સ્તન અને નિતંબ મોટાં કરવાના બનાવટી દાવા કરતા કૉસ્મેટિક્સનો જથ્થો પકડ્યો
પ્રતીકાત્મક તસવીર
તુકારામ મુંઢે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર બન્યા છે ત્યારથી તેમણે સપાટો બોલાવ્યો છે. રોજ કોઈ ને કોઈ જગ્યાએ રેઇડ પાડીને બનાવટી વસ્તુઓ પર કાર્યવાહી થઈ રહી છે. શનિવારે ક્રૉફર્ડ માર્કેટની કૉસ્મેટિક્સની એક દુકાન પર રેઇડ પાડવામાં આવી હતી. ત્યાંથી બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ, બટ એન્હૅન્સમેન્ટ અને ફૅટ બર્નર જેવા ભ્રામક દાવા કરતાં ઉત્પાદનોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ બધી જ પ્રોડક્ટ્સ પર બૅચ-નંબર, મૅન્યુફૅક્ચરિંગ-નંબર અને મૅન્યુફૅક્ચરિંગ કંપનીનો ઉલ્લેખ નહોતો. આ ઉપરાંત ઉપચાર અને સૌંદર્ય વધારતું હોવાના ભ્રામક દાવો કરતા તેલનો ૧.૦૨ લાખ રૂપિયાનો સ્ટૉક પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
એ સિવાય લાઇસન્સ ન હોવા છતાં દવાઓ અને કૉસ્મેટિક્સ બનાવતી કાંદિવલીની એક કંપની પર પણ FDAના અધિકારીઓએ રેઇડ પાડી હતી. ત્યાંથી દવાઓ, કૉસ્મેટિક્સ અને મશીનરી મળીને ૩.૯૭ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
FDA દ્વારા કરાડમાં પણ કાર્યવાહી કરીને ૨૯.૪૫ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. એ માલ પર પણ બૅચ-નંબર, મૅન્યુફૅક્ચરિંગ ડેટ અને અન્ય વિગતો દર્શાવવામાં આવી નહોતી. લાતુરની ૮ દુકાનો પર કાર્યવાહી કરીને ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો હતો.
