Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યભરની APMCના વેપારીઓનું આજે કોલ્હાપુરમાં સંમેલન

રાજ્યભરની APMCના વેપારીઓનું આજે કોલ્હાપુરમાં સંમેલન

Published : 04 August, 2026 07:36 AM | IST | Kolhapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૦૦થી ૮૦૦ વેપારી પ્રતિનિધિઓ આવવાની શક્યતાઃ સેસ નાબૂદ કરવા સંદર્ભે ઠરાવ પાસ કરી રાજ્ય સરકારને સોંપાશે

વેપારી સંમેલનના આયોજક અજિત કોઠારી

વેપારી સંમેલનના આયોજક અજિત કોઠારી


રાજ્યભરની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના વેપારીઓનું આજે કોલ્હાપુરમાં સંમેલન મળવાનું છે જેમાં અલગ-અલગ APMCના ૭૦૦થી ૮૦૦ વેપારીઓ ભાગ લેશે એમ સંમેલનના આયોજક અજિત કોઠારીએ જણાવ્યું હતું. આ સંમેલનમાં સરકાર દ્વારા વેપારીઓ પાસેથી લેવામાં આવતા સેસને નાબૂદ કરવાનો પ્રસ્તાવ માંડવામાં આવશે અને અેનો ઠરાવ પાસ કરી સરકારને આપવામાં આવશે એમ અજિત કોઠારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. 

અજિત કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે સરકાર દ્વારા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ઇન્ટ્રોડ્યુસ કરાયો ત્યારે કહેવાયું હતું કે વન નેશન વન ટૅક્સ, જ્યારે કે હજી પણ અમારી પાસેથી સેસ ઉઘરાવાય છે જે ખોટું છે. સરકાર ૩૦ કિલો કરતાં વધુ પૅકેજિંગ ધરાવતા માલ પર GST પણ લે છે. આમ ડબલ ટૅક્સેશન થાય છે. અમે વેપારીઓ આ બાબતે સંમેલનમાં ચર્ચા કરી ઠરાવ પાસ કરી સરકારને આપીશું અને આગળની લડત માટેની રણનીતિ ઘડી કાઢીશું. અમે હાલ કાયદામાં રહી લડી શકાય એ માટે જે મિનિમમ સેસની રકમ હશે એ ભરીશું પણ પૂરો સેસ નહીં ભરીએ.’
આ જ મુદ્દે નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બર અને બૉમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ્સ અસોસિએશનના ચૅરમૅન કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘APMCના કાયદા મુજબ સર્વિસ ચાર્જ લેવાની જોગવાઈ નથી, એ બાબતનો કેસ ચાલી રહ્યો છે. હવે વેપારીઓને એવી નોટિસ આવી રહી છે કે સ્વયં પ્રેરણા સાથે સર્વિસ ચાર્જ ભરો. કાયદાકીય રીતે એ લોકો એ માગી ન શકે એ માટે આ ‘સ્વયં પ્રેરણા’ શબ્દનો ઉપયોગ કરાયો છે. મૂળમાં આ મુદ્દો અસમાનતાનો છે. APMCના વેપારીઓએ એક ટકો સેસ ભરવો પડે છે, જ્યારે e કૉમર્સવાળાઓને એ ભરવો નથી પડતો, મૉલવાળાઓને એ ભરવો નથી પડતો. APMCની બહાર વેપાર કરનારને એ નથી ભરવો પડતો. આમ APMCના વેપારીને અન્યો સાથે સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બની જાય છે અને અેની અસર ધંધા પર થાય છે. રાજ્યમાં ૩૦૭ APMC છે પણ અેના નિયમનમાં અેકસૂત્રતા નથી એ આવવી જોઈએ. બધા માટે સમાન કાયદો હોવો જોઈએ. અસામનતા દૂર થવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 07:36 AM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK