Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જુહુ બીચ, દાદર ચોપાટી અને બાણગંગા પર છઠ પૂજા માટે માનવમહેરામણ

જુહુ બીચ, દાદર ચોપાટી અને બાણગંગા પર છઠ પૂજા માટે માનવમહેરામણ

Published : 16 November, 2026 08:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં ઉત્તર ભારતીયો અને બિહારીઓ દ્વારા ઊજવવામાં આવતી છઠ પૂજાના મુદ્દે રાજકીય પક્ષો દ્વારા સામસામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા હતા

જુહુ બીચ પર છઠ પૂજાની ઉજવણી માટે ભેગા થયેલા લોકો.

જુહુ બીચ પર છઠ પૂજાની ઉજવણી માટે ભેગા થયેલા લોકો.


છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં ઉત્તર ભારતીયો અને બિહારીઓ દ્વારા ઊજવવામાં આવતી છઠ પૂજાના મુદ્દે રાજકીય પક્ષો દ્વારા સામસામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા હતા અને વાતાવરણ ગરમાયું હતું. એમાં વળી નવી મુંબઈમાં રેલવે-સ્ટેશનો પર છઠ પૂજાને લઈને ભોજપુરી ગીતો વગાડવામાં આવતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ગઈ કાલે હજારો ભાવિકો જેમાં મહિલાઓની સંખ્યા વધુ હતી તેમણે જુહુ ચોપાટી, દાદર ચોપાટી, બાણગંગા પર સૂર્યાસ્તના સૂરજને અર્ઘ્ય આપી અને સૂર્ય પત્ની ઉષા (છઠી મૈયા)ની છઠ પૂજા કરી હતી. તહેવારની શાંતિપૂર્વક ઉજવણી થાય એ માટે પોલીસબંદોબસ્ત પણ મોટા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ક્રાઉડ મૅનેજમેન્ટને ધ્યનમાં રાખી સામાન્ય સહેલાણીઓને ગઈ કાલે બીચ પર જતા રોકવામાં આવ્યા હતા અને માત્ર છઠ પૂજા કરવા માગતા ભાવિકોને જ બીચ પર જવાની છૂટ આપવામાં આવતી હતી.

નાશિકમાં પણ ગોદાવરીના કાંઠે રામકુંડ પર ભાવિકોની મોટી ગિરદી જોવા મળી હતી. બહુ મોટા પ્રમાણમાં ઉત્તર ભારતીયો અને બિહારીઓ પૂજા કરવા ગોદાવરી તીરે ભેગા થયા હતા. ૪ દિવસના આ પર્વમાં ગઈ કાલે સૂર્યાસ્તના સૂરજની પૂજા કરી અર્ઘ્ય આપવામાં આવ્યું હતું. આજે સવારે ઊગતા સૂર્યની પૂજા કરી ઉપવાસ છોડવામાં આવશે. 



મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા કરી 
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે સાંજે જુહુ ચોપાટી પર પહોંચી ગયા હતા અને ભાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો. ભાવિકોએ તિલક કરી તેમની આરતી ઉતારીને પોંખ્યા હતા. ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસે પંડિતો દ્વારા કરાતા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સૂર્યપૂજા કરી હતી. 


બાણગંગામાં પણ પાણીમાં ઊભા રહી પૂજા 
મલબાર હિલ, વાલકેશ્વરના બાણગંગા તળાવમાં પૂજા કરવા દેવી કે નહીં એ વિશે મતમતાંતર હતા. થોડા વખત પહેલાં શ્રાદ્ધ પક્ષમાં અને ગણશોત્સવમાં પણ ગણેશમૂર્તિનું વિસર્જન રોકી દેવામાં આવ્યું હતું. વૉટર પૉલ્યુશનને કારણે સેંકડો માછલીઓ મરેલી મળી આવી હતી એથી હવે છઠ પૂજામાં શું વ્યવસ્થા કરાય છે, પરવાનગી અપાય છે કે નહીં એના પર મુંબઈગરાની નજર હતી. બાણગંગા પર પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો પહોંચી ગયા હતા અને છઠ પૂજા કરી હતી અને ‘છઠી મૈયા કી જય’ બોલાવી હતી. તસવીરઃ આશિષ રાજે

બદલાપુરમાં પોલીસ તહેનાત
બદલાપુરમાં MNSએ છઠ પૂજાનો વિરોધ કર્યો હતો એથી પોલીસે બદલાપુર સહિત અંબરનાથ, ઉલ્હાસનગર સહિત ઉલ્હાસ નદી કાંઠે ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ સતત અલર્ટ રહી પૅટ્રોલિંગ કરી રહી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ ઉલ્હાસ નદીમાં ઊભા રહી છઠ પૂજા કરી હતી.  


તળાવના એન્ટ્રન્સનું તાળું તોડીને છઠ પૂજાનો તહેવાર ઊજવ્યો નાલાસોપારાવાસીઓએ

નાલાસોપારામાં છઠ પૂજાની ઉજવણી પર મૂકવામાં આવેલા પ્રતિબંધની ઐસી કી તૈસી કરીને ઉત્તર ભારતીય મહિલાઓએ પોતાનો તહેવાર ઊજવ્યો હતો. અહીંના નાલાનગરમાં આવેલા નાગેલા તળાવમાં સત્તાવાળાઓએ છઠ પૂજાની ઉજવણી કરવા મનાઈ ફરમાવીને તળાવના એન્ટ્રન્સ પર તાળાં લગાવી દીધાં હતાં. જોકે ઉત્તર ભારતીયો અને ખાસ કરીને બિહારીઓ માટે ખૂબ જ મહત્ત્વના ગણાતા આ તહેવારની ધરાર ઉજવણી મહિલાઓએ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૪ દિવસના છઠ ઉત્સવમાં ભક્તો જળાશયોમાં જઈને ઊગતા તથા આથમતા સૂર્યની પૂજા કરે છે. રોષે ભરાયેલી મહિલાઓ તળાવ-પરિસરમાં દાખલ થવા માટે બહાર લગાવવામાં આવેલાં તાળાં તોડતી હોવાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. 
આ ઘટનાના કારણે થોડા સમય માટે પરિસરમાં તનાવનો માહોલ પેદા થયો હતો. જોકે આચોલે પોલીસ-સ્ટેશનનો સ્ટાફ તરત ત્યાં પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે પોલીસે આ મામલે કોઈના વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK