મહિલાને લગ્ન સમયે તેમનાં માતા-પિતા તરફથી આશરે ૩૦ તોલાના દાગીના મળ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
ભાયખલાના માઝગાવમાં લવ લેન નજીકની એક સોસાયટીમાં એકલાં રહેતાં ૭૩ વર્ષનાં મારવાડી મહિલાના ઘરમાંથી ૧૧ લાખ રૂપિયાના દાગીના ચોરાયા હોવાની ફરિયાદ ભાયખલા પોલીસે ગઈ કાલે નોંધી હતી. મહિલાને લગ્ન સમયે તેમનાં માતા-પિતા તરફથી આશરે ૩૦ તોલાના દાગીના મળ્યા હતા જે તેમણે બેડરૂમના કબાટમાં રાખ્યા હતા. ૩ મહિના બાદ રવિવારે કબાટમાં રાખેલા દાગીના જોવા ગયાં ત્યારે એ ચોરાઈ ગયા હોવાની ખાતરી થઈ હતી. આ મામલે પોલીસે મહિલાના ઘરે કામ કરતા નોકરો પર શંકા વ્યક્ત કરી છે અને આ ચોરીમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની તેમને શંકા છે.
ભાયખલાના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પતિના મૃત્યુ બાદ મહિલા ભાયખલાના માઝગાવની લવ લેન નજીકની એક સોસાયટીના 2BHKના ફ્લૅટમાં એકલાં રહે છે. તેમનો દીકરો મુલુંડમાં રહે છે. વૃદ્ધ મહિલા બેડરેસ્ટમાં હોવાથી તેમણે ઑગસ્ટની શરૂઆતમાં પોતાના દાગીના એક બેડરૂમના કબાટમાં રાખ્યા હતા. તાજેતરમાં તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમણે રાજસ્થાન પોતાના વતન જવાનું નક્કી કર્યું હતું અને એ પહેલાં તેમણે તમામ દાગીના કબાટમાંથી કાઢીને બૅન્ક-લૉકરમાં રાખવાનું નક્કી કર્યું હતું. રવિવારે સાંજે મહિલાએ દાગીના કાઢવા કબાટ ખોલ્યો ત્યારે ૩૦ તોલાના દાગીના ગાયબ હતા. એ પછી તેમણે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીમાં મહિલાના ઘરના નોકરનું ઇન્વૉલ્વમેન્ટ હોવાની અમને શંકા છે. એ ઉપરાંત મહિલાના ઘરે એક મહિના પહેલાં કલરકામ કરવા આવેલા યુવકને પણ તાબામાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.’


