ઓછા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાનો દાવો કરી થાણેના ઘોડબંદર પર બોલાવ્યો
પ્રતીકાત્મક તસવીર
ઓછા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના નામે મીરા રોડના રામદેવ પાર્ક નજીક રહેતા ૨૩ વર્ષના પ્રથમ સોનીને રવિવારે સાંજે થાણેના ઘોડબંદર રોડ પર બોલાવીને ત્રણ લાખ રૂપિયા તફડાવી લેવાયા હતા. આ મામલે કાસારવડવલી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટેલિગ્રામ ઍપ્લિકેશન પર રાહુલ મહેતા નામના યુવકે ઓછા ભાવે ક્રિપ્ટોકરન્સી વેચવા વિશે જાહેરાત પોસ્ટ કરી હતી એ જોયા બાદ પ્રથમે રાહુલનો સંપર્ક કર્યો હતો. એ દરમ્યાન ક્રિપ્ટોકરન્સીનો વ્યવહાર કરવા માટે પ્રથમને થાણેના ઘોડંબદર રોડ પર કાસારવડવલી સિગ્નલ નજીક બોલાવ્યો હતો. રાહુલ ત્યાં પૈસા લઈને પહોંચ્યો ત્યારે એક કાર આવી હતી જેમાંથી પોલીસનો યુનિફૉર્મ પહેરીને ઊતરેલા ચાર ગઠિયાઓએ શરૂઆતમાં પ્રથમને ડરાવ્યો હતો અને પછી તેના હાથમાંની પૈસાની થેલી લઈને નાસી ગયા હતા.
કાસારવડવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિવૃત્તિ કોલ્હટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવાર સાંજે પ્રથમે ટેલિગ્રામ-ગ્રુપમાં ક્રિપ્ટોકરન્સી ઓછા ભાવે મળતી હોવાની જાહેરાત જોઈ હતી. ત્યાર બાદ તેણે ક્રિપ્ટોકરન્સી ઓછા ભાવે વેચવાનો દાવો કરનાર રાહુલનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં પ્રથમને વિશ્વાસ બેસે એ માટે રાહુલે ૧૦ ક્રિપ્ટોકરન્સી ઑનલાઇન આપીને તેને ટ્રસ્ટ વૉલેટમાં તપાસવાનું કહ્યું હતું એ મુજબ પ્રથમે તેની ચકાસણી કરી ત્યારે એ સાચાં હોવાની ખાતરી થતાં તે ત્રણ લાખ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી લેવા તૈયાર થયો હતો. જોકે ત્યારે રાહુલે તેને રોકડા રૂપિયા લઈને ઘોડબંદરના કાસારવડવલી નજીક બોલાવ્યો હતો. એ પછી પ્રથમ તેના એક મિત્ર સાથે રવિવારે સાંજે કાસારવડવલી સિગ્નલ નજીક આવ્યો હતો જ્યાં રાહુલ તેને મળ્યો હતો. તેણે શરૂઆતમાં સામાન્ય વાત કરીને તેને સર્વિસ-રોડ પર મીરા રોડની દિશામાં ચાલતાં આગળ લઈ ગયો હતો જ્યાં પહેલાં પૈસા બતાવવાનું કહેતાં પ્રથમે એ બતાવ્યા હતા. એ દરમ્યાન એક સફેદ કાર ત્યાં આવી હતી અને એમાંથી ચાર જણ પોલીસ-યુનિફૉર્મમાં દંડો લઈને ઊતર્યા હતા. તેમણે શરૂઆતમાં તમામને ધમકાવ્યા હતા. એ પછી રાહુલને કારમાં બેસાડીને પ્રથમના હાથમાંની પૈસાની બૅગ લઈને નાસી ગયા હતા. એ ઘટના બાદ રાહુલનો કલાકો સુધી સંપર્ક કરવાની કોશિશ કરતાં તેનો સંપર્ક થયો નહોતો. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેણે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગુજરાતની એક ગૅન્ગની સંડોવણી હોવાની માહિતી મળી છે. અમારી એક ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. આવતા બે-ત્રણ દિવસમાં આરોપીની ધરપકડ થાય એવી શક્યતા છે.’


