ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) નથી આપવામાં આવ્યાં એથી એ મકાનોને એમાંથી રાહત આપવા સરકાર હવે નવી ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાની છે
એકનાથ શિંદે
મુંબઈમાં વર્ષોજૂનાં પાઘડીવાળાં મકાનોમાં અનેક પરિવાર રહે છે અને એ મકાનો જર્જરિત હોવા છતાં કાયદાકીય વિવાદ અને સ્ટ્રક્ચરલ આંટીઘૂંટીઓને કારણે એનું રીડેવલપમેન્ટ નથી થઈ શકતું. આવાં મકાનમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘લીગલ કેસ અને સ્ટ્રક્ચરલ કૉમ્પ્લેક્સિટીને કારણે પાઘડીનાં મકાનો રીડેવલપ કરવામાં બિલ્ડરો અને ડેવલપર્સ ઓછો રસ ધરાવે છે જેથી ભાડૂત અને મકાનમાલિક બન્નેના અધિકાર જળવાય એવું કાયદાકીય ફ્રેમવર્ક તૈયાર કરવું જરૂરી હતું. આ મકાનમાં રહેતા ઓછી આવકવાળા લોકોને ફક્ત ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) વધારી આપવાથી ખાસ કાંઈ નહીં વળે. સરકાર તેમના મકાનની ફુલ રીકન્સ્ટ્રક્શનની
કૉસ્ટ ઉપાડે એવી ગોઠવણ કરવી પડશે અને એ માટે અલગથી નવા નિયમ બનાવવામાં આવશે.’
નવા નિયમમાં ભાડૂતો હાલમાં જેટલી જગ્યા વાપરતા હશે એટલી જ જગ્યા તેમને સામે આપવામાં આવશે. મકાનમાલિકને તેની માલિકીના પ્રપોર્શનમાં FSI આપવામાં આવશે. જ્યારે ઓછી આવક ધરાવતા ભાડૂતોને રીકન્સ્ટ્રક્શનની કૉસ્ટ કવર કરવા માટે વધારાની FSI આપવામાં આવશે. જો હાઇટને લગતા નિયમને કે અન્ય કોઈ બાબતને કારણે પૂરેપૂરી FSI નહીં વાપરી શકાય તો એને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR)માં ફેરવી શકાશે એમ જણાવતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આમ કરવાથી પાઘડીનાં મકાનોનું રીડેવલપમેન્ટ વધુ થઈ શકશે. જર્જરિત મકાનમાં રહેતા લોકો નવા મકાનમાં રહી શકશે જેથી મકાનો તૂટી પડવાની ઘટના ઓછી થશે અને જાનમાલનું નુકસાન થતું અટકશે. મકાનમાલિક અને ભાડૂતો વચ્ચેના લીગલ કેસની પતાવટ ૩ વર્ષમાં કરવા ઍડિશનલ ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવામાં આવશે. મકાનમાલિક કે ભાડૂત કોઈને પણ અન્યાય ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છે.’
ADVERTISEMENT
નવી OC ઍમ્નેસ્ટી સ્કીમને કારણે ૧૦ લાખ લોકોને મળશે રાહત : એકનાથ શિંદે
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને અર્બન ડેવલપમેન્ટ તથા હાઉસિંગ મિનિસ્ટરનો પણ પદભાર સંભાળતા એકનાથ શિંદેએ ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે ‘મુંબઈમાં ૨૦,૦૦૦ જેટલાં મકાનો છે. તેમણે અપ્રૂવ કરાવેલા પ્લાનમાં કેટલાક માઇનર ચેન્જિસ કરાવવાને કારણે તેમને ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) નથી આપવામાં આવ્યાં એથી એ મકાનોને એમાંથી રાહત આપવા સરકાર હવે નવી ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાની છે જેનાથી એ મકાનમાં રહેતા ૧૦ લાખ જેટલા લોકોને લાભ થશે. હાલમાં એ મકાનોમાં રહેતા લોકોએ ડબલ વૉટર ચાર્જિસ, ડબલ પ્રૉપર્ટી ચાર્જિસ અને ડબલ સીવરેજ ચાર્જિસ ભરવા પડે છે. નવી ઍમ્નેસ્ટી સ્કીમને કારણે ૨.૫ લાખ પરિવારોને એમાંથી છુટકારો મળશે. તેમણે હવે ડબલ ટૅક્સ નહીં ભરવો પડે. તેમને માટે લોન મેળવવી આસાન થઈ જશે અને રીસેલમાં તેમની પ્રૉપર્ટીના ભાવ પણ વધશે. વળી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તેમની સામે ક્યારેય કાર્યવાહી કરી શકે એવી સતત તોળાતી ભયની તલવારમાંથી પણ તેમને મુક્તિ મળશે. આ નવી ઍમ્નેસ્ટી સ્કીમ હેઠળ જો મકાન રેગ્યુલરાઇઝ કરાવવાનું હશે તો તેમણે જે ઍડિશનલ કે ફન્જિબલ બિલ્ટ-અપ એરિયા વાપર્યો હશે એના પ્રીમિયમ (રેડી રેક્નર અનુસાર)માં ૫૦ ટકાની રાહત આપવામાં આવશે.’


