ઔરંગઝેબની કબર હટાવવા આવતી કાલે શિવાજી જયંતીએ VHP-બજરંગ દળ રાજ્યવ્યાપી ઝુંબેશ કરશે
પુણેમાં ગઈ કાલે VHP અને બજરંગ દળની પ્રેસ-કૉન્ફરન્સ યોજવામાં આવી હતી.
હિન્દુ તિથિ પ્રમાણે આવતી કાલે એટલે કે ફાગણ વદ ત્રીજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી છે એ નિમિત્તે રાજ્યભરમાંથી મોગલ શહેનશાહ ઔરંગઝેબની કબર હટાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સાથે મળીને બજરંગ દળ ઝુંબેશ શરૂ કરશે. ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજની ક્રૂરતાથી હત્યા કરી હતી એટલે તેમને ન્યાય અને સન્માન આપવા માટે ઝુંબેશ કરવામાં આવશે. એને ‘છત્રપતિ સંભાજી મહારાજ કે સન્માન મેં બજરંગ દલ મૈદાન મેં’ સૂત્ર આપવામાં આવ્યું છે. રાજ્યભરની કલેક્ટરની ઑફિસની બહાર આંદોલન કરીને ઔરંગઝેબની કબર ઉપરાંત તેનાં તમામ સ્મૃતિસ્થળોને દૂર કરવાની માગણી કરવામાં આવશે અને આ અંગેનું એક આવેદનપત્ર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવશે.
પુણેમાં ગઈ કાલે VHP અને બજરંગ દળની સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. એમાં VHP અને બજરંગ દળના મહારાષ્ટ્ર-ગોવા ક્ષેત્રના સંયોજક વિવેક કુલકર્ણી અને જિલ્લાના જૉઇન્ટ સેક્રેટરી શરદરાવ નગરકર ઉપસ્થિત રહ્યા હતા. વિવેક કુલકર્ણીએ પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘ઔરંગઝેબે સિખ ધર્મગુરુ ગોવિંદ સિંહ અને તેમના પરિવારની અત્યંત ક્રૂરતાથી હત્યા કરી હતી. ઔરંગઝેબે શ્રી કાશી વિશ્વેશ્વરનું મંદિર તોડ્યું, કાશીનું બિંદુ માધવ મંદિર તોડ્યું, મથુરાનું પ્રસિદ્ધ શ્રી કેશવનું મંદિર તોડીને મૂર્તિ આગરાની મસ્જિદના પાયામાં દાટી દીધી. હિન્દુઓના તમામ તહેવારો અને યાત્રા પર પ્રતિબંધ મૂક્યો, હિન્દુઓ પર જજિયા કર લાદ્યો, નાશિકનું ત્ર્યંબકેશ્વર મંદિર તોડ્યું. હિન્દુ યુગપુરુષ છત્રપતિ શિવાજી મહારાજના હિન્દુ સ્વરાજનો ઔરંગઝેબે કાયમ દ્વેષ કર્યો. છત્રપતિ સંભાજી મહારાજને છળથી કેદ કરીને અત્યંત ઘાતકી રીતે તેમની હત્યા કરી. છત્રપતિનાં પત્ની યેસુબાઈ અને પુત્ર શાહુ મહારાજને કેદ કર્યાં. શાહુ મહારાજનું ધર્મપરિવર્તન કરવાના અનેક પ્રયાસ કર્યા. આવા હિન્દુવિરોધી, ભારતની સંસ્કૃતિ અને પરંપરાને નષ્ટ કરવાના ભરપૂર પ્રયાસ કરનારા ક્રૂર ઔરંગઝેબની કબર અને સ્મારક પર જઈને કેટલાક લોકો ફૂલ ચડાવે છે. આમ કરીને કેટલાક લોકો અન્યાયને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી વ્યક્તિની રાજ્ય જ નહીં, ભારતમાંથી ક્યાંય કબર કે સ્મારક તાત્કાલિક ધોરણે હટાવવાની અમારી માગણી છે.’
ADVERTISEMENT
ઝુંબેશની જાહેરાત બાદ ઔરંગઝેબની છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદ ખાતે આવેલી કબરની સુરક્ષા વધારવામાં આવી હતી.
ઝુંબેશની જાહેરાત કરવાને પગલે છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદ ખાતેની ઔરંગઝેબની કબરની સુરક્ષાવ્યવસ્થા ગઈ કાલે વધારવામાં આવી હતી.

