BMCએ લાંબા ગાળાના એન્જિનિયરિંગ ઉકેલ માટે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (HCC)નો સંપર્ક કર્યો છે.
BMCએ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં HCCનો સંપર્ક કર્યો હતો જેમાં CCTV નેટવર્કને સુરક્ષિત કરવામાં એની કુશળતા મેળવવાની માગણી કરવામાં આવી હતી
મુંબઈના કોસ્ટલ રોડના લગભગ સમગ્ર ખુલ્લા પટ પર વારંવાર કેબલચોરીના કારણે દેખરેખ મુશ્કેલ બની રહી છે ત્યારે લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ટેક્નિકલ સહાય આપવાની વિનંતીને નકારી કાઢ્યા પછી BMCએ લાંબા ગાળાના એન્જિનિયરિંગ ઉકેલ માટે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (HCC)નો સંપર્ક કર્યો છે.
BMCએ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં HCCનો સંપર્ક કર્યો હતો જેમાં CCTV નેટવર્કને સુરક્ષિત કરવામાં એની કુશળતા મેળવવાની માગણી કરવામાં આવી હતી. વારંવાર થતી ચોરીઓ બાદ ટનલ સિવાય ૧૦.૫૮ કિલોમીટરના સ્ટ્રેચના તમામ ૬૬ કૅમેરા નિષ્ક્રિય થઈ ગયા છે. ૨૦ સપ્ટેમ્બરે કોસ્ટલ રોડ પરથી એક ઝડપી BMW કાર ખાબક્યા પછી સર્વેલન્સ નિષ્ફળતા પ્રકાશમાં આવી હતી જેમાં ૩ જણનાં મૃત્યુ થયાં હતાં અને ચોથાને ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદની પોલીસ તપાસમાં બિનકાર્યક્ષમ CCTV નેટવર્ક પણ બહાર આવ્યું હતું.
ADVERTISEMENT
BMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચોક્કસ ભાગોમાં કેબલને બેથી ત્રણ વખત ફરીથી બનાવવા અથવા બદલવા પડ્યા છે. ચોરીના સંદર્ભમાં HCC, L&T અને ઑપરેશન અને મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટરે સંયુક્ત રીતે લગભગ ૨૦-૨૫ FIR દાખલ કર્યા છે. BMCએ અત્યાર સુધીમાં લગભગ ૧૧૦ કિલોમીટર પાવર કેબલ બદલ્યા છે અને વારંવાર બનતી આવી ઘટનાઓને રોકવા માટે સિનિયર પોલીસ-ઑફિસરોની મદદ પણ માગી છે.
મહાલક્ષ્મી મંદિર, મદ્રાસી વાડી, માર્કંડેશ્વર મંદિર અને વરલી જેવા વિસ્તારોની નજીક, જ્યાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંથી રસ્તા સુધી સરળતાથી પહોંચી શકાય છે, ત્યાં ચોરી થવાનું જોખમ સૌથી વધુ છે. BMCના જણાવ્યા અનુસાર, તાંબા (કૉપર)ના કેબલને બદલે ઍલ્યુમિનિયમના કેબલ લગાવવા છતાં ચોરોને રોકવામાં સફળતા મળી નથી.
અગાઉ ચર્ચાયેલા ઉપાયોમાં કેબલને જમીનની અંદર નાખવા અથવા કેબલને ચોક્કસ અંતરે સુરક્ષિત રીતે જોડવા કે સાંકળવા જેવી બાબતોનો સમાવેશ થાય છે જેથી ચોરો એકસાથે લાંબા અંતરના કેબલ કાઢી ન શકે. આ ઉપરાંત ગ્લોબલ સિસ્ટમ્સ ઑફ મોબાઇલ કમ્યુનિકેશન્સ GSM અથવા 4G સક્ષમ વાયરલેસ કૅમેરા લગાવવાનો વિકલ્પ પણ વિચારી શકાય છે. જોકે એની વ્યાવહારિકતા ચકાસવા માટે પહેલાં ટ્રાયલ કરવાની જરૂર પડશે. BMC કોઈ પણ ઉપાયને સમગ્ર રસ્તા પર લાગુ કરતાં પહેલાં એને પાઇલટ પ્રોજેક્ટ તરીકે ચકાસી શકે છે.
