BJPના મધુ મંડલને સ્થાનિક TMC લીડર કમલ મંડલની ટીમે મારપીટ કરી હતી અને લોકોના ઘરોમાં તોડફોડ કરી હતી
પશ્ચિમ વર્ધમાન વિસ્તારમાં TMCની ઑફિસની બહાર તોડફોડ. હાવડામાં વિજય-સરઘસમાં BJP-TMC સમર્થકો વચ્ચે હાથાપાઈ થઈ ગઈ હતી.
પશ્ચિમ બંગાળમાં ૧૦ વર્ષ પહેલાં માત્ર ૩ બેઠક મેળવનાર BJPએ આ વખતે ૨૦૭ બેઠકો પર જીત મેળવીને ભગવો લહેરાવ્યો એની ખુશીમાં ગઈ કાલે BJP સમર્થકોએ ઠેર-ઠેર વિજય-સરઘસ કાઢ્યાં હતાં. અત્યાર સુધી BJP સમર્થકો TMCના કાર્યકરોની ધાકધમકીથી ડરતા હતા એ હવે ખુલ્લેઆમ TMCના ઝંડા અને પોસ્ટરો એકત્ર કરીને બાળવા લાગ્યા હતા. જ્યારે પશ્ચિમ વર્ધમાન અને હાવડાના કેટલાક વિસ્તારોમાં TMC કાર્યાલયની બહાર અજ્ઞાત લોકોએ તોડફોડ કરી હોવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.
BJPની જીતના ઉત્સવમાં TMCના કાર્યકરોએ ઠેર-ઠેર અવરોધો પેદા કર્યા હતા. ન્યુ ટાઉન બાલીગુડી વિસ્તારમાં નીકળેલી વિજય-રૅલીમાં કેટલાક તોફાની તત્ત્વોએ કરેલો હુમલો હિંસક બની ગયો હતો. એમાં BJPનો એક કાર્યકર ઘવાયો હતો. તેને હૉસ્પિટલ લઈ જવાય એ દરમ્યાન જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના પછી આ વિસ્તારમાં ભારે તાણભરી સ્થિતિ થઈ ગઈ હતી. આરોપ છે કે BJPના મધુ મંડલને સ્થાનિક TMC લીડર કમલ મંડલની ટીમે મારપીટ કરી હતી અને લોકોના ઘરોમાં તોડફોડ કરી હતી.
ADVERTISEMENT
૧૩ વર્ષથી TMCનો માર ખાતો આવ્યો છું: BJPના કાર્યકરે જણાવી આપવીતી
પશ્ચિમ વર્ધમાન વિસ્તારના BJPના કાર્યકર્તા સુજૉય ગોરાઈએ સોમવારે કૅમેરાની સામે ચોધાર આંસુએ રડીને તેમની આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું હતું, ‘TMCના ગુંડાઓ ખૂબ મારપીટ કરતા હતા. ૧૩ વર્ષથી તેમનો માર ખાતો આવ્યો છું. ડરના માર્યા ક્યારેક તો પંદર-પંદર દિવસ ઘરેથી ભાગી જવું પડતું હતું. આ માત્ર BJPની જીત નથી, પરંતુ TMCના ખૌફના અંતની શરૂઆત છે.’
