BMCના ઇલેક્શનની આચારસંહિતા લાગુ થાય એ પહેલાં એકનાથ શિંદેએ જૂના પ્લાનની કરી સત્તાવાર જાહેરાત
એકનાથ શિંદે
સ્ટેટ ઇલેક્શન કમિશને ગઈ કાલે BMC સહિત રાજ્યની ૨૯ સુધરાઈની ચૂંટણીની જાહેરાત કરી ત્યાર બાદ તરત જ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. જોકે એ જાહેરાત થાય એની કેટલીક મિનિટો પહેલાં જ રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ મુંબઈગરા માટે અત્યાર સુધીની સૌથી મોટી ગિફ્ટની જાહેરાત કરી હતી. તેમણે મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડની મળીને ખુલ્લી જમીનના ૨૯૫ એકરમાં સેન્ટ્રલ પાર્ક બનાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. એટલું જ નહીં, આ સેન્ટ્રલ પાર્કની નીચે અન્ડરગ્રાઉન્ડ ૧૦ લાખ સ્ક્વેરફુટમાં ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનું ઇન્ડોર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ તેમને એ પ્લાન ગઈ કાલે આપ્યો હતો. આમ તો આ સેન્ટ્રલ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ લાંબા સમયથી હતો જ, પણ ગઈ કાલે એની જાહેરાત ચૂંટણી જાહેર થવાની કેટલીક મિનિટો અગાઉ આચારસંહિતા લાગુ થાય એ પહેલાં એકનાથ શિંદેએ કરી હતી.
મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડની આ કમ્બાઇન્ડ ખુલ્લી જમીન પર બનનારા સેન્ટ્રલ પાર્કની નીચે બનશે ૧૦ લાખ સ્ક્વેરફુટમાં અન્ડરગ્રાઉન્ડ ઇન્ડોર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ
ADVERTISEMENT
એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આ સેન્ટ્રલ પાર્ક મુંબઈગરાઓ માટેની અત્યાર સુધીની સૌથી મોટી ગિફ્ટ ગણાશે. આ પાર્કના ઉપરના ભાગમાં વૉકવે છોડીને ક્યાંય કૉન્ક્રીટનું બાંધકામ નહીં કરવામાં આવે. વળી આ સેન્ટ્રલ પાર્ક અન્ડરગ્રાઉન્ડ પૅસેજ વડે કોસ્ટલ રોડ સાથે જોડાશે. એથી કુદરતી રિસોર્સિસને કોઈ નુકસાન થશે નહીં કે એના ઐતિહાસિક વારસાને પણ હાનિ નહીં પહોંચાડાય. પાર્કની મુલાકાત લેનારા લોકો પાર્કમાં વૉક કરતાં-કરતાં ઘોડાની રેસ જોઈ શકશે. આખો વિસ્તાર ગ્રીન પાર્ક જ રહેશે.’
લોકોની મૂવમેન્ટ સરળતાથી થતી રહી એ માટે સેન્ટ્રલ પાર્કથી કોસ્ટલ રોડ વચ્ચે ૫૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૨૦૦ મીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે, જેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. આ આખો પ્રોજેક્ટ હાફિઝ કૉન્ટ્રૅક્ટરે ડિઝાઇન કર્યો છે. કોસ્ટલ રોડનું પાર્કિંગ ૧૨૦૦ કાર અને ૧૦૦ બસને સમાવી શકે એવું બનવાનું છે. આ પાર્કને કારણે મુંબઈનું ઍર પૉલ્યુશન પણ ઓછું થશે.
થાણે માટે પણ એકનાથ શિંદેએ કરી ઘણી જાહેરાતો
થાણેના કાસારવડવલીમાં ૫૦ એકરમાં ૨૬૦ મીટર ઊંચો કન્વેન્શન સેન્ટર ટાવર ‘મંગલ કલશ’ ઊભો કરવામાં આવશે. આ પ્રોજેક્ટની ડિઝાઇન પણ હાફિઝ કૉન્ટ્રૅક્ટરે તૈયાર કરી છે.
થાણેના કોલશેતમાં ૨૫ એકર જમીન પર ‘ટાઉન પાર્ક’ ઊભો કરવામાં આવશે જેમાં આગરી-કોળી મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, ઍક્વેરિયમ અને સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનો સમાવેશ કરવામાં આવશે.
કોલશેતમાં જ ૨૫ એકર જમીન પર ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડના સ્નો પાર્ક, અમ્યુઝમેન્ટ પાર્ક અને ઍડ્વેન્ચર પાર્કનું નિર્માણ કરવામાં આવશે. કોલેશેતમાં ૧૨.૫ એકરમાં બર્ડ મ્યુઝિયમ બનાવવા રાજ્ય સરકારે ૧૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. થાણેના મ્હાત્રેડી બુલેટ સ્ટેશનથી દિવા, મુંબ્રા અને કલવાને જોડતો ૯.૮ કિલોમીટર લાંબો મેટ્રો ટ્રેનનો રૂટ ચાલુ કરવામાં આવશે. ૫૦ એકરમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે અને ૨૫ એકરનો અલાયદો વિસ્તાર મ્યુઝિકલ કૉન્સર્ટ માટે ડેવલપ કરવામાં આવશે.


