ખાડીમાં એક માણસને ઊતરતો જોઈને બાળકે તરત જ પોલીસચોકીમાં જઈને જાણ કરી અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું
ખાડીના પાણીમાં ફાયર-બ્રિગેડના જવાનોની છલાંગ. કલવાની ખાડીમાંથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.
માત્ર ૪ વર્ષની ઉંમરે થાણેના વરુણ નિકાતેએ ગજબની સમયસૂચકતા અને બહાદુરી બતાવીને ડૂબતા માણસને બચાવવામાં મદદ કરી હતી.
ગઈ કાલે સવારે માનસિક રીતે અસ્થિર હોવાને કારણે ૩૦ વર્ષનો નૌશાદ મેહરુમ ખાડીમાં ઊતરી ગયો હતો, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતાં તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા વરુણની નજર આ દૃશ્ય પર પડી હતી એટલે તે તાત્કાલિક દોડીને નજીકની સાકેત
ADVERTISEMENT
ટ્રાફિક-પોલીસની ચોકીએ પહોંચ્યો હતો. તેણે ટ્રાફિક-પોલીસના કાર્યાલયમાં જઈને આ ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. બાળકની વાત સાંભળતાં જ ટ્રાફિક-પોલીસના હેડ કૉન્સ્ટેબલ રમેશ સોનવણે, કિરણ પાટીલ અને સચિન પાલવેએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના ફાયર-બ્રિગેડને જાણ કરીને નૌશાદને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો. થાણેમાં આ બહાદુર બાળક અને જાંબાઝ જવાનોની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના સિનિયર અધિકારી યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતાં અમારી ટીમને પણ આ ઘટનાની સૂચના મળી હતી. ત્યાર બાદ તાત્કાલિક અમારી ટીમ ખાડીના કિનારે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ અત્યંત કટોકટીભરી હોવાથી ફાયર-બ્રિગેડના અધિકારીઓએ સીધી ખાડીના ઊછળતા પાણીમાં છલાંગ લગાવીને અદ્ભુત સાહસને લીધે માત્ર ૧૫ મિનિટની અંદર ડૂબી રહેલા નૌશાદને સહીસલામત બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ જવાનોએ તેને આગળની પ્રક્રિયા અને સંભાળ માટે થાણે નગર પોલીસ-સ્ટેશનના અધિકારીઓને સોંપ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યુ ઑપરેશનમાં ૪ વર્ષના વરુણ નિકાતેની સમયસૂચકતા સૌથી મહત્ત્વની સાબિત થઈ હતી, કારણ કે જો તેણે સમયસર પોલીસને ન જણાવ્યું હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત.’
