કોલ્હાપુરના ચંદગઢમાં બન્ને NCP એકસાથે આવ્યા પછી એ જ ફૉર્મ્યુલા પર પ્રયોગ, નારાયણ રાણેનો ગઢ તોડવા શિંદેસેના MVAના જૂથમાં જોડાય એવી ચર્ચા
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે
કોલ્હાપુરના ચંદગઢમાં સ્થાનિક સ્તરે અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને શરદ પવારના નેતૃત્વ હેઠળની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)એ સાથે મળીને ‘રાજર્ષિ શાહુ વિકાસ આઘાડી’ હેઠળ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. એ જ ફૉર્મ્યુલા હવે શિવસેનામાં પણ ચર્ચાઈ રહી છે. કોકણનું કણકવલી ભારતીય જનતા પાર્ટીના નેતા નારાયણ રાણે (ભૂતપૂર્વ શિવસૈનિક) અને તેમના દીકરા નીતેશ રાણેનો ગઢ ગણાય છે. તેમને સ્થાનિક ચૂંટણીમાં હરાવવા હવે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) એકસાથે લડે એવી ચર્ચા થઈ રહી છે.
શિવસેના (UBT) જૂથના જિલ્લા-પ્રમુખ અને કણકવલીના ભૂતપૂર્વ મેયર સંદેશ પારકરના નિવાસસ્થાને આ માટે રવિવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે શિવસેનાના બન્ને ફાંટા જો સાથે મળીને લડે તો નીતેશ રાણેને હરાવી શકાય એમ છે. મહા વિકાસ આઘાડી (MVA)ના સાથી પક્ષો શિવસેના (UBT), કૉન્ગ્રેસ અને NCP–SPએ સાથે મળીને સ્થાનિક સ્તરે ‘શહર વિકાસ આઘાડી’ હેઠળ લડવાનું નક્કી કર્યું છે. એમાં એકનાથ શિંદેની શિવસેના પણ જોડાશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું.


