આ આરોપ તનીશા ભીસેના પરિવારજનોએ કર્યો છે : જીવ ગુમાવનારી મહિલા BJPના MLCના પર્સનલ અસિસ્ટન્ટની પત્ની હતી અને તેણે ટ્વિન્સને જન્મ આપ્યો છે : જોકે હૉસ્પિટલનું કહેવું છે કે તનીશાની ફૅમિલી ગેરમાર્ગે દોરી રહી છે
તનીશા ભીસે, પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ
પુણેમાં આવેલી દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં ૧૦ લાખ રૂપિયાનું પેમેન્ટ ન કરવાને લીધે ઍડ્મિશન ન મળવાથી ૨૯ વર્ષની તનીશા ભીસે નામની મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો દાવો આ મહિલાના પરિવારે કર્યો છે. જીવ ગુમાવનારી મહિલાના પરિવારે હૉસ્પિટલ પર ગંભીર આરોપ મૂક્યો હોવાથી રાજ્યના પબ્લિક હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર વિભાગના પ્રધાન અને શિવસેનાના કોલ્હાપુરના વિધાનસભ્ય પ્રકાશ આબિટકરે આ મામલે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારી તપાસ કરશે એવું આશ્વાસન આપ્યું હતું. જીવ ગુમાવનારી મહિલા ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના સભ્ય અમિત ગોરખેના પર્સનલ અસિસ્ટન્ટ સુશાંત ભીસેની પત્ની હતી. મહિલાએ ટ્વિન બાળકોને જન્મ આપ્યો છે, જેઓ તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને પગલે વિરોધી પક્ષોએ ગઈ કાલે હૉસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
વિધાન પરિષદના સભ્ય અમિક ગોરખેએ ગુરુવારે દાવો કર્યો હતો કે સુશાંત ભીસેએ દસ લાખને બદલે હૉસ્પિટલમાં ત્રણ લાખ રૂપિયા ડિપોઝિટ કરવાની તૈયારી બતાવી હોવા છતાં તેની પત્નીને ઍડ્મિટ નહોતી કરવામાં આવી. મંત્રાલયમાંથી હૉસ્પિટલમાં કૉલ કરવામાં આવ્યો હતો, પણ હૉસ્પિટલ તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.
ADVERTISEMENT
હૉસ્પિટલનું શું કહેવું છે?
દીનાનાથ મંગેશકર હૉસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ. ધનંજય કેળકરે કહ્યું હતું કે ‘મૃત્યુ પામનારી પ્રેગ્નન્ટ મહિલાનો પરિવાર ગેરમાર્ગે દોરી રહ્યો છે. તનીશા ભીસેની ૨૦૨૦થી આ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ૨૦૨૨માં તેની એક સર્જરી પણ કરવામાં આવી હતી, જેમાં તેને ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. તનીશા પ્રેગ્નન્ટ થશે તો મુશ્કેલીમાં મુકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તેને બાળક દત્તક લેવાની સલાહ આપવામાં આવી હતી. આમ છતાં તેણે પ્રેગ્નન્સી રાખી હતી. તનીશાની પ્રેગ્નન્સીની સારવાર અને બાળકની ડિલિવરી કરવા માટે ૧૦થી ૨૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ થવાનો અંદાજ તેના પરિવારને આપવામાં આવ્યો હતો. બીજું, પ્રેગ્નન્સી બાદ મહિલાએ ઓછામાં ઓછા ત્રણ વખત વિવિધ પ્રકારની ટેસ્ટ કરવાની જરૂર હોય છે, પણ તનીશા આવી ટેસ્ટ કરવા નહોતી આવી. ગુરુવારે તનીશાને હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેને સસૂન હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી.’

