RTI અરજીમાં ભાંડો ફૂટ્યો, બીજા ડૉક્ટરના રજિસ્ટ્રેશન-નંબર પર પ્રૅક્ટિસ કરી
પ્રતીકાત્મક તસવીર
રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં રેલવે હૉસ્પિટલમાં ચાલતો મોટો છબરડો બહાર આવ્યો હતો. મુંબઈ સેન્ટ્રલમાં આવેલી જગજીવન રામ રેલવે હૉસ્પિટલમાં બે વર્ષથી કાર્ડિઍક સર્જરી કરતા ડૉ. વાયએસએન ચંદ્રશેખર નકલી રજિસ્ટ્રેશન ડૉક્યુમેન્ટ્સ ધરાવતા હોવાની જાણકારી મળી હતી. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC) મુજબ પ્રૅક્ટિસ કરવા માટેનું રજિસ્ટ્રેશન પણ તેમણે કરાવ્યું નહોતું. આ વાત સામે આવવાથી મોટો પ્રશ્ન હૉસ્પિટલની ઑથોરિટી સામે ઊભો થાય છે કે ડૉક્યુમેન્ટ્સ ચેક કર્યા વગર ડૉક્ટરની નિમણૂક કેવી રીતે કરવામાં આવી?
ડૉ. ચંદ્રશેખર ૨૦૨૩ની પહેલી નવેમ્બરે કાર્ડિયોવૅસ્ક્યુલર થોરાસિક સર્જરી (CVTS) વિભાગમાં સિનિયર રેસિડન્ટ તરીકે જોડાયા હતા, પરંતુ તેમણે મહારાષ્ટ્રમાં પ્રૅક્ટિસ કરવા માટે ફરજિયાત MMC રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું. આ રજિસ્ટ્રેશન વગર પણ તેમણે અનેક હાર્ટ-સર્જરી કરી હતી. આ બાબતે RTI ઍક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે ‘ડૉક્ટરે શરૂઆતમાં બીજા ડૉક્ટરનું નકલી MMC પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને જુલાઈ મહિનામાં ડૉક્ટરે આ વાત કબૂલી હતી. છેક ઑક્ટોબર મહિનામાં ડૉક્ટરે MBBS ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવા માટે MMCમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, CVTS સ્પેશ્યલિટી માટે નહીં. એટલે CVTS સ્પેશ્યલિસ્ટ તરીકે તેઓ કામ કરી શકે નહીં. આમ છતાં હાર્ટ-સર્જ્યન તરીકે કામ કરનાર આ ડૉક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ.’


