બસનો ઉપયોગ પ્રમાણમાં વધ્યો પણ પાર્કિંગ-પ્લૉટ પ્રાઇવેટ ગાડીઓથી ભરાઈ ગયા
નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO) અને આર્કિટેક્ચર કૉલેજના સ્ટુડન્ટ્સે લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં ગઈ કાલે પહેલો પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે ઊજવાયો હતો, પણ એ પહેલા જ દિવસે ફ્લૉપ શો થયો હોય એવું વાતાવરણ BKCમાં જોવા મળ્યું હતું.
ICICI ટાવર પાસેના મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ (MMRDA)ના સ્માર્ટ પે ઍન્ડ પાર્કના એક કર્મચારીએ જણાવ્યું હતું કે આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો નથી. આખા પાર્કિંગ-પ્લૉટમાં માત્ર દસથી ૧૨ જગ્યા ખાલી હતી. બાકી આખો પાર્કિંગ-પ્લૉટ ભરાઈ ગયો હતો. જોકે BMC અને સિટીફ્લોના કર્મચારીઓએ જણાવ્યા મુજબ પીક અવર્સ દરમ્યાન સામાન્ય કરતાં બમણી બસોની ટ્રિપ્સ કરવામાં આવી હતી અને મુસાફરોનો પ્રતિસાદ સારો રહ્યો હતો.
ADVERTISEMENT
પર્યાવરણ અને પૈસા બચાવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ એવો મત મોટા ભાગના પ્રવાસીઓએ આપ્યો હતો, પરંતુ સમય અને પબ્લિક ટ્રાન્સપોર્ટની પ્રમાણમાં ઓછી ઉપલબ્ધતાને કારણે આ પહેલ લાંબી નહીં ટકે એવી વાસ્તવિકતા પણ તેમણે જણાવી હતી.
રિક્ષા-ડ્રાઇવરોએ ભાડાં વધાર્યાં હોવાના દાવા
પબ્લિક ટ્રાન્સપોર્ટ ડેને કારણે હેરાન થતા પ્રવાસીઓ આખરે રિક્ષામાં પ્રવાસ કરવા તૈયાર થયા હતા અને ત્યારે રિક્ષા-ડ્રાઇવરોએ ભાડાં વધારી દીધાં હોવાના દાવા થયા હતા. એમ તો બાંદરા અને કુર્લા રેલવે-સ્ટેશન સુધીના ૫૦ રૂપિયા અને BKC મેટ્રો સ્ટેશન માટે ૩૦ રૂપિયા વસૂલાયા હતા છતાં અમુક લોકોએ દાવો કર્યો હતો કે તેમની પાસે રિક્ષા-ડ્રાઇવરોએ રેલવે-સ્ટેશન પહોંચાડવા માટે ૩૦૦ રૂપિયા માગ્યા હતા.
