સુરતમાં ૨૦૧૭માં બનેલી શૉકિંગ ઘટનામાં જૈન મુનિને સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના જજે તકસીરવાર ઠેરવ્યા, આજે સંભળાવશે સજા: આશીર્વાદ આપવાના બહાને મમ્મી અને પપ્પાની સાથે ટીનેજરને પણ વડોદરાથી બોલાવી હતી: જૈન મુનિ અત્યારે સુરતની લાજપોર જેલમાં બંધ
શાંતિસાગર મહારાજ
૨૦૧૭માં ધાર્મિક વિધિ કરવાના અને આશીર્વાદ આપવાના બહાને વડોદરાની ફૅમિલીને સુરત બોલાવીને જૈન ઉપાશ્રયમાં ૧૯ વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરનાર શાંતિસાગર મહારાજને ગઈ કાલે સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે કસૂરવાર ઠેરવીને ગુનેગાર જાહેર કર્યા હતા. આ ગુનાની સજા કોર્ટ આજે સંભળાવશે.
સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના સરકારી વકીલ રાજેશ ડોબરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૭માં સુરતના નાનપુરામાં ટીમલિયાવડ ખાતે આવેલા જૈન ઉપાશ્રયમાં શાંતિસાગર મહારાજે ૧૯ વર્ષની યુવતી પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં પીડિતાએ કોર્ટમાં ઘટનાક્રમ જણાવ્યો હતો. આ ઉપરાંત અમે કોર્ટમાં મેડિકલ પુરાવા, દસ્તાવેજી પુરાવા, પોલીસપંચોના પુરાવા અને સાક્ષીઓના પુરાવા રજૂ કરીને ગુનો પુરવાર થાય છે એવી રજૂઆત કરી હતી. ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે દલીલોના અંતે ગઈ કાલે આરોપી શાંતિસાગર મહારાજને તકસીરવાર, ગુનેગાર ઠેરવ્યા હતા અને આજે આરોપી અને ફરિયાદી પક્ષને સાંભળીને સજા જાહેર કરશે.’
ADVERTISEMENT
શું બન્યું હતું?
સરકારી વકીલ રાજેશ ડોબરિયાએ કહ્યું હતું કે ‘૨૦૧૭માં ધાર્મિક વિધિ કરવા અને આશીર્વાદ આપવાના બહાને જૈન મુનિએ પીડિતા યુવતીનાં મમ્મી-પપ્પાને વડોદરાથી સુરત બોલાવ્યાં હતાં અને દીકરીને લઈને આવજો એમ કહ્યું હતું. પીડિતાનાં મમ્મી-પપ્પા જૈન મુનિને ગુરુ તરીકે માનતાં હતાં એટલે તેમનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને સુરત આવ્યાં હતાં. મુનિએ રાતે મમ્મી-પપ્પાને વિધિ કરવાના બહાને અલગ રૂમમાં બેસાડ્યાં હતાં અને સૂચના આપી હતી કે હું જ્યાં સુધી ન બોલાવું ત્યાં સુધી પોતાના સ્થાનથી દૂર નહીં જવાનું. એ રીતે એકાંત કેળવીને મુનિએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.’
આ ઘટના બાદ યુવતીએ હિંમતભેર પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કરીને અઠવાલાઇન્સ પોલીસ-સ્ટેશનમાં જૈન મુનિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. એને પગલે પોલીસે ઑક્ટોબર ૨૦૧૭માં શાંતિસાગર મહારાજની ધરપકડ કરી હતી. પોલીસ-ફરિયાદમાં જણાવ્યું હતું કે શાંતિસાગર મહારાજે ચંદનના લાકડાંથી કૂંડાળું બનાવીને એમાં મમ્મી-પપ્પાને બેસાડ્યાં હતાં અને ‘ઓમ રીં શ્રી ધનપતિ કુબેરાય નમઃ’નો જાપ કરવા કહ્યું હતું. શાંતિસાગર મહારાજે યુવતીને મોરપંખથી શારીરિક સ્પર્શ કર્યો હતો અને તેને અન્ય રૂમમાં લઈ જઈ લાઇટ બંધ કરીને તેની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. શાંતિસાગર મહારાજે યુવતી પાસે વિધિ કરવાના બહાને નગ્ન ફોટો પણ મગાવ્યા હતા. હાલમાં શાંતિસાગર મહારાજ લાજપોર જેલમાં છે.

