Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં સેફ્ટી વગર શરૂ થયેલા બિલ્ડિંગના ડિમોલિશને આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓના જીવ અધ્ધર કર્યા

ઘાટકોપરમાં સેફ્ટી વગર શરૂ થયેલા બિલ્ડિંગના ડિમોલિશને આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓના જીવ અધ્ધર કર્યા

Published : 27 February, 2026 07:44 AM | Modified : 27 February, 2026 07:45 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આ સંદર્ભમાં ‘મિડ-ડે’એ ડેવલપર અને કૉન્ટ્રૅક્ટરનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સંપર્ક થયો નહોતો. ઘટનાસ્થળે હાજર રહેલા કર્મચારીઓએ મૌન સેવ્યું હતું. 

ઘાટકોપર-ઈસ્ટમાં સિક્સ્ટી ફીટ રોડ પર ડિમોલિશ થઈ રહેલું પર્ણકુટિર બિલ્ડિંગ. પર્ણકુટિર બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર હવામાં ઝૂલી રહેલો સિમેન્ટનો સ્લૅબ.

ઘાટકોપર-ઈસ્ટમાં સિક્સ્ટી ફીટ રોડ પર ડિમોલિશ થઈ રહેલું પર્ણકુટિર બિલ્ડિંગ. પર્ણકુટિર બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર હવામાં ઝૂલી રહેલો સિમેન્ટનો સ્લૅબ.


ઘાટકોપર-ઈસ્ટમાં અનેક બિલ્ડિંગોનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જોકે આ રીડેવલપમેન્ટ સમયે અમુક ડેવલપરો અને કૉન્ટ્રૅક્ટરો મુંબઈ મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે જેને કારણે સ્થાનિક રહેવાસીઓ હંમેશાં ભય હેઠળ જીવે છે. આવા જ એક બેજવાબદાર કૉન્ટ્રૅક્ટરને કારણે બુધવારે ઘાટકોપર-ઈસ્ટના રતિલાલ બેચરદાસ મહેતા માર્ગ (સિક્સ્ટી ફીટ રોડ) પર આવેલા પર્ણકુટિર બિલ્ડિંગના ડિમોલિશન સમયે સુરક્ષાનાં પગલાં પ્રૉપર ન લેવાયાં હોવાથી આસપાસનાં બિલ્ડિંગોના રહેવાસીઓ તેમ જ રાહદારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ ઇમારતના ડિમોલિશન સમયે એના સ્લૅબ અને કાટમાળ રોડ પર અને આસપાસનાં બિલ્ડિંગોના પરિસરમાં પડતાં સ્થાનિક રહેવાસીઓમાં જબરો ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાનો સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થતાં ઘાટકોપરમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક રહેવાસીની ફરિયાદને પગલે પંતનગર પોલીસે ડેવલપર અને કૉન્ટ્રૅક્ટરની સામે બેજવાબદારીનો ગુનો નોંધ્યો છે. 

પંતનગર પોલીસ-સ્ટેશનમાં પર્ણકુટિર બિલ્ડિંગની બાજુના લક્ષ્મી હાઉસ બિલ્ડિંગના એક રહેવાસીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘પર્ણકુટિરનું છેલ્લા ૧૫ દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું છે. પહેલાં તો બારી-બારણાં અને ગ્રિલ કાઢવાના કામથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી સોમવારથી ઇમારતના સ્લૅબ અને દીવાલો તોડવાના કામની શરૂઆત કરવામાં આવી છે. બુધવારે સવારે ૯ વાગ્યાથી ઇમારત તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ૧૦ વાગ્યે જોરદાર અવાજ સાથે બિલ્ડિંગના સિમેન્ટના સ્લૅબ અને અન્ય ભારે કાટમાળ અમારા બિલ્ડિંગના દરવાજા પાસે પડવા લાગ્યા હતા જેને કારણે રહેવાસીઓ ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા. થોડી વારમાં જ પર્ણકુટિરની બીજી બાજુ આવેલી અમર સ્મૃતિ ઇમારતના પ્રવેશદ્વાર પાસેના પરિસરમાં કાટમાળ અને સ્લૅબ જોરદાર ધમાકા સાથે પડવાથી આ ઇમારતના રહેવાસીઓ પણ ભયભીત થઈને તેમનાં ઘરોમાંથી બહાર આવી ગયા હતા. બધાએ જોયું તો પર્ણકુટિરનું ડિમોલિશન કરી રહેલા કૉન્ટ્રૅક્ટરે તોડકામ શરૂ કરતાં પહેલાં સુરક્ષાનું એક પણ પગલું લીધું નહોતું. આસપાસની ઇમારતોમાં કાટમાળ કે સ્લૅબ પડે નહીં એવી તેમના તરફથી કોઈ પૂર્વયોજના બનાવવામાં આવી નહોતી. એક મોટો સ્લૅબ તો ઉપરથી સિક્સ્ટી ફીટ રોડ પર ધમાકા સાથે પડ્યો હતો જેને પરિણામે આ રોડને પણ થોડી વાર માટે બંધ કરવાની નોબત આવી હતી. નસીબજોગે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ રહેવાસીઓ અને રાહદારીઓમાં ઊહાપોહ મચી ગયો હતો.’




બુધવારની ઘટના પછી પર્ણકુટિરની બાજુના અમર સ્મૃતિ બિલ્ડિંગના પરિસરમાંથી ગઈ કાલે હટાવાઈ રહેલો પર્ણકુટિરનો કાટમાળ.


ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલી બુધવારની ઘટનાની તસવીરો.

સ્થાનિક રહેવાસીઓએ તરત જ પોલીસ, ફાયર-બ્રિગેડ અને અમારો વિસ્તાર જે વૉર્ડ હેઠળ આવે છે એ મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડમાં આ બાબતની ફરિયાદ કરી હતી એમ જણાવતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એને પરિણામે પોલીસ, મહાનગરપાલિકાના અધિકારીઓ, નગરસેવકો, સ્થાનિક વિધાનસભ્ય, ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે હાજર થઈ ગયાં હતાં. અમને સાથે રાખીને તેમણે પંતનગર પોલીસ-‌સ્ટેશનમાં ડેવલપર અને કૉન્ટ્રૅક્ટર સામે ફરિયાદ કરી હતી. નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટના પછી આજે પણ પર્ણકુટિર ઇમારત પર ગઈ કાલ સાંજ સુધી હવામાં સ્લૅબ લટકે છે જે ગમે ત્યારે જોખમી બની શકે છે.’

અમે પર્ણકુટિરના ડેવલપર અને કૉન્ટ્રૅક્ટર સામે બેજવાબદારીનો ગુનો નોંધ્યો છે એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તેમની સામે લાપરવાહી જેને કારણે કોઈનો જાન જોખમમાં આવી શકે છે, કન્સ્ટ્રક્શન કરતી વખતે સુરક્ષાનાં પગલાં ન લેવા માટે અને અન્યોના જાન જોખમમાં મૂકવા જેવી ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.’

આ સંદર્ભમાં ‘મિડ-ડે’એ ડેવલપર અને કૉન્ટ્રૅક્ટરનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સંપર્ક થયો નહોતો. ઘટનાસ્થળે હાજર રહેલા કર્મચારીઓએ મૌન સેવ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 07:45 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK