આ વખતે પરીક્ષામાં હાજર હોવા છતાં ખોટી રીતે ગેરહાજર જાહેર કરાતાં બીએસસી અને બીકૉમના સ્ટુડન્ટ્સ ફેલ થયા : યુનિવર્સિટીને પોતાની ભૂલ સુધારવામાં એક અઠવાડિયાનો સમય લાગ્યો
તસવીર : આશિષ રાજે
મુંબઈ યુનિવર્સિટીમાં વધુ એક વાર ગરબડ થતાં ઉલ્હાસનગરની બે કૉલેજના બીએસસી અને બીકૉમના ૫૦ જેટલા સ્ટુડન્ટ્સ ફેલ થયા છે. આ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હોવા છતાં તેમને ગેરહાજર માર્ક કરાયા હતા. આ ઘટનાને કારણે સ્ટુડન્ટ્સ તેમ જ તેમના પેરન્ટ્સમાં ચિંતા વ્યાપી હતી. જોકે રાજકીય સંગઠનો તથા કૉલેજના વહીવટી તંત્રની મધ્યસ્થી બાદ પણ યુનિવર્સિટીને પોતાની ભૂલ સુધારવામાં એક અઠવાડિયાનો સમય લાગ્યો હતો.
ફેલ જાહેર થયેલા ૫૦ સ્ટુડન્ટ્સમાં ૧૧ આર. કે. તલરેજા કૉલેજના બીએસસીના સ્ટુડન્ટ્સ હતા. વધુ ત્રણ કૉમર્સના સ્ટુડન્ટ્સને પણ ગેરહાજર માર્ક કરાયા હતા. બાકીના ૩૬ સ્ટુડન્ટ્સ ચાંદીબાઈ હિંમતમલ મનસુખાની કૉલેજના હતા, જેઓ યુનિવર્સિટીની ગરબડનો ભોગ બન્યા હતા.
ADVERTISEMENT
યુનિવર્સિટીની ગરબડનો ભોગ બનેલા આ સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે બદલાપુર અને અંબરનાથની કેટલીક કૉલેજના સ્ટુડન્ટ્સને પણ આ જ પ્રકારે ગેરહાજર માર્ક કરાયા હતા.
આર. કે. તલરેજા કૉલેજની સાક્ષી કાંબળેએ કહ્યું હતું કે ‘અમને ફેલ જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામ જોઈને મને આંચકો લાગ્યો હતો. જોકે પાછળથી મારું ધ્યાન ગયું હતું કે મને ઍનૅલિટિકલ કેમિસ્ટ્રીના પેપરમાં ગેરહાજર માર્ક કરવામાં આવી હતી. ત્યાર બાદ મારા ધ્યાન પર આવ્યું હતું કે અમારા બૅચના અનેક સ્ટુડન્ટ્સને આ જ વિષયમાં પાંચમી સેમેસ્ટરની પરીક્ષામાં ગેરહાજર માર્ક કરાયા હતા. અમે આ બાબત પ્રત્યે કૉલેજનું ધ્યાન દોર્યું અને એણે તત્કાળ યુનિવર્સિટી પાસે રિઝલ્ટમાં સુધારો કરવાની માગણી કરી. પરિણામ શુક્રવાર, ૧૦ માર્ચે જાહેર કરવામાં આવ્યાં હતાં, જ્યારે સુધારિત પરિણામ શનિવાર, ૧૮ માર્ચે જાહેર કરાયાં હતાં. અંબરનાથસ્થિત સાઉથ ઇન્ડિયન ચિલ્ડ્રન્સ એજ્યુકેશન સોસાયટીની આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સની ડિગ્રી કૉલેજના સ્ટુડન્ટ્સ પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.’
યુનિવર્સિટીની ગરબડનો ભોગ બનેલા સીએચએમ કૉલેજના એક સ્ટુડન્ટે કહ્યું હતું કે રિઝલ્ટમાં તો સુધારો કરી દેવાયો; પરંતુ આખું અઠવાડિયું અમે જે ચિંતા, તનાવ અને સ્ટ્રેસ વેઠ્યું એ માટે કોણ જવાબદાર ઠરશે?
કેટલાક સિનિયર સ્ટુડન્ટ્સે કહ્યું હતું કે ‘જો પરિણામો સુધારવામાં ન આવ્યાં હોત તો અમારે ફરી પરીક્ષામાં બેસવું પડત. રિઝલ્ટમાં સુધારો કરાશે એવી કૉલેજ તરફથી બાંયધરી ન મળી ત્યાં સુધી અમે ઘણા જ વ્યગ્ર હતા. દરેક વખતે એક નહીં તો બીજી સમસ્યા હોય જ છે. પરિણામો જાહેર કરવામાં વિલંબ થતો હોય છે અને જો એમ ન થાય તો પરિણામમાં ભૂલો થતી હોય છે. ગરબડ અને ભૂલો કે વિલંબ વિનાનું એક પણ વર્ષ શા માટે નથી હોતું?’
ગરબડ ઉકેલવા કૉલેજે મુંબઈ યુનિવર્સિટીને પરીક્ષાનું હાજરીપત્રક મોકલ્યું છે
યુવા સેનાના ઍડ્વોકેટ સંતોષ ધોત્રેએ કહ્યું હતું કે ‘અમે આ બાબતની જાણ શિક્ષણ વિભાગને કરી છે. મુંબઈ યુનિવર્સિટી એના ગરબડ ગોટાળાથી પ્રતિવર્ષ પોતાની શાખ ગુમાવી રહી છે. આ બધી ગરબડમાં સહન કરવાનું સ્ટુડન્ટ્સે જ હોય છે. આટલા બધા સ્ટુડન્ટ્સને અસર કરતા આવા ગોટાળાઓ માટે જવાબદાર લોકો સામે આકરાં પગલાં લેવાં જ જોઈએ. જ્યાં સુધી એમ નહીં કરાય ગોટાળાઓ થવાનું બંધ નહીં થાય.’
મુંબઈ યુનિવર્સિટીના એક અધિકારીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘કેટલાંક પરીક્ષાકેન્દ્રોમાં કોઈ પ્રકારની ગેરસમજ થઈ હોય એમ લાગી રહ્યું છે. અમે આ બાબતે ચોક્કસ નથી, પરંતુ અમારી પાસે આખી બાબત આવતાં અમે હાજરીપત્રક ચેક કરીને સુધારિત રિઝલ્ટ્સ જાહેર કર્યાં છે. આવી સમસ્યાનો સામનો કરી રહેલા સ્ટુડન્ટ્સે તરત જ આ બાબતે અમારું ધ્યાન દોરવું જોઈએ.’
આ પહેલી વાર નથી
ગયા નવેમ્બર મહિનામાં મુંબઈ યુનિવર્સિટીના ફાઇનલ યરના અનેક લૉ સ્ટુડન્ટ્સને ખોટી માર્કશીટ્સ ઇશ્યુ કરવામાં આવી હતી. એમાં દરેક સ્ટુડન્ટના ૧૬ અંકના વિશિષ્ટ પર્મનન્ટ રજિસ્ટ્રેશન (પીઆરએન) નંબર ખોટા હતા. યુનિવર્સિટીએ પોતાની ભૂલ સુધારવા માટે લગભગ ૩,૦૦૦ કરતાં વધુ સ્ટુડન્ટ્સની માર્કશીટ પાછી મંગાવવી પડી હતી. ઉચ્ચ શિક્ષણ માટેના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા વખતે અરજીમાં પીઆરએનમાં થયેલી ભૂલો પરિણામ તેમ જ માર્કશીટની તપાસમાં સમસ્યાઓ સર્જી શકે છે.

