દિશા પર સૂરજ પંચોલી, ડિનો મોરિયા, આદિત્ય ઠાકરે અને તેમના સિક્યૉરિટી ગાર્ડે ગૅન્ગરેપ કર્યો હતો
ગઈ કાલે ફોર્ટમાં મીડિયા સાથે વાતચીત કરતા નીલેશ ઓઝા. તસવીર : અનુરાગ અહિરે
બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશાના પિતા સતીશ સાલિયને બૉમ્બે હાઈ કોર્ટમાં પુત્રી પર સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરનારા આરોપીઓ સામે તાત્કાલિક FIR નોંધીને ધરપકડ કરવાની માગણી કરતી પિટિશન દાખલ કરી છે ત્યારે તેમના ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી જેમાં આદિત્ય જ નહીં, ઉદ્ધવ ઠાકરે પર પણ ગંભીર આરોપ મૂક્યા હતા. ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ કહ્યું હતું કે ‘દિશાના પિતા અઢી વર્ષ ચૂપ હતા, કારણ કે મહા વિકાસ આઘાડીની સરકારના સમયમાં તેઓ કોની પાસે ન્યાય માગવા જાત? મહા વિકાસ આઘાડીની સરકાર ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓની હતી. તેમની સરકારમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સુરક્ષિત નહોતા. બૉલીવુડની અભિનેત્રી કંગના રનૌતનું ઘર તોડી નાખવામાં આવ્યું. સૈનિકોના ઘરમાં ઘૂસીને મારપીટ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સામાન્ય માણસને કોણ ન્યાય આપત? દિશા સાલિયનની હત્યા કરવામાં આવી હતી એ દિવસે આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી, ડિનો મોરિયા અને આદિત્ય ઠાકરેના સિક્યૉરિટી ગાર્ડ ત્રણ કલાક મલાડના ફ્લૅટમાં હતા અને બધાએ દિશા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ વાતની માહિતી હોવા છતાં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેસને રફેદફે કરવાના તમામ પ્રયાસ કર્યા હતા એટલે તેઓ પણ એટલા જ દોષી છે. તમામ પર ફરિયાદ નોંધીને તેમની ધરપકડ થવી જોઈએ. ધરપકડ બાદ આરોપીઓની લાઇ ડિટેક્ટર, નાર્કો અને બ્રેઇન મૅપિંગ ટેસ્ટ કરવામાં આવે. આરોપીઓને ફાંસીની સજા થાય એવી અમારી માગણી છે. દિશા સાલિયન ૧૪મા માળેથી નીચે પટકાઈ હોવા છતાં તેના શરીરમાં કોઈ ફ્રૅક્ચર નહોતાં અને કપડાંમાં લોહીના ડાઘ પણ જોવા નહોતા મળ્યા. આ સંબંધી પુરાવા અમે કોર્ટમાં રજૂ કરીશું.’

