બાઝારપેઠ પોલીસે હત્યાના ૧૨ કલાકની અંદર પલાયન થઈ ગયેલા સલીમની ધરપકડ કરી
હત્યામાં મૃત્યુ પામનાર નસીમ ખાન.
કલ્યાણ-વેસ્ટના રોહિદાસનગરમાં રહેતા ૩૨ વર્ષના સલીમ ખાને મંગળવાર રાતે માત્ર ૫૦૦ રૂપિયા માટે તેના ૨૭ વર્ષના નાના ભાઈ નસીમ ખાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. બાઝારપેઠ પોલીસે હત્યાના ૧૨ કલાકની અંદર પલાયન થઈ ગયેલા સલીમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ નશામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સલીમ તેના નાના ભાઈ નસીમને છરીના ઘા ઝીંકી લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો એમ જણાવતાં બાઝારપેઠ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાતે બન્નેની મમ્મી માર્કેટમાં ગઈ હતી. એ દરમ્યાન સલીમના ખિસ્સામાંથી નસીમે ૫૦૦ રૂપિયા કાઢ્યા હતા, જેનાથી રોષે ભરાઈને બન્ને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધતાં ઘરમાં રહેલા ચાકુથી સલીમે નસીમ પર હુમલો કર્યો હતો અને લોહીલુહાણ હાલતમાં તેને છોડીને ભાગી ગયો હતો. બન્નેની મમ્મી ઘરે આવી ત્યારે તેણે નસીમને જખમી હાલતમાં જોઈને તાત્કાલિક ઇલાજ માટે કલ્યાણની રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ અમને થતાં અમે થાણે વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો હતો.’