૉક્ટર્સનું મૂળ કામ દરદીને ઠીક કરવાનું હોય છે, પરંતુ એની સાથે-સાથે અમારું કામ છે દરદીને એજ્યુકેટ કરવાનું. એ અમે દરરોજ દરદી અમારી પાસે આવે ત્યારે જુદાં-જુદાં લેક્ચર્સનું આયોજન કરીને કે વર્કશૉપ ગોઠવીને કરતા જ હોઈએ છીએ. ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકિંગ દ્વારા હેતુ એ જ છે કે એકસાથે એક બહોળા સમૂહને અમે એજ્યુકેશન આપી શકીએ. એ પણ કંટાળાજનક રીતે નહીં, તેમને રસ પડે એ રીતે. મારો ડૉક્ટર તરીકે પ્રયત્ન એ રહેશે કે લોકો સુધી જરૂરી માહિતી પહોંચે અને ફિલ્મમેકર તરીકે પ્રયત્ન એ રહેશે કે આ માહિતી રસપ્રદ રીતે તેમના સુધી પહોંચે. આ બન્ને કામ મને સારામાં સારી રીતે કરવાની મજા આવી રહી છે એટલે હું એ કરી રહ્યો છું.’

૮૧ વર્ષે માણસને થાક ન લાગે?

આ સવાલ પર હસતાં-હસતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘થાક કંટાળાનો હોઈ શકે, ઉંમરનો નહીં. થાક કામ ન કરવાનો હોઈ શકે, કામ કરવાનો નહીં. થાક જીવન પસાર કરવાનો હોઈ શકે, જીવવાનો નહીં. મારે હજી ઘણું કામ કરવું છે એટલે ‘થાક’ શબ્દને મેં મારી ડિક્શનરીમાંથી બાકાત રાખ્યો છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 12:51 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK