CBIએ છટકું ગોઠવીને સ્ટેશન માસ્ટર લક્ષ્મણ દાસની ૯૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતાં રંગેહાથ ધરપકડ કરી હતી.
લક્ષ્મણ દાસ
મુલુંડ રેલવે-સ્ટેશનના માસ્ટર લક્ષ્મણ દાસની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વાહન પાર્કિંગ કરવા માટેનો કૉન્ટ્રૅક્ટ લેનારી કંપનીના કર્મચારી પાસેથી ૯૦૦૦ રૂપિયાની લાંચ માગવાના આરોપસર ધરપકડ કરી હતી. કંપનીના કર્મચારીએ CBIમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં તે મુલુંડ રેલવે-સ્ટેશન પરિસરના પાર્કિંગ એરિયામાં કામ કરી રહ્યો હતો ત્યારે સ્ટેશન-માસ્ટર લક્ષ્મણ દાસે કોઈ પણ અચડણ વિના કામ કરવા માટે તેને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા આપવાની માગણી કરી હતી. આ રકમના બદલામાં કોઈ ફરિયાદ આવશે તો એ પોતે સંભાળી લેશે એમ કહ્યું હતું. ફરિયાદીએ લાંચ ન આપતાં સ્ટેશન-માસ્ટરે કોઈ પણ કારણ વિના બે વખત પેનલ્ટી લગાવી હતી. આથી કંપનીનો કર્મચારી ૯૦૦૦ રૂપિયા આપવા સંમત થયો હતો અને CBIમાં ફરિયાદ નોંધાવી હતી. CBIએ છટકું ગોઠવીને સ્ટેશન માસ્ટર લક્ષ્મણ દાસની ૯૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતાં રંગેહાથ ધરપકડ કરી હતી.

