૨૦૦૫માં જ્યારે મુંબઈભરમાં પૂરની પરિસ્થિતિ હતી ત્યારે અહીં પાણી ભરાયાં નહોતાં, એનું એક કારણ મૅન્ગ્રોવ્ઝ હતાં જેણે પાણીને આવતાં રોક્યું હતું એમ અહીંના રહેવાસીઓનું કહેવું છે.
પ્રતીકાત્મક તસવીર
કોસ્ટલ રોડના બીજા તબક્કામાં એને વર્સોવાથી દહિસર સુધી લંબાવવાનો પ્લાન છે ત્યારે ચારકોપ અને ગોરાઈને જોડવા માટે ૩.૭૫ કિલોમીટરના પટ્ટામાં મૅન્ગ્રોવ્ઝ વચ્ચે આવતાં હોવાથી એ કાઢવાં પડે એમ છે ત્યારે એને બચાવવા હવે ચારકોપના રહેવાસીઓ વિવિધ સ્તરે પ્રયાસ કરી રહ્યા છે.
ચારકોપના રહેવાસીઓએ આ મૅન્ગ્રોવ્ઝ બચાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મૅન્ગ્રોવ્ઝ ડિપાર્ટમેન્ટ અને BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટના સુપરિન્ટેન્ડન્ટને પત્ર લખ્યા છે. ચારકોપ સેક્ટર-૮ને લાગીને ૧૩૬ હેક્ટરમાં મૅન્ગ્રોવ્ઝ આવેલાં છે. ૨૦૦૫માં જ્યારે મુંબઈભરમાં પૂરની પરિસ્થિતિ હતી ત્યારે અહીં પાણી ભરાયાં નહોતાં, એનું એક કારણ મૅન્ગ્રોવ્ઝ હતાં જેણે પાણીને આવતાં રોક્યું હતું એમ અહીંના રહેવાસીઓનું કહેવું છે. એથી જો મૅન્ગ્રોવ્ઝ કાપવામાં આવશે તો મૉન્સૂનમાં ભરતીનું પાણી ભરાવાની શક્યતા વધી શકે. બીજું, ચારકોપથી ગોરાઈના ૩.૭૫ કિલોમીટરના પટ્ટામાં માઇગ્રેટેડ બર્ડ્સ પણ આવતાં હોય છે. એક વાર જો મૅન્ગ્રોવ્ઝનું નિકંદન નીકળી જશે એ પછી એને ફરી ઉગાડવાં બહુ મુશ્કેલ બની રહેશે. એટલે જો કોઈ બીજો વિકલ્પ હોય તો એ વિચારવા BMCને ચારકોપવાસીઓએ વિનંતી કરી છે.

