Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રક્ષાબંધનનું મુરત ચુકાવશે ટપાલીઓ

રક્ષાબંધનનું મુરત ચુકાવશે ટપાલીઓ

11 August, 2022 10:11 AM IST | Mumbai
Umesh Deshpande | umesh.deshpande@mid-day.com

કેમ કે મંગળવારે રજા હતી અને ગઈ કાલે તેમની હડતાળ હતી : પોસ્ટ-ઑફિસમાં છે રાખડીઓ જૅમ : આ ઉપરાંત તેમને તિરંગાના વિતરણની વધારાની કામગીરી પણ સોંપવામાં આવી

ખાનગીકરણના વિરોધમાં ગઈ કાલે દેશવ્યાપી પોસ્ટ-યુનિયનોની હડતાળને કારણે દાદરની પોસ્ટ-ઑફિસ બંધ રહી હતી. (તસવીર : આશિષ રાજે)

ખાનગીકરણના વિરોધમાં ગઈ કાલે દેશવ્યાપી પોસ્ટ-યુનિયનોની હડતાળને કારણે દાદરની પોસ્ટ-ઑફિસ બંધ રહી હતી. (તસવીર : આશિષ રાજે)


ખાનગીકરણના વિરોધમાં ગઈ કાલે મહારાષ્ટ્ર સહિત દેશભરનાં પોસ્ટ-યુનિયનો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી અને મંગળવારે મોહરમની જાહેર રજા હતી. આ બધાને કારણે ઘણી બહેનોએ પોતાના ભાઈઓને પોસ્ટ દ્વારા મોકલેલી રાખડીઓ પોસ્ટ-ઑફિસનાં પાર્સલોમાં પડી રહેવાની ફરિયાદો ઊઠી છે. સોમવાર સાંજ બાદ રાખડીઓનું વિતરણ બંધ થયું છે. આજે રક્ષાબંધન હોવાથી જે બહેનોએ સામાન્ય પોસ્ટ દ્વારા રાખડી મોકલી હશે તેમના ભાઈઓના હાથ ખાલી જ રહે એવી ભારોભાર શક્યતા છે.

બહેનોએ દસ દિવસ પહેલાં મોકલેલી રાખડી હજી સુધી ભાઈઓના ઘરે પહોંચી શકી નથી. આ વિશે પોસ્ટ-ઑફિસમાં તપાસ કરતાં ખબર પડી કે ખાનગીકરણના વિરોધમાં ગઈ કાલે પોસ્ટ-ઑફિસના ક્લર્ક કક્ષાના કર્મચારીઓએ રજા પાડી હતી. હડતાળ પર જનારા કર્મચારીઓનું કહેવું હતું કે આ તો માત્ર સાંકેતિક હડતાળ હતી, આંદોલનને હજી વધારે ઉગ્ર બનાવવામાં આવશે. હડતાળને કારણે ગઈ કાલે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર, તિરંગાના વિતરણ તેમ જ પોસ્ટના વિતરણની કામગીરી પ્રભાવિત થઈ હતી.



દેશભરમાં હાલ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત લોકો પોતાનાં ઘરો, ઑફિસ તેમ જ કાર્યાલય પર તિરંગો ફરકાવી શકશે. તિરંગાના વેચાણની કામગીરી દેશભરની પોસ્ટ-ઑફિસોને સોંપવામાં આવી છે. જોકે એની અસર રાખડીની પોસ્ટના વિતરણ પર પડી છે. મુંબઈના કેટલાક પોસ્ટમેનને આ વિશે પૂછતાં તેમણે કહ્યું કે રક્ષા બંધનની પહેલાંના દિવસોમાં આમ પણ સામાન્ય દિવસો કરતાં વધારે પોસ્ટ આવે છે. ઉપરાંત આ વખતે તેમને પોસ્ટ ઉપરાંત રાષ્ટ્રધ્વજ પણ સાથે લઈ જવા માટે જણાવવામાં આવ્યું છે જેથી કોઈ વ્ય​ક્તિ માગે તો તેને પચીસ રૂપિયાનો એક પ્રમાણે ઝંડો આપી શકે. પોસ્ટના એક અધિકારીને આ વિશે પૂછતાં તેમણે કહ્યું કે ‘એક પોસ્ટમૅન સામાન્ય રીતે ૨૦૦ પોસ્ટનું વિતરણ કરી શકે છે. હાલ તેની પાસે ૧૦૦૦ પોસ્ટ છે જેથી ૮૦૦ પોસ્ટ તો એમ જ પડી રહેવાની. મોટાં-મોટાં પાર્સલોને તો હાલ ખોલવાની જ ના પાડી દીધી છે.’


આ બાબતે જનરલ પોસ્ટ ઑફિસના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ વીણા શ્રીનિવાસ સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓ મળી નહોતા શક્યા.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 10:11 AM IST | Mumbai | Umesh Deshpande

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK