Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈનું એવું મંદિર જે પોતે જ અનેક માટે ઓળખ બની ગયું છે c/o સ્વામીનારાયણ ટેમ્પલ

મુંબઈનું એવું મંદિર જે પોતે જ અનેક માટે ઓળખ બની ગયું છે c/o સ્વામીનારાયણ ટેમ્પલ

Published : 05 April, 2025 02:47 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આવતી કાલે રામનવમી સાથે સ્વામીનારાયણ ભગવાનની ૨૪૪મી જન્મજયંતી પણ છે ત્યારે દુનિયાભરમાં મંદિરોના મામલે જુદો દબદબો ધરાવતા આ સંપ્રદાયના દાદરના અતિપ્રચલિત મંદિરની ખાસંખાસ વાતો જાણી લઈએ

સ્વામીનારાયણ ટેમ્પલ

સ્વામીનારાયણ ટેમ્પલ


યસ, દાદર સ્ટેશન પાસે આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિરની આજુબાજુનાં તમામ ઠેકાણાંના ઍડ્રેસમાં તમને આવું વાંચવા મળી શકે, કારણ કે આ મંદિર પોતે એક મહત્ત્વનું લૅન્ડમાર્ક બની ગયું છે. આવતી કાલે રામનવમી સાથે સ્વામીનારાયણ ભગવાનની ૨૪૪મી જન્મજયંતી પણ છે ત્યારે દુનિયાભરમાં મંદિરોના મામલે જુદો દબદબો ધરાવતા આ સંપ્રદાયના દાદરના અતિપ્રચલિત મંદિરની ખાસંખાસ વાતો જાણી લઈએ


 પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી
પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી



જેની પોતાની ઓળખ એટલી વ્યાપક બની ગઈ હોય કે બીજાની ઓળખાણ તેમના થકી થતી હોય. વ્યક્તિઓ માટે જ નહીં પણ સ્થાન માટે પણ આ વાત લાગુ પડે છે. દાદરનું સ્વામીનારાયણ મંદિર એ કૅટેગરીમાં આવે, જેને ઓળખની જરૂર જ નથી પણ જેનાથી અનેકને ઓળખ મળી છે. આવતી કાલે શ્રી સ્વામીનારાયણ ભગવાનની ૨૪૪મી જન્મજયંતી છે ત્યારે મુંબઈની આન-બાન-શાનમાં વધારો કરનારા દાદર સ્વામીનારાયણ મંદિરની વિશેષતાઓ પર વાત કરી લઈએ. 



ભગવાન સ્વામીનારાયણના બાળસ્વરૂપનો અભિષેક કરી રહેલા પૂજ્ય મહંતસ્વામી

દૂરંદેશીનું પરિણામ
અત્યારે દાદરનું જે સ્વામીનારાયણ મંદિર આપણે જોઈ રહ્યા છીએ એ મુંબઈનું સૌથી પહેલું સ્વામીનારાયણ મંદિર છે જેનો શિલાન્યાસ સ્વામીનારાયણ સંપ્રદાયના માનવંતા સંત પ્રમુખસ્વામીની ૬૩મી જન્મજયંતી સમયે તેમના જ હાથે ૧૯૭૯ની બાવીસમી નવેમ્બરે થયો હતો. એમ જણાવીને મંદિરના મુખ્ય કર્તાહર્તા ૮૬ વર્ષના ભક્તિપ્રિયદાસ સ્વામી કહે છે, ‘એ સમયે દેશમાં અન્ય સ્થળોએ છ મંદિર બની ચૂક્યાં હતાં પરંતુ મુંબઈમાં પહેલી વાર મોટા પાયે મંદિર નિર્માણનું કાર્ય ધરાયું હતું. અત્યારે અમારા સહુના ગુરુ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ ત્યારે મુંબઈ સેન્ટર સંભાળતા અને અત્યારે જ્યાં મંદિર છે ત્યાં સત્સંગી ગોવિંદજીભાઈ શેઠનું મકાન હતું રતન વિલા. તેઓ સ્વામીનારાયણ ભગવાનના ઉપાસક હતા અને તેમણે પોતાના જ મકાનના એક ઓરડામાં ભગવાનના ફોટોની સ્થાપના કરી હતી. એ સમયે બોચસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સ્થાપક પૂજ્ય યજ્ઞપુરુષદાસજી સ્વામીજીની પ્રેરણાથી ગોવિંદદાસજીએ આ મંદિર બનાવવા માટે આ જગ્યા દાનમાં આપી. મોકાની જગ્યા હોવાથી જ અહીં જે મંદિર બને એ ભવ્ય હોવું જોઈએ એવું જાણીને પૂજ્ય પ્રમુખસ્વાજીએ આ મંદિર નિર્માણને વેગ અપાવડાવ્યો હતો.’


૧૯૭૯માં શિલાન્યાસ બાદ ચાર વર્ષ એકધારું કામ ચાલ્યું અને પૂજ્ય પ્રમુખસ્વામીજીના હાથે જ ૧૯૮૩ની બારમી ડિસેમ્બરે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ. અત્યારે લગભગ સો જેટલા સંતો દાદર સ્વામીનારાયણ મંદિરમાં નિવાસ કરે છે.

સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો
મંદિર સ્થાપત્યના સિદ્ધાંતોની સ્વામીનારાયણના આ મંદિરનિર્માણ વખતે વિશેષ કાળજી રાખવામાં આવી છે. અયોધ્યામાં બનેલા રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા અને તેમના સાથીદારોએ મંદિરનિર્માણની ડિઝાઇન તૈયાર કરી. રાજસ્થાનના પિન્ક પથ્થર અને સફેદ સંગેમરમરના આરસથી જ મંદિરનિર્માણ થયું છે. ઘણાં વર્ષોથી સંસ્થા સાથે સેવાકીય રીતે જોડાયેલા સત્સંગી જનક દવે કહે છે, ‘મંદિર જેટલું બહારથી ભવ્ય લાગે છે એટલો જ મંદિરની અંદરનો દબદબો પણ ભલભલાની આંખો અંજાવનારો છે. આખા મંદિરનિર્માણમાં લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ થયો નથી. મંદિર ત્રણ શિખરોનું બનેલું છે. મધ્ય શિખરના ગર્ભગૃહમાં મધ્યમાં પૂજ્ય સ્વામીનારાયણ ભગવાનની સફેદ આરસની મૂર્તિ છે અને આજુબાજુ પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલાનંદ સ્વામી બિરાજમાન છે. બીજા શિખરને ત્યાં ભગવાન સ્વામીનારાયણની નાની મૂર્તિ ઉપરાંત રાધાકૃષ્ણની આરસપહાણની સુંદર નયનરમ્ય મૂર્તિ છે. ત્રીજા શિખરને ત્યાં પણ ભગવાન સ્વામીનારાયણની ભવ્ય મોટી મૂર્તિ છે. મંદિરમાં પ્રવેશો એટલે જમણી બાજુએ હનુમાનજીનાં અને રામ-સીતા-લક્ષ્મણજીનાં દર્શન થાય. ડાબી બાજુએ ગણપતિબાપ્પા, શિવ-પાર્વતી અને સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિનાં દર્શન થાય. મંદિરની અંદર ભગવાનની પાલખીની કોતરણી, કોતરકામ કરેલા ગુંબજો, નાના-નાના ભગવાનની મૂર્તિની ઝુમ્મર સ્ટાઇલમાં કરેલી કોતરણી, આરસમાં તોરણ શેપ સાથે ઝીણી કોતરણીઓ વગેરે બધું જ ભવ્ય અને મંત્રમુગ્ધ કરનારું છે.’

સેવાકીય પ્રવૃત્તિઓ
સ્વામીનારાયણ મંદિરમાં જન્માષ્ટમી, રામનવમી, દિવાળી, હોળી જેવા સનાતન ધર્મના લગભગ બધા જ તહેવારોની રંગેચંગે ઉજવણી થાય છે. જોકે એ સિવાય BAPS સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ અને સંસ્કારસિંચનના કાર્યમાં પણ અગ્રેસર છે. વૈષ્ણવ પરંપરાની જેમ મૂર્તિની સ્થાપના થયા પછી મંગળા આરતી, શણગાર આરતી, સંધ્યા આરતી, શયન આરતી જેવી દરરોજ પાંચ વખત આરતી થાય. પાંચેય આરતીમાં હરિભક્તો હાજર રહે. ભગવાનની મૂર્તિઓ, વસ્ત્રોનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. ભગવાન સાથે જ તેમની આહાર, પાણી, ગરમી-ઠંડીમાં AC, હીટર જેવી વ્યવસ્થાઓનું પણ ધ્યાન રખાય છે. આ મંદિર અંતર્ગત લગભગ ૧૬૩ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. સાયન કોલીવાડામાં ‘પ્રમુખસ્વામી આઇ હૉસ્પિટલ’ ચાલે છે. દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ કે ભૂકંપ જેવી આપત્તિઓમાં BAPS દ્વારા મદદનાં કાર્યો કરવામાં આવે છે. જનકભાઈ કહે છે, ‘મંદિરમાં દિવસમાં બે વાર સ્વામીનારાયણ ભગવાનને પુછાયેલા ૨૦૦થી વધુ પ્રશ્નોત્તરના રૂપમાં રહેલા ગ્રંથ વચનામૃતનો અને ‘સ્વામીની વાતો’ નામના પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામીજીના ઉપદેશયુક્ત પુસ્તકનો પાઠ થાય. દર રવિવારે બાળકો, કિશોરો અને વડીલો માટે જુદા-જુદા સમયે સભા થાય. મુંબઈનાં લગભગ બધાં જ મંદિરોમાં બાળ, કિશોર અને યુવક મંડળો ચાલતાં હોય છે. લગભગ ૪૦૦ જેટલાં બાળ મંડળો છે. સિત્તેર જેટલાં યુવક મંડળો છે અને ૬૨ જેટલાં સંયુક્ત મંડળો છે. આ મંડળોમાં બાળશિક્ષણ, વ્યસનમુક્તિ, પરિવાર એકતા, સમાજસેવા જેવા વિષયોને આવરી લેવામાં આવતા હોય છે. મુંબઈમાં લગભગ પંદર હજાર જેટલા સત્સંગી પરિવારો છે જેઓ નિયમિતપણે આ મંડળો થકી જોડાયેલા રહે છે.’ 

તમને ખબર છે?
અત્યારે દુનિયાના પાંચ ખંડમાં BAPS સ્વામીનારાયણ સંપ્રદાયનાં ૧૮૦૦ જેટલાં મંદિરો છે.

સ્વામીનારાયણ ભગવાન વિશે ટૂંકમાં
અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે ૧૭૮૧ની ત્રીજી એપ્રિલે અયોધ્યા પાસે આવેલા છપૈયા નામના નાનકડા ગામમાં રહેતાં ધર્મદેવ અને ભક્તિદેવીના કુટુંબમાં એક બાળકનો જન્મ થયો, જેનું નામ ઘનશ્યામ રાખવામાં આવ્યું. બાળપણથી જ જ્ઞાન, ભક્તિ અને સેવાના સંસ્કારોથી સજ્જ આ બાળક જ્યારે સાત વર્ષનું હતું ત્યારે તેમના બારણે આવેલા એ સમયના પ્રતિષ્ઠિત સંત માર્કન્ડેય મુનિએ ભવિષ્યવાણી કરેલી કે આ બાળક ધર્મની સ્થાપના કરશે અને લોકોના જીવનનાં દુઃખદર્દ દૂર કરીને તેમને ઈશ્વરના માર્ગે વાળશે. ૧૧ વર્ષની ઉંમરે માતા-પિતાના નિધન બાદ ઘનશ્યામ ભારત ભ્રમણ માટે એક સિંહચર્મ, ધર્મનું નાનકડું પુસ્તક, એક મૂર્તિ અને ભિક્ષાપાત્ર સાથે નીકળી પડ્યો. લગભગ બાર હજાર કિલોમીટરના પ્રવાસમાં સાત વર્ષની ધર્મગ્રંથ અને શાસ્ત્રોના અભ્યાસ, ધ્યાન-સાધનાની ફળશ્રુતિરૂપે તેમણે વીસ વર્ષની ઉંમરે ૧૮૦૧ની સાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. સહજાનંદ સ્વામી તરીકે પણ ઓળખાતા સ્વામીનારાયણ ભગવાનને સ્વામીનારાયણ સંપ્રદાય ભગવાન કૃષ્ણનો જ અવતાર માને છે. આદર્શોની સાથે અધ્યાત્મ અને સેવાના પાયા પર તેમણે કહેલી વાતોને વચનામૃત કહેવાય છે. તેમણે પોતાની હયાતીમાં છ મંદિરોનું નિર્માણ કર્યું હતું અને એ સમયે ત્રણ હજાર સંન્યાસી સાધુ તેમની સાથે હતા. ૧૮૩૦ની પહેલી જૂને ૪૯ વર્ષની ઉંમરે તેમનો દેહત્યાગ થયો. ભગવાન સ્વામીનારાયણ બાદ તેમના શિષ્ય થકી એ પાટપરંપરા આજ સુધી અકબંધ છે.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2025 02:47 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK