Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અફલાતૂન મીઠાઈ ખાધા પછી જીવ જતો રહ્યો

અફલાતૂન મીઠાઈ ખાધા પછી જીવ જતો રહ્યો

Published : 17 November, 2026 10:41 AM | IST | Thane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબ્રાની શૉકિંગ ઘટના : પાંચ જણની તબિયત બગડી એમાંથી એકનું મૃત્યુ: સ્ટેશન પાસે આવેલી મીઠાઈની દુકાનમાંથી બધો માલ જપ્ત કરીને સીલ કરી દેવાઈ

મુંબ્રામાં આવેલી સાગર સ્વીટ્સ ઍન્ડ બેકરી અને મૃત્યુ પામેલો ઝુબેર અન્સારી.

મુંબ્રામાં આવેલી સાગર સ્વીટ્સ ઍન્ડ બેકરી અને મૃત્યુ પામેલો ઝુબેર અન્સારી.


મુંબ્રા રેલવે-સ્ટેશન નજીક આવેલી સાગર સ્વીટ્સ ઍન્ડ બેકરીમાંથી ખરીદેલી અફલાતૂન નામની મીઠાઈ ખાવાથી થયેલા ફૂડ-પૉઇઝનિંગના કારણે એક જ પરિવાર અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ દુકાનમાંથી ૮ નવેમ્બરે ખરીદેલી મીઠાઈ ખાધા બાદ પાંચ વ્યક્તિઓની તબિયત અચાનક ગંભીર રીતે લથડી હતી. આ દુર્ઘટનામાં ૩૫ વર્ષના ઝુબેર અન્સારી નામના યુવકનું સારવાર દરમ્યાન ગઈ કાલે અવસાન થયું છે, જ્યારે અન્ય ૪ દરદીઓની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામેલા ઝુબેરના પરિવારજનોએ મીઠાઈ ખાધા પછી જ તબિયત બગડી હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે મુંબ્રા પોલીસે ઘટનાની નોંધ કરી છે તેમ જ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ મીઠાઈની દુકાન સીલ કરીને તમામ માલ જપ્ત કરીને સૅમ્પલિંગ માટે મોકલી દીધો છે.

અફલાતૂન શેમાંથી બને?



 રવો


 ઘી

 સાકર


 દૂધ

 માવો

 ઈંડાં (ક્યારેક વપરાય)

 સૂકો મેવો

 એલચી  કેસર

આ ઘટના વિશે વિગતવાર માહિતી આપતાં મૃત્યુ પામેલા યુવકના ભાઈએ જણાવ્યું હતું કે ‘આ મીઠાઈ અમને અમારા પાડોશી પાસેથી મળી હતી જેમાંથી અમે પાંચેય જણે માત્ર એક-એક ટુકડો જ ખાધો હતો. મીઠાઈ ખાધાના કલાકભરની અંદર જ તમામને ઊલટી, જુલાબ, પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તાત્કાલિક અમે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. દરમ્યાન ઝુબેરની તબિયતમાં પહેલાં સુધારો જણાતો હતો અને તેને રજા મળવાની હતી, પરંતુ ત્રીજા દિવસે અચાનક તેનું ઑક્સિજન-લેવલ ઘટવા લાગ્યું અને ડૉક્ટરોએ તેનું લિવર ખરાબ થઈ ગયું હોવાનું જણાવી બીજી હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. જોકે બીજી બાજુ દાખલ કરીએ એ પહેલાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.’ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબ્રા પોલીસ અને FDAના અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. FDAના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને સંબંધિત સાગર સ્વીટ્સ ઍન્ડ બેકરી નામની દુકાનને સીલ કરી બંધ કરાવી દીધી છે. દુકાનમાંથી અફલાતૂન નામની મીઠાઈ સહિત અન્ય ખાદ્યપદાર્થોનાં સૅમ્પલ લઈને લૅબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યાં છે. આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મીઠાઈનાં સૅમ્પલનો લૅબ-રિપોર્ટ અને પોસ્ટમૉર્ટમ અહેવાલ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સત્તાવાર રીતે બહાર આવશે.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 10:41 AM IST | Thane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK