ફ્યુઅલ બચાવવા વાહનોનો કાફલો ઓછો કર્યા બાદ મુખ્ય પ્રધાનની નવી પહેલી- ૬ મહિના સુધી કોઈ મોટા કાર્યક્રમનું આયોજન નહીં કરે રાજ્ય સરકાર
બુલેટ બાઇક પર સવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ. તસવીર : સૈયદ સમીર અબેદી/ વર્ષા ગાયકવાડે સોશ્યલ મીડિયા પર મૂકેલો દેવેન્દ્ર ફડણવીસની બાઇકના PUCનો ફોટો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનું શબ્દશઃ પાલન કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલાથી વિધાનભવન સુધી બુલેટ બાઇક પર ગયા હતા. તેમની સાથે પાછળ આશિષ શેલાર બેઠા હતા. બેઠક બાદ પાછા ઘરે પણ તેમની બુલેટ બાઇક પર જ આવ્યા હતા.
ઈંધણનો વપરાશ કઈ રાતે ઘટાડી શકાય અને વિદેશી હૂંડિયામણ કઈ રીતે બચાવી શકાય એ માટે બુધવારે બે હાઈ લેવલની મીટિંગ દેવેન્દ્ર ફડણવીસે યોજી હતી. દેવેન્દ્ર ફડણવીસે બેઠક બાદ વધારાનાં પગલાં જણાવતાં કહ્યું હતું કે ‘મોટાં ફંક્શન કરવાનું અમે બંધ કર્યું છે. એક ફંક્શન આવતી કાલે સાતારામાં છે. કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ૨૫ લાખ પરિવારોને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા આપવાના છે પણ એનું આયોજન ૩ મહિના પહેલાં થયું હતું અને એના પર પૈસા ખર્ચાઈ ગયા હોવાથી એ ફંક્શન થશે, પણ બાકી આવતા ૬ મહિના સુધી સરકારી ખર્ચે કોઈ મોટાં ફંક્શન ન કરવાનો નિર્ણય લીધો છે.’
ADVERTISEMENT
રાજ્ય સરકારે કરકસર માટે વધુ પગલાં સૂચવ્યાં
૧. સરકારી અધિકારીઓ માટે મંજૂર કરાયેલા વિદેશપ્રવાસ રદ કરવામાં આવ્યા છે અને કોઈ નવા પ્રવાસનું આયોજન ન કરવું.
૨. રોજિંદા ઉપયોગ માટે વાહનો ભાડે લેતી વખતે ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા આપવી.
૩. અધિકારીઓ અને કર્મચારીઓએ શક્ય હોય ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા કાર-શૅરિંગનો ઉપયોગ કરવો.
૪. વરિષ્ઠ અધિકારીઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ મેટ્રો, લોકલ ટ્રેન અથવા બસ દ્વારા પ્રવાસ કરવો.
૫. બધી સરકારી બેઠકો, ટ્રેઇનિંગ-સેશન અને સેમિનાર વિડિયો-કૉન્ફરન્સિંગ અથવા ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા યોજવાં.
૬. આગામી ૬ મહિના સુધી કોઈ નવા સલાહકારની નિમણૂક ન કરવી.
૭. ઑફિસના સમય પછી લાઇટ, પંખા, કમ્પ્યુટર અને ઍર કન્ડિશનર (AC) બંધ કરવાં.
૮. ACનું તાપમાન ૨૪ અને ૨૬ ડિગ્રી વચ્ચે જ રાખવું.
૯. ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટેના પ્રસ્તાવને તાત્કાલિક ધોરણે મંજૂરી આપવી.
૧૦. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ વધુ સંખ્યામાં ઘરોમાં સોલર પાવર વાપરવા પર ભાર મૂકવાનો.
૧૧. હોર્ડિંગ્સ માટે ડીઝલ જનરેટર સેટનો ઉપયોગ ન કરવો.
૧૨. પોલીસે ટૂ-વ્હીલર રૅલીઓ અથવા વધારે વ્હીકલની રૅલી માટે પરવાનગી ન આપવી.
૧૩. કૅન્ટીન અને હૉસ્ટેલમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા માટે મેનુમાં ફેરફાર કરવા.
૧૪. ઑર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો.
૧૫. મુંબઈ અને અન્ય મોટાં શહેરોમાં હોટેલ અને રેસ્ટોરાંને પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) પર સ્વિચ કરવા પ્રોત્સાહિત કરવાં.
૧૬. ફ્લેક્સ બૅનરો, હોર્ડિંગ્સ અને સાઇનેજ પર બિનજરૂરી ખર્ચ ટાળવો અને આવાં ડિસ્પ્લે પર સુશોભન લાઇટિંગ કરવા પર પ્રતિબંધ.
દેવેન્દ્ર ફડણવીસની બુલેટ બાઇકનું PUC એક્સપાયર થયું હોવાનો કૉન્ગ્રેસનો દાવો
કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડે ગુરુવારે મંત્રાલયમાં બુલેટ લઈને પહોંચેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહાર કર્યા હતા. વર્ષા ગાયકવાડે આરોપ લગાવ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસે ચલાવેલી બુલેટના પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટની મુદત પૂરી થઈ ગઈ છે. સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં વર્ષા ગાયકવાડે બાઇકની વિગતોના ફોટો શૅર કર્યા હતા જેમાં PUC ૨૦૨૫ની ૧૦ જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જો વાહનમાં ખરેખર PUC પ્રમાણપત્ર સમાપ્ત થયું હોય તો શું ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મુખ્ય પ્રધાન સામે કાર્યવાહી કરશે? બીજી પોસ્ટમાં વર્ષા ગાયકવાડે એવું લખ્યું હતું કે ‘પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગનું ઉદાહરણ આપવા દેવેન્દ્ર ફડણવીસ બસમાં મુસાફરી કરી શક્યા હોત. નેપિયન સી રોડથી બસ પકડીને થોડા મીટર ચાલીને મંત્રાલય પહોંચી શક્યા હોત.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલને ગંભીરતાથી લેવાની સલાહ આપતાં શરદ પવારે કહ્યું... મારા કાફલામાં ચાર વર્ષથી ફક્ત ત્રણ જ વાહનો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલને ગંભીરતાથી લેવી જરૂરી છે અને રાજકીય નેતાઓએ એને માત્ર પ્રચાર-સ્ટન્ટ તરીકે ગણવાનું ટાળવું જોઈએ એવો મત નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના અધ્યક્ષ શરદ પવારે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પહેલાં કાફલામાં ૧૭ ગાડીની પરવાનગી હતી, હવે ૮ કરી છે. જોકે ૮ ગાડીઓની ક્યાં જરૂર જ છે. ૪ વર્ષથી મારા કાફલામાં તો ફક્ત ૩ જ વાહનો છે.’
દેશની હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં શરદ પવારે વડા પ્રધાનને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગણી પણ કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે ચૂંટણી દરમ્યાન કેમ શાસક પક્ષને ફ્યુઅલ બચાવવાનો વિચાર ન આવ્યો? ફ્યુઅલ-સેવિંગ માટેનો નિર્ણય લેવામાં આટલો સમય કેમ લાગ્યો?
CM રોજ બાઇક પર આવે તો અસર થાય : શરદ પવાર
બાઇક પર મંત્રાલય પહોંચેલા મુખ્ય પ્રધાન વિશે શરદ પવારે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જો મુખ્ય પ્રધાન દરરોજ મોટરસાઇકલ પર મંત્રાલય પહોંચે તો અને ત્યારે જ જનતા આ બાબતને ગંભીરતાથી લેશે.
નીતિન ગડકરીએ પાલખી હાઇવેના કામના નિરીક્ષણ માટે બસમાં પ્રવાસ કર્યો
નૅશનલ હાઇવે ઑથોરિટીના અધિકારીઓ અને પત્રકારો સાથે બે બસમાં મુસાફરી કરી
ફ્યુઅલ-સેવિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શરૂ કરાયેલા અભિયાનમાં રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ગુરુવારે સવારે પુણેમાં અધિકારીઓ અને પત્રકારો સાથે બસમાં મુસાફરી કરીને સંત જ્ઞાનેશ્વર મહારાજ અને સંત તુકારામ મહારાજ પાલખી હાઇવે પ્રોજેક્ટનું ઇન્સ્પેક્શન કર્યું હતું. હડપસરથી ફલટણ સુધીની તેમની મુલાકાત દરમ્યાન નીતિન ગડકરીએ તેમના કાફલાને ફક્ત પાંચ વાહનો સુધી મર્યાદિત રાખ્યો હતો. મોટા કાફલાનો ઉપયોગ કરવાને બદલે નીતિન ગડકરીએ સુરક્ષા-કર્મચારીઓ, નૅશનલ હાઇવે ઑથોરિટીના અધિકારીઓ અને પત્રકારો સાથે બે બસમાં મુસાફરી કરીને હડપસર, દિવે ઘાટ અને સાસવડ વિસ્તારોમાં ચાલી રહેલા પાલખી હાઇવેના કામનો સર્વે કર્યો હતો.
રાયગડનાં સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આંચલ દલાલની સાઇકલસવારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનો અમલ કરતાં રાયગડના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આંચલ દલાલે તેમના નિવાસસ્થાનથી ઑફિસ સાઇકલ પર જઈને સારા કામની શરૂઆત પોતાનાથી કરીને તેમણે અન્યો માટે દાખલો બેસાડ્યો હતો એટલું જ નહીં, કોઈ પણ ઢંઢેરો ન કરતાં તેઓ હવે દરરોજ સાઇકલ પર જ ઑફિસ આવ-જા કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા અને સરકારી ઍડ્મિનિસ્ટ્રેશનમાં પણ તેમના આ પગલાને પૉઝિટિવ રિસ્પૉન્સ મળી રહ્યો છે. તેમનું જોઈને અન્ય અધિકારીઓ પણ રોજ નહીં પણ અઠવાડિયામાં ઍટ લીસ્ટ એક દિવસ સાઇકલ પર જવાનું વિચારી રહ્યા છે. ખાતાના હેડ જ જ્યારે આવું પગલું ભરે ત્યારે અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તથા લોકો પણ તેમનું અનુકરણ કરવા માંડે છે.
