દહિસરની ૧૫ વર્ષની જાહ્નવી સાવલાનું અકાળ અવસાન
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દહિસર-ઈસ્ટમાં રેલવે-સ્ટેશન રોડ પરના મિસ્કિટા નગરમાં આવેલા પરિચય બિલ્ડિંગની અગાસી પરથી નીચે પડી જવાથી ગઈ કાલે સાંજે ૧૫ વર્ષની જાહ્નવી સાવલાએ જીવ ગુમાવ્યો હતો. દહિસર પોલીસે જણાવ્યું હતું કે જાહ્નવી સાંજે ખીલેલી સંધ્યાનો સેલ્ફી લેવા અને રીલ બનાવવા અગાસી પર ગઈ હતી ત્યારે તે કોઈક રીતે નીચે પટકાઈ હતી. સાતમા માળેથી નીચે પડતાં જાહ્નવીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો તાબો લઈને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.
દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અશોક હોનમાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરિચય બિલ્ડિંગમાં રહેતી જાહ્નવી સાવલા સાંજે એકલી જ અગાસી પર હતી ત્યારે તે કોઈક રીતે નીચે પટકાઈ હતી. જાહ્નવીએ આ વર્ષે IG બોર્ડમાંથી ટેન્થની પરીક્ષા આપી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. બોર્ડનું રિઝલ્ટ બાકી છે. સેલ્ફી લેતી વખતે કે રીલ બનાવતી વખતે બૅલૅન્સ જતાં તે નીચે પડી ગઈ હોવાની શક્યતા છે. અમે આકસ્મિક મૃત્યુનો મામલો નોંધીને તપાસ હાથ ધરી છે. જાહ્નવીના પિતા સમીર સાવલાનો કપડાંનો બિઝનેસ છે. તેમણે પુત્રીના મૃત્યુ વિશે કોઈ શંકા વ્યક્ત નથી કરી.’

