બૉમ્બે હાઈ કોર્ટે પ્લેબૅક સિંગર કુમાર સાનુની ભૂતપૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યને પતિ વિરુદ્ધ બદનક્ષીભર્યાં નિવેદન કે ટિપ્પણી કરવાથી રોક લગાવી છે.
કુમાર સાનુ, રીટા ભટ્ટાચાર્ય
બૉમ્બે હાઈ કોર્ટે પ્લેબૅક સિંગર કુમાર સાનુની ભૂતપૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યને પતિ વિરુદ્ધ બદનક્ષીભર્યાં નિવેદન કે ટિપ્પણી કરવાથી રોક લગાવી છે. કુમાર સાનુએ છોડી દીધેલી પત્ની રીટા ભટ્ટાચાર્ય અને કેટલાંક સ્વતંત્ર મીડિયા-હાઉસ સામે તેમના અને તેમના પરિવાર વિશે બદનક્ષીભર્યાં, ખોટાં નિવેદનો લખવા-બોલવા, પોસ્ટ કરવા કે પ્રકાશિત કરવા અને પ્રસારિત કરવા બદલ ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો હતો.
જસ્ટિસ મિલિંદ જાધવની સિંગલ બેન્ચે બુધવારે કહ્યું હતું કે નિવેદનો વાંચ્યા પછી પ્રિલિમિનરી એવું જણાયું હતું કે રીટા ભટ્ટાચાર્યએ કુમાર સાનુ વિરુદ્ધ સ્પષ્ટ વ્યક્તિગત ટીકા કરી હતી.
કોર્ટે રીટા ભટ્ટાચાર્ય અને સ્વતંત્ર મીડિયા-હાઉસને કુમાર સાનુ અથવા તેમના પરિવાર વિશે વધુ બદનક્ષીભર્યાં, ખોટાં, નિંદાત્મક અથવા બદનક્ષીભર્યાં નિવેદનો લખવા, પોસ્ટ કરવા અથવા પ્રકાશિત કરવા પર રોક લગાવી છે.
ADVERTISEMENT
રીટા ભટ્ટાચાર્ય વતી હાજર રહેલા વકીલ આતિફ શેખે વિવાદને મધ્યસ્થી પાસે મોકલવાની વિનંતી કરી હતી અને નિર્દેશ કર્યો કે દંપતીના પુત્રના તાજેતરમાં લગ્ન થયાં છે.
કોર્ટે આ વિનંતી નોંધી હતી, પરંતુ સ્પષ્ટતા કરી હતી કે રીટા ભટ્ટાચાર્યએ તાત્કાલિક પોતાને કન્ટ્રોલમાં રાખવાં જોઈશે અને ખાતરી કરવી જોઈશે કે કુમાર સાનુની પ્રતિષ્ઠાને વધુ નુકસાન ન થાય.
કુમાર સાનુએ સપ્ટેમ્બર ૨૦૨૫માં અનેક યુટ્યુબ ચૅનલો પર રીટા ભટ્ટાચાર્યના ઇન્ટરવ્યુ માટે દાવો કર્યો છે જેમાં તેણે તેમનાં લગ્ન દરમ્યાન તેમના વર્તનને વખોડતી કમેન્ટ્સ કરી હતી. આ કમેન્ટ-ક્લિપ્સ અને રીલ્સ વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી હતી.
કુમાર સાનુ અને રીટા ભટ્ટાચાર્ય કાયદેસર અલગ થઈ ગયાં છે. કુમાર સાનુએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ‘રીટા ભટ્ટાચાર્યના એ ઇન્ટરવ્યુને કારણે મને ભારે નાણાકીય અને વ્યક્તિગત નુકસાન થયું છે. મારે માનસિક યાતના ભોગવવી પડી છે અને એને લીધે વિદેશમાં મારા પૂર્વનિર્ધારિત શો રદ કરવા પડ્યા છે.’
કુમાર સાનુએ વધુમાં દાવો કર્યો હતો કે મેં રીટા ભટ્ટાચાર્યથી અલગ થયા પછી ફરી લગ્ન કર્યાં હતાં અને હું પોતાને અને મારા પરિવારને સુરક્ષિત રાખવા માગતો હતો એથી મને અરજી દાખલ કરવાની ફરજ પડી હતી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૨૮ જાન્યુઆરીએ રાખી છે.


